પાટીદારોનો પાવર! `જય ઉમિયા`ના નાદથી મહેસાણા ગુંજ્યું! 10 હજાર બહેનોની જ્વારા યાત્રા નીકળી
મંગળવારે મા ઉમિયા દિવ્યરથનું મહેસાણા ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું. જગત જનની મા ઉમિયાના રથનું વિશ્વઉમિયાધામના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલ, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે પ્રસ્થાન કરાયું હતું.
આ ઉપરાંત મહેસાણા જીલ્લાના દાતા ટ્રસ્ટીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, સંગઠનના હોદ્દેદારઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મા ઉમિયાના રથ પ્રસ્થાન સમયે 1000થી વધુ બહેનોએ જ્વારા યાત્રા કાઢી હતી. ઉમિયા માત કી જયના જય ઘોષ સાથે મહેસાણા શહેર ગુંજી ઉઠ્યું હતું.
રથ પરિભ્રમણ અંગે વાત કરતા સંસ્થા પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં જગત જનની મા ઉમિયાનો રથ 450થી વધુ ગામોમાં પરિભ્રમણ કરશે. 150થી વધુ દિવસ સુધી મહેસાણા જિલ્લામાં મા ઉમિયાના રથનું પરિભ્રમણ થશે.
મહત્વનું છે કે રથ પ્રસ્થાન વખતની ધર્મસભામાં 15 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો ઉમટ્યા હતા.