Photos : માલિક વિના 24 કલાક ચાલે છે આ દુકાન, એક ટાંકણીની પણ ચોરી થતી નથી
મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલ ગુજરાતનાં સરહદી અને આદિવાસી બાહુલ્ય ધરાવતા એવા છોટાઉદેપુર જિલ્લાનું નાનકડુ ગામ એટલે કેવડી. ચારેય બાજુ ડુંગરો અને જંગલથી ઘેરાયેલ આ કેવડી ગામમાં દાંડી વ્હોરા સમાજના શાહિદ ભીખાપુરાવાલાની ‘ઇમાનદારીની દુકાન’ આવેલી છે. આ એક એવી દુકાન છે કે જે તાળાં-ચાવી અને હિસાબ-કિતાબ વગર ઉપરવાળાના ભરોસે ચાલે છે. ગામના ગ્રાહકોની પ્રામાણિકતા અને દુકાનદારનો ગ્રામજનો પરનાં વિશ્વાસને લઇ શાહિદભાઈ વ્હોરાની આ જનરલ કરિયાણાની દુકાન રાત-દિવસ ચોવીસે કલાક ખુલ્લી રહે છે. ખાવાપીવાથી લઇ અનાજ, કરિયાણા અને હાર્ડવેર સહિત તમામ ચીજવસ્તુઓ અહીં લોકોને મળી રહે છે.
મૂળ વડોદરા શહેરના શાહિદ ભીખાપુરવાલા છેલ્લા 28 વર્ષોથી કેવડી ગામમાં આ દુકાન ચલાવે છે. પરંતુ તેની વિશેષતા એ છે કે, દુકાનમાં કોઈ શટર નથી. માલિક શાહિદભાઇ હાજર હોય કે ન હોય, તો પણ દુકાન 24 કલાક ચાલુ રહે છે. અહીં પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા આવતાં ગ્રામજનો શાહિદભાઇની ગેરહાજરીમાં પણ સામાન લેવા જાય છે અને જોઇતી વસ્તુ લઇને તેની કિમત હોય તેટલા રૂપિયા ગલ્લામાં નાખી દે છે. ઝી 24 કલાકની ટીમે જ્યારે કેવડી ગામની મુલાકાત લીધી ત્યારે પણ આ દુકાન ચાલુ જ જોવા મળી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે વરસોથી આ જ રીતે શાહિદભાઈ વેપાર કરે છે. લોકો જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી કરે છે અને જાતે જ ગલ્લામાં રૂપિયા મૂકીને જતાં રહે છે. દુકાનની બાજુમાંજ ગામની પ્રાથમિક શાળા આવેલી છે. ગ્રામજનોની પ્રમાણિકતાનું સિંચન ગામની નવી પેઢીમાં પણ જોવા મળે છે. રિશેષનાં સમયે ખાણીપીણીની વસ્તુઓ લેવા આવતા વિદ્યાર્થીઓ પણ એટલી જ પ્રમાણિકતા રાખે છે, અને જાતે જ વસ્તુઓ લઇ ગલ્લામાં રૂપિયા મૂકી જાય છે.
દુકાનના માલિક શાહિદ ભાઈનું કહેવું છે કે, તેમની દુકાનમાં કોઈ નોકર નથી રાખ્યો. રાત્રે જ્યારે હું અંદર સૂતો હોઉં ત્યારે અડધી રાત્રે કોઈને જરૂર પડે તો તે વસ્તુ લઈ જાય છે અને જો કિંમત ખબર ના હોય તો બીજા દિવસે આવીને આપી જાય છે. જ રીતે જ્યારે હું એક-બે દિવસ કે સપ્તાહ માટે બહાર જાઉ ત્યારે પણ મારી દુકાન ખુલ્લી જ હોય છે. પરંતુ ક્યારેય મારા ગલ્લામાંથી ઓછા રૂપિયા નીકળ્યા નથી. ન તો મારી દુકાનમાં ક્યારેય ચોરી થઈ છે. મને પૂરો વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ ક્યારેય અહી ચોરીની ઘટના નહિ બને.