વડોદરાની મુલાકાતે પહોંચ્યા મુખ્યમંત્રી રૂપાણી, મૃતકોને રૂ.4 લાખની સહાયની જાહેરાત

Fri, 02 Aug 2019-9:51 pm,

વડોદરા ખાતે પૂરની સ્થિતિની સમીક્ષા કરવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, શહેરમાં રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પૂરમાં મૃત્યુ પામનારા લોકોના પરિજનોને રૂ.4 લાખની આર્થિક સહાય અપાશે. જે લોકોનો વેપાર થઈ શક્યો નથી, ધંધામાં નુકસાન થયું છે તેમને આવતીકાલથી કેસડોલ આપવામાં આવશે. ઘરવખરીના નુકસાનનો સર્વે કરીને પણ લોકોને આર્થિક સહાય ચૂકવાશે. વડોદરા માટે માઈક્રો પ્લાનિંગ કરાયું છે. 

રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શહેરમાં સફાઈની કામગીરી અને રોગચાળો ફાટી ન નીકળે તેની દેખરેખ રાખવા માટે આરોગ્ય વિભાગની 98 ટીમો આવતીકાલથી કામે લાગી જશે. આ ટીમો ડોર ટૂ ડોર ફરીને લોકોને આરોગ્ય વિષયક સેવાઓ આપશે. શહેરમાં હજુ 20 જેટલા વિસ્તારોમાં પાણી ભરાયેલાં છે. આ પાણી ખેંચવા માટે 100થી વધુ પંપ કાર્યરત કરાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, MGVCLના 58 ફીડર બંધ હતા, જેને કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યાં પણ ટ્રાન્સફોર્મર ખરાબ થયા છે, તેને રિપેર કરીને આવતીકાલ સુધીમાં લોકોને વીજળી મળતી થાય તેવી વ્યવસ્થા કરાઈ છે.   

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરાની રાહત કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું કે, શહેરમાં પૂરના પાણી સાથે તણાઈ આવેલા મગરોના રેસ્ક્યુ માટે વન વિભાગની 12 ટીમને વડોદરા મોકલવામાં આવી હતી. શહેરમાં 150 ઝાડને રસ્તા પરથી દૂર કર્યા છે અને હજુ 70 ઝાડ હટાવાના બાકી છે. આ સાથે જ તેમણે વડોદરાવાસીઓને અપીલ કરી છે કે, જેમના વાહન બંધ થયા છે અને રસ્તા પર પડેલા છે તેઓ પોતાના વાહન ઝડપથી રસ્તા પરથી ખસેડી લે, જેથી વાહન-વ્યવહાર પૂર્વવત થઈ શકે. શહેરમાં NDRFની 11 ટીમ રાહત-બચાવ કામગિરી માટે આવી હતી. હવામાન વિભાગે હજુ વધુ વરસાદની આગાહી કરી હોવાના કારણે NDRFની ટીમ શહેરમાં સ્ટેન્ડબાય રાખવામાં આવશે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, શહેરની અનેક શાળાઓ અને કોલેજોમાં પણ પૂરનાં પાણી ઘુસી ગયાં હતાં. આ કારણે શનિવારે શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શનિવારે શાળા-કોલેજોમાં સફાઈ અભિયાન હાથ ધરાશે. સોમવારથી શાળા-કોલેજો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજવા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ન હતા, કોઈએ ખોટી અફવા ફેલાવી હતી. આજવા ડેમ ઓવરફ્લો થતાં તેનું પાણી વિશ્વામિત્રી નદીમાં પહોંચ્યું હતું. આ સાથે જ તેમણે જણાવ્યું કે, લોકોને 3 દિવસ ચાલે તેટલી કેસડોલ આપવામાં આવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link