US Open: 8 વર્ષની ઉંમરમાં જ્યાં ડાન્સ કરી રહી હતી કોકો ગોફ, હવે તે બની યૂએસ ઓપન ચેમ્પિયન
કોકો ગોફે 19 વર્ષની ઉંમરે તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું છે. આ અમેરિકન સ્ટારે શનિવારે રમાયેલી યુએસ ઓપનની ફાઇનલમાં બેલારુસની આરીના સબાલેન્કાને હરાવી હતી. 2 કલાક અને 6 મિનિટ સુધી ચાલેલી મેચમાં ગૉફે 2-6, 6-3, 6-2થી જીત મેળવી હતી.
બેલારુસની આરીના સાબાલેન્કાએ પ્રથમ સેટ 6-2થી જીત્યો હતો પરંતુ કોકોએ જોરદાર વાપસી કરી હતી. કોકોએ આગામી બે સેટ 6-3, 6-2થી જીતીને ટાઈટલ જીતી લીધું હતું.
અગાઉ જુલાઈમાં કોકો ગોફ પ્રથમ રાઉન્ડમાં હારીને વિમ્બલ્ડનમાંથી બહાર થઈ ગઇ હતી. જોકે, તે વોશિંગ્ટન અને સિનસિનાટીમાં ટાઇટલ જીતીને બાઉન્સ બેક થઈ હતી અને ગયા વર્ષે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચી હતી. હવે કોકોએ તેની કારકિર્દીની સૌથી મોટી જીત હાંસલ કરી છે.
આ સાથે કોકો ગોફ 2017 પછી યુએસ ઓપન ટૂર્નામેન્ટ જીતનારી પ્રથમ અમેરિકન ખેલાડી બની ગઈ છે. આ સિદ્ધિ સોલન સ્ટીફને 2017માં કરી હતી. કોકોએ સેરેના અને વિનસ વિલિયમ્સને જોયા પછી આ રમત શરૂ કરી હતી.
કોકો ગૉફનો એક જૂનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે આર્થર એશે સ્ટેડિયમમાં ઉભા રહીને ડાન્સ કરી રહી છે. 11 વર્ષ પછી, કોકો એ જ ટુર્નામેન્ટ જીતી. કોકોએ જીત બાદ કહ્યું, વ્યક્તિએ સપના જોતા રહેવું જોઈએ.
ફ્લોરિડાના રહેવાસી કોકો ગફ 1999માં સેરેના વિલિયમ્સ બાદ આ અમેરિકન ટેનિસ ટૂર્નામેન્ટ જીતનારી પ્રથમ અમેરિકન ટીનેજર છે. 15 વર્ષની ઉંમરે, ગૉફ વિમ્બલડન ઇતિહાસમાં સૌથી નાની વયની ક્વોલિફાયર બની હતી અને 2019માં તેના ગ્રાન્ડ સ્લેમ ડેબ્યૂમાં ચોથા રાઉન્ડમાં પહોંચવામાં સફળ રહી હતી.
ટાઈટલ જીત્યા બાદ કોકો ગોફે પણ ટીકાકારો પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, `જેમણે મારા પર વિશ્વાસ ન કર્યો તેમનો આભાર. જેમ કે, જ્યારે મેં એક મહિના પહેલા ટાઇટલ જીત્યું હતું, ત્યારે લોકોએ કહ્યું હતું કે હું ત્યાં જ અટકાઇ જઇશ. બે અઠવાડિયા પહેલા મેં બીજું ટાઈટલ જીત્યું હતું અને લોકો કહેતા હતા કે આ ગૉફનું સૌથી મોટું ટાઈટલ હશે અને હવે 3 અઠવાડિયા પછી, હું અત્યારે આ ટ્રોફી સાથે અહીં છું'.