ન્યૂક્લિયર એટેક જેવો થયો ધૂમાડાનો ગોટો, કેટલાક મીટરો સુધી સંભળાઇ બ્લાસ્ટની ગૂંજ, ખૌફનાક મંજરની તસવીરો
મધ્યપ્રદેશના હરદામાં એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં 7 લોકોના મોતના અહેવાલ છે, જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
આ બ્લાસ્ટ (Harda blast)થી આખું શહેર હચમચી ગયું છે. વિસ્ફોટ બાદ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આસપાસના વિસ્તારના લગભગ 50 ઘર આગની લપેટમાં આવી ગયા છે. તો બીજી તરફ લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં અને ત્યાં દોડતા જોવા મળ્યા છે.
20થી વધુ ઘાયલોને હરદા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. નજીકના જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડના વાહનો પણ હરદા જવા રવાના થયા છે.
મળતી માહિતી મુજબ, મગરધા રોડ પર આવેલી એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં સવારે (6 ફેબ્રુઆરી) સવારે વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી જોઈ શકાતા હતા. માહિતી મળ્યા બાદ વહીવટી કર્મચારીઓ સહિત ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે તાત્કાલિક આ ઘટનાની નોંધ લીધી અને મંત્રી ઉદય પ્રતાપ સિંહ, એસીએસ અજીત કેસરી, ડીજી હોમગાર્ડ અરવિંદ કુમારને હેલિકોપ્ટર દ્વારા હરદા જવાનો નિર્દેશ આપ્યો. તો બીજી તરફ ભોપાલ અને ઈન્દોરમાં મેડિકલ કોલેજો, ભોપાલમાં એઈમ્સ અને બર્ન યુનિટને પણ જરૂરી તૈયારીઓ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.