Liquor Permit in Gujarat: છાંટાંપાણી! ગિફ્ટ સિટીની જેમ ગુજરાતની આ જગ્યાએ પણ મળી શકે છે દારૂની છૂટ!
Liquor Permit in Gujarat: ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાથી અહીં આમ તો દારૂ બંધી છે. પરંતુ ગુજરાત સરકારે ઉદ્યોગોને વેગ આપવા, બહારથી આવતા મહેમાનો, ઉદ્યોગકારોને વ્યવસ્થા આપવા માટે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે દારૂની છૂટ આપી છે. આ રીતે હવે આગામી દિવસોમાં ગુજરાત સરકાર અન્ય એક સ્થળે નિયમો હળવા કરીને આપી શકે છે દારૂની છૂટછાટ.
દારૂની છૂટ અપાયા બાદ વર્ષોથી પડી રહેલી ગિફ્ટ સિટીની પ્રોપર્ટી ફટોફટ વેચાવા લાગી હતી. રાતોરાત આ પ્રોપર્ટીનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે. ત્યારે આ જ રીતે હવે ગુજરાતના અન્ય એક સ્થળે છૂટ અપાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટી બાદ હવે વારો આવી શકે છે હીરાનગરી સુરત અને ખાસ કરીને તેના ડાયમંડ બુર્સનો. હજારો કરોડના ખર્ચે તૈયાર કરાયેલાં ડાયમંડ બુર્સમાં તમને આગામી સમયમાં જામથી જામ ટકરાતા જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છેકે, હીરા ઉદ્યોગનો વ્યાપ વધારવા માટે સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ તૈયાર કરવામાં આવી. જોકે, સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ ડાયમંડ બુર્સ બહારથી આવતા હીરા ઉદ્યોગકારો અને રોકાણકારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે. આ જોતાં હીરા ઉદ્યોગકારોએ હીરા ઉદ્યોગને પ્રોત્સાહન મળે, દેશવિદેશના હીરાના વેપારીઓને આકર્ષી શકાય તે હેતુથી રાજ્ય સરકાર ગિફ્ટસિટીની જેમ સુરત ડાયમંડ બુર્સમાં પણ દારૂ પીવાની છૂટ આપી શકે છે.
સુરતમાં બનાવાયેલાં ડાયમંડ બુર્સમાં દારૂની છૂટની વાતની હાલ માત્ર ચર્ચા ઉભી થઈ છે. જોકે, સુરતના ડાયમંડ બુર્સમાં દારૂની છૂટ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. હાલ માત્ર આ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે. ગિફ્ટ સિટીમાં ઉદ્યોગકારો-રોકાણકારોને આકર્ષવા માટે દારુબંધીની છૂટ અપાઈ હતી ત્યારે સુરત ડાયમંડ બુર્સના પદાધિકારીઓએ પણ ગુજરાત સરકાર પાસે ડાયમંડ બુર્સમાં દારૂ પીવાની છૂટ માંગી હતી.
જેને પગલે ગુજરાતમાં ગિફ્ટસિટી બાદ વધુ એક સ્થળે મળી શકે છે દારૂ પીવાની છૂટ... ગિફ્ટ સિટીની જેમ જ દારૂ પીવાની - છૂટને લઈને રાજ્ય સરકાર હીરા ઉદ્યોગકારોની દરખાસ્તને મંજૂરી આપે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છેકે, ૩૫.૫૪ એકરમાં ફેલાયેલું સુરત ડાયમંડ બુર્સ ગુજરાતનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ગત વર્ષે કરાયેલાં ઉદઘાટન બાદ પણ આ પ્રોજેક્ટને હીરા ઉદ્યોગકારો તરફથી ઝાઝો પ્રતિસાદ સાંપડયો નથી. કુલ ૪૫૦૦ ઓફિસો હોવા છતાંય ડાયમંડ બુર્સ વૈશ્વિક ડાયમંડ ટ્રેડિંગ હબ બનાવવાની ગુજરાતની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરી શક્યો નથી.
નજીકના દિવસોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પણ મળી શકે છે દારૂની છૂટ. ચર્ચા એવી પણ છેકે, અહીં પણ સરકાર તબક્કાવાર દારૂ પીવાની છૂટના નિયમો હળવા કરશે. જેથી ગુજરાતમાં છે સરકાર વિરૂધ્ધ હંગામો થાય નહી. ગિફ્ટસિટી બાદ સુરત ડાયમંડ બુર્સમાં દારૂ પીવાની છૂટ આપવા તૈયારીઓ થઇ રહી છે. ઘણાં ટાઈમથી એવી પણ ચર્ચા છેકે, પ્રવાસનના નામે સરકાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પણ દારૂ પીવાની છૂટ આપી આપી શકે છે. જોકે, હાલ આ બધી સંભાવનાઓ જ છે. ઓફિશિયલ હજુ સુધી આ પ્રકારનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં દેશવિદેશથી આવતા પ્રવાસીઓને આકર્ષવા આ છૂટછાટ જરૂરી હોવાનો તર્ક પણ આપવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓને આકર્ષવા અને પ્રવાસનને વેગ આપવા નિયમો હળવા કરી શકે છે સરકાર...જો ડાયમંડ બુર્સેની દરખાસ્તને મંજૂરી મળશે તો ગૃહ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો દારૂના વપરાશ અને વેચાણ મુદ્દે એક માર્ગદર્શિકા કરશે. ઉલ્લેખનીય છેકે, ગાંધીના ગુજરાતમાં ગિફ્ટ સિટી બાદ સુરત ડાયમંડ બુર્સમાં દારૂ પીરસવા માટે સરકારે તૈયારીઓ આદરી હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.