માઉન્ટ આબુનો ખુશનુમા નજારો જોઈ પ્રવાસી બોલ્યા, ‘આ તો કાશ્મીર જેવુ લાગે છે...’
તાપમાનમાં ઘટાડો થતા જ ગુજરાત સહિત રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી પડી રહી છે. આજે માઉન્ટ આબુમાં માઇનસ 3 ડીગ્રી જેટલું તાપમાન રહેતા લોકો ઠંડીથી બચવા તાપણા તેમજ ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યા છે, તો ઠંડીના કારણે માઉન્ટ આબુમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે. બીજી તરફ ઠંડીના કારણે સ્થાનિક લોકોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માઉન્ટ આબુમાં પડી રહેલી કાતિલ ઠંડીના કારણે ખુલ્લા મેદાનોમાં બરફ જામી ગયો છે, જેના કારણે મેદાનોમાં બરફની ચાદર પથરાયેલી છે. આમ, માઉન્ટ આબુનો નજારો કાશ્મીર જેવો લાગી રહ્યો છે.
બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુ ઠંડીમાં ઠુઠવાયું છે. ખાસ કરીને આબુના નખી લેકમાં હોડીઓ પર બરફની ચાદર પથરાઈ છે. જેના કારણે વહેલી સવારે ચાલુ થતી બોટિંગ ચાલુ થઈ નથી. જેથી પ્રવાસીઓ બોટિંગની મજા માણી શકતા નથી, તો બીજી બાજુ ઠંડીની પ્રવાસીઓ લુપ્ત ઉઠાવી રહ્યા છે. નખી લેકમાં હોડીઓ ઉપર બરફ જામ્યો છે.
છેલ્લાં ત્રણ દિવસથી માઉન્ટ આબુમાં અનેક જગ્યાએ બરફ જામી જતા ગુજરાતી પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુ ફરવા આવેલા ગુજરાતીઓ ઠંડીની મજા લઈને આનંદ માણી રહ્યાં છે, ત્યારે અમારી સાથે વાત કરતા એક પ્રવાસીએ જણાવ્યું કે, હાલ માઉન્ટ આબુ કાશ્મીર લાગી રહ્યું છે અને તેવો ઠંડીની ખૂબ મજા લઈ રહ્યા છે.