ગિફ્ટ સિટીમાં જામ નહિ છલકાવી શકાય! સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાયો

Fri, 16 Feb 2024-11:53 am,

ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટ્યાથી આખુ ગુજરાત હરખાયુ હતું. ગિફ્ટ સિટીમાં જઈને દારૂ પીશું એવા બધાના મનમાં ખ્વાબ જાગવા લાગ્યા હતા. પરંતું ગિફ્ટી સિટીમાં દારૂની છૂટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાના રાજ્ય સરકારના અતિ ચર્ચાસ્પદ નિર્ણયને પડકારતી રિટ પિટિશન હાઇકોર્ટ સમક્ષ દાખલ કરાઈ છે. રિટ પિટિશનમાં દારૂની છૂટછાટનો સરકારનો નિર્ણય પરત લેવા આદેશ કરવામાં આવે તેવુ કહેવાયું છે. સાથે જ જણાવાયું કે, જો દારૂબંધી દૂર કરી દેવામાં આવશે તો ગુજરાતમાં મહિલાઓ સામેના ગુના ઉપરાંત ડ્રીંક એન્ડ ડ્રાઇવ સંબંધિત ગુનામાં વધારો થઇ શકે છે. 

રાજ્ય સરકારે 22 ડિસેમ્બર 2023ના રોજ પરિપત્ર જાહેર કરીને ગિફ્ટ સિટીના કર્મચારીઓ અને ત્યાં આવતા આમંત્રિત મહેમાનો માટે દારૂની છૂટ જાહેર કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના સામાજિક કાર્યકર ઈરફાન જુસબભાઈ ભગાણીએ એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે આ રિટ દાખલ કરી છે. આ રિટમાં એવી દલીલ કરાઈ કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હટાવવાનો નિર્ણય ન કરી શકાય. ગિફ્ટ સિટી અને ગાંધીનગરમાં જમીનોના ભાવ ઉંચા લાવવા માટે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. 

સાથે અરજીમાં એવી રજૂઆત કરાઈ કે, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકોને કોઈપણ પ્રકારના નિયંત્રણ વિના દારૂ પીવાની છૂટ મળી છે. સમગ્ર રાજ્યમાં દારૂનું સેવન, વેચાણ અને પરિવહન પ્રતિબંધિત છે. ગિફ્ટ સિટીમાં દારૂના પ્રતિબંધમાં છૂટછાટ શ્રીમંતોને લાભ પહોંચાડવા અને રિઅલ એસ્ટેટના ભાવમાં વધારો કરવા માટે આપવામાં આવી છે. તો બીજી તરફ, ગિફ્ટ સિટી ક્લબના સભ્યો બનવાની માંગ વધી છે. અન્ય રાજ્યોમાં દારૂની છૂટછાટ છે ત્યાં ગુનાખોરી વધુ છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સા વધારે છે. આવામાં ગુજરાતમાં પણ આવી સ્થિતિ આવી શકે છે. 

તેમજ રજૂઆતમાં એમ પણ જણાવાયું કે, ગિફ્ટ સિટીમાં હોટલો અને અન્ય સ્થળોનું સંચાલન રાજકીય વગદારો દ્વારા કરવામાં આવતું હોવાથી તેમને લાભ થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત ચૂંટણી દરમિયાન પણ મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થાય છે. જો દારૂબંધીમાંથી મુક્તિ આપવામાં આવે તો આગામી ચૂંટણીઓ પણ પ્રભાવિત થઇ શકે છે. તેથી દારૂબંધીની છૂટછાટ આપતો પરિપત્ર રદ થવો જોઈએ.

તાજેતરમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ વિધાનસભામાં કહ્યુ હતું કે, રાજ્યમાં બે વર્ષમાં કરોડો રૂપિયાનો દારૂ પકડાયો છે. સરકારે  ગિફ્ટ સિટીમાં આઇલેન્ડ બનાવીને દારૂની છૂટ આપી છે. દારૂ અટકાવી ન શકતા હોય તો દારૂની નીતિમાં સુધારો કરવો જોઈએ. આજે ગૃહ ઉદ્યોગની જેમ ઠેર ઠેર દારૂ બને છે અને વેચાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link