ગુજરાતનું આ મંદિર ભક્તોએ ચઢાવેલા ફૂલોમાંથી કરશે કમાણી, Pics
મંદિરમાં શ્રદ્ધાના ભાગ સ્વરૂપે ચઢાવવામાં આવતા ફૂલોનો સદઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંદિરમાં આવતા ફૂલોને મશીનમાં પ્રોસેસ કરીને ખાતર બનાવાયા છે. બાદમાં તેમાં મિનરલ્સ અને વિટામિન, અને સુગંધને ઉમેરીને તે ફૂલોનું ખાતર બનાવવામાં આવશે અને તે ખાતર મંદિર પરિસરના ભેટ કેન્દ્ર પર નજીવી કિંમતે વેચાણ કરવામાં આવશે.
આ વિશે બેચરાજી મંદિરના ક્લાર્ક કિરીટભાઈ જાનીએ કહ્યું કે, જમીન ફળદ્રુપ બને તે માટે સરકાર દ્વારા હવે જૈવિક ખાતર જમીનમાં નાખવાની સલાહ આપવામાં આવે છે. તો બીજી તરફ, ખેડૂતો પણ હવે જૈવિક ખાતરના વપરાશ પર ભાર મૂકી રહ્યા છે. ત્યારે ફૂલોમાંથી બનાવેલું ખાતર ખેતર સુધી પહોંચશે. દરરોજ હજારો કિલો ફૂલો માતા બહુચરાજીના ચરણોમાં અર્પણ થાય છે, તો તે ફૂલોને હવેથી ફેંકી નહિ દેવાય. મંદિર ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજી ખાતર રૂપી સોનાને ખેડૂતના ખેતર સુધી પોંહચાડવામાં આવશે.
અગાઉ મંદિરમાં ચઢાવાતા ફૂલોને પાણીમાં વહાવી દેવામાં આવતા હતા. પરંતુ તેનાથી પાણીનું પ્રદૂષણ વધી જતું હતું. ત્યારે હવે ખાતરનો પ્રયોગ શરૂ કરીને પાણીનો બગાડ પણ અટકાવી શકાય છે.
હવે આ ખાતર ખેતરમાં પાકરૂપી સોનુ પેદા કરશે. ખાતર મંદિરના વેચાણ કેન્દ્ર પર નજીવા ભાવે ખરીદી શકાશે. જેનાથી મંદિરને નવી આવક ઉભી થઈ શકશે. આ મંદિરને ફેંકી દેવાના ફૂલોમાંથી પણ આવક મળી રહેશે.