મધુબાલાથી લઈને કિઆરા અડવાણી સુધી, જેમની સુંદરતાએ દર્શકોના જીત્યા દિલ
બોલિવુડ જ નહીં સમગ્ર ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીની યાદી બનાવવામાં આવે તો સૌથી પહેલા નામ મધુબાલાનું આવે. મધુબાલાનું અસલી નામ મુમતાઝ જહા બેગમ દેહલવી હતું. વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરીના દિવસે મધુબાલાનો જન્મ થયો હતો. મધુબાલાની સુંદરતાનો કોઈ મુકાબલો નહોંતો અને કાયમ માટે તેના ફેન્સના દિલમાં જીવંત છે. 20 વર્ષ સુધી 60થી વધુ ફિલ્મોમાં કામ કરી પોતાની અદાઓથી દીવાના બનાવનાર મધુબાલાએ 36 વર્ષની નાની ઉમરે દુનિયાને અલવિદા કહીં દીધું. તેમની નમણી આંખો, નિર્દોષ હાસ્ય અને સાદગીથી લોકો ખાસ્સા પ્રભાવિત હતા. ખરેખર મધુબાલા એવા સુંદર અભિનેત્રી હતા, જેમણે ક્યારેય શણગારની જરૂર પડી નથી.
વહીદા રહેમાન પણ સિનેમા જગતની આવી જ નેચરલ બ્યુટી રહી.. આજે 83 વર્ષની ઉમરે પણ તેમનામાં ગજબનું આકર્ષણ છે. આજે પણ તેમનો અંદાજ, તેમની સાદગી મન મોહી લે છે. ત્રણ ફિલ્મફેર અને નેશનલ એવોર્ડ મેળવનાર વહીદા રહેમાનને ભારત સરકારે 1972માં પદ્મશ્રી અને 2011માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા છે.
મૌસમી ચેટર્જીએ હિન્દી તેમજ બંગાળી ફિલ્મોમાં ઘણું કામ કર્યું છે. 70ના દાયકામાં તે બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાં સામેલ હતી. સિલ્વર સ્ક્રીન પર મૌસમી ચેટર્જીના નિર્દોષ હાસ્યએ તે સમયગાળામાં લાખો લોકોના દિલ જીતી લીધા હતા.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અન્ય ખૂબસુરત અભિનેત્રી સ્મિતા પાટીલે પણ ખૂબ જ નાની ઉંમરે ફાની દુનિયાને અલવિદા કહી દીધું હતું . 31 વર્ષની ઉંમરે પુત્ર પ્રતિક બબ્બરને જન્મ આપ્યાના બે અઠવાડિયા બાદ સ્મિતા પાટીલનું નિધન થયું. બાળકના જન્મ બાદ સ્મિતાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ હતી જેના કારણે તે આપણને છોડીને જતી રહી. સ્મિતા પાટીલે 80થી વધુ હિન્દી, બંગાળી, મરાઠી, ગુજરાતી, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યુ હતું. સ્મિતા પાટીલે અભિનેતા રાજ બબ્બર સાથે લગ્ન કર્યા હતા.
હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોની સુપરસ્ટાર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીએ 'હીરો', 'મેરી જંગ', 'શહેનશાહ', 'ઘાયલ' અને 'દામિની' જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. સિંદરી (તે સમયે બિહાર હવે ઝારખંડ)માં જન્મેલી મીનાક્ષી શેષાદ્રીએ 17 વર્ષની ઉંમરે ઇવ્સ વીકલી મિસ ઇન્ડિયાનો તાજ જીત્યો હતો. મીનાક્ષીએ ટોક્યોમાં 1981ની મિસ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.મીનાક્ષી શેષાદ્રી પણ રૂપ રૂપનો અંબાર હતી.
આયેશા ઝુલકાની ગણતરી બોલિવૂડની સૌથી સુંદર અને ક્યૂટ હિરોઈનમાં સામેલ થાય છે. 28 જુલાઈ, 1972ના દિવસે શ્રીનગરમાં જન્મેલી આયેશા ઝુલકાએ સલમાન ખાનની સામે 'કુરબાન' ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યુ હતું. આ ફિલ્મનું ગીત 'તુ જબ જબ મુજકો પુકારે' આજે પણ લોકોને ખૂબ પસંદ છે, ફેન્સમાં આયેશાનો જબરદસ્ત ક્રેઝ હતો. ત્યારબાદ તે વર્ષ 1992માં "જો જીતા વહીં સિંકદર' ફિલ્મમાં નજર આવી. અંજલીના પાત્રમાં તેને જોઈ દરેકે કહ્યું- પહેલા નશા પહેલા ખુમાર.
મધુબાલા બાદ જે અભિનેત્રીએ પોતાની ખૂબસુરતીથી દર્શકોને દીવાના કર્યા તે અભિનેત્રી દિવ્યા ભારતી. દિવ્યા ભારતીએ ખૂબ નાની ઉમરમાં ટોપ એકટ્રેસ તરીકેની ઈન્ડસ્ટ્રીમાં નામના મેળવી, માત્ર 20 વર્ષની ઉમરે બિલ્ડિંગ પરથી નીચે પટકાતા તેનું મોત થયું. 1990માં તમિલ ફિલ્મથી અભિનયની શરૂઆત કરનાર દિવ્યા ભારતીના ક્રેઝનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે 1993 સુધી તેની 21 ફિલ્મો રિલીઝ થઈ હતી.
સોનાલી બેન્દ્રે ભલે બોલીવુડની ટોચની અભિનેત્રી ન બની શકી, પરંતુ તેની સુંદરતા અને સાદગીના પણ લાખો દીવાના રહ્યા... સોનાલી બેન્દ્રેમાં તમને સંપૂર્ણ ભારતીય નારી તરીકેની સુંદરતા જોવા મળશે. 'હમ સાથ સાથ હૈ'માં સોનાલીની સાદગી અને તેની શરમાવવાની રીતથી દર્શકો તેની ખૂબસુરતીના ફેન થઈ ગયા. 'દિલજલે', 'જખ્મ', 'સરફરોશ', 'હમ સાથ-સાથ હૈ' જેવી ફિલ્મોમાંથી નામ કમાનાર સોનાલી બેન્દ્રે રિયાલિટી શોઝમાં જજ તરીકે જોવા મળી, તેને કેન્સરને માત આપી છે, હાલ તે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે.
હજારો ખ્વાઈશેં એસી', 'યે સાલી જિંદગી', 'ઈન્કાર', 'દેશી બોયઝ', સહિતની ફિલ્મોમાં ચિત્રાંગદા સિંહે ફિલ્મોમાં કામ કર્યું છે. ચિંત્રાગદા સિંહ એક આકર્ષક અભિનેત્રી રહી અને તેની સુંદરતાએ બધાને દીવાના બનાવ્યા છે. રાજસ્થાનના જોધપુરની રહેવાસી ચિત્રાંગદા 44 વર્ષની છે.
હાલમાં જે અભિનેત્રીએ લોકોના દિલ જીત્યા છે તે અભિનેત્રી છે કિઆરા અડવાણી. 'એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'માં સાક્ષી રાવત હોય અથવા' કબીર સિંહ'માં પ્રીતિ હોય અથવા તાજેતરમાં રિલીઝ થયેલી 'શેર શાહ'માં ડિમ્પલ ચીમા હોય, કિયારા અડવાણીએ સુંદરતા અને નિર્દોષતાથી ફેન્સને પાગલ કર્યા છે.