ડમી મેયર, ડમી કમિશનર સાથે સામાન્ય સભા યોજાઈ, ને કોઈને જાણ સુદ્ધા ન થઈ....
આજે amc ની માસિક સામાન્ય સભા મેયરની અધ્યક્ષતામાં ઓનલાઈન મળી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા અનોખી રીતે સભામાં હાજરી અપાઈ હતી. કોંગ્રેસનું amc પ્રાંગણમાં સમાંતર સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં બહેરામપુર મહિલા કોર્પોરેટરને ડમી મેયર બનાવાયા હતા. તો દરિયાપુર કોર્પોરેટરને ડેપ્યુટી મેયર બનાવાયા હતા. કમિશનર તરીકે જમાલપુર કોર્પોરેટર હતા. ઓનલાઈન પદ્ધતિથી પ્રજાના પ્રશ્નોની ચર્ચા જ થતી ન હોવાની રજૂઆત સભામાં કરાઈ હતી. તો સભામાં ઓરિજિનલ સભાની જેમ ફાઈલો પણ ઉછાળવામાં આવી. જેના બાદ બોર્ડ બરખાસ્તની જાહેરાત પણ કરાઈ હતી.
કોંગ્રેસ દ્વારા સમગ્ર આયોજનમાં પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોટો પોલીસ કાફલો પહોંચ્યો હતો. કોંગ્રેસ દ્વારા ઓનલાઈન પદ્ધતિથી પ્રજાના પ્રશ્નોની ચર્ચા જ થતી ન હોવાની રજૂઆત આ કાર્યક્રમ થકી કરવામાં આવી હતી. મેયરને મર્યાદિત સંખ્યામાં સભ્યો બોલાવવા રજૂઆત બાદ પણ મેયરની મંજૂરી મળતી નથી.
Amc શાસકો દ્વારા હજીપણ દાણાપીઠ ખાતે આવતા નથી. આજની સામાન્ય સભા પણ ઉષ્માનપુરા ખાતેથી સંચાલિત થઈ હતી. મેયરના સહિતના શાસકો અને કમિશનર હજીપણ મુખ્ય ઓફિસ નથી આવી રહ્યા. નિમણૂંક બાદથી કમિશનર મુકેશ કુમાર દાણાપીઠ નથી આવ્યા. Amc મુખ્યમથકનું સરનામું ઉસમાનપુરા અને રિવરફ્રન્ટ હાઉસ કરાયાની amc વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.