ફાઈવસ્ટાર રિસોર્ટ કરતા પણ આલિશાન છે આ સ્મશાન ગૃહ, લોકો અહી પિકનિક કરવા આવે છે, તસવીરો જોઈને છક થઈ જશો
આ દ્રશ્યો કોઈ પાર્ટી પ્લોટ કે રિસોર્ટના નથી, પરંતુ બનાસકાંઠાના વેપારી મથક ડીસાના મુક્તિધામના છે. ડીસામાં બનાસ નદી નજીક 14 વીઘા જેટલી જમીનમા રૂ.7 કરોડના ખર્ચે આકાર પામી રહેલુ મુક્તિધામ એ ફક્ત મુક્તિધામ જ નહીં, પરંતુ ડીસા સહીત આસપાસના વિસ્તારના લોકો માટે પિકનિક પોઇન્ટ, કે પ્રિ વેડિંગ શૂટિંગ પોઇન્ટ સાબિત થઇ રહ્યું છૅ. તેનું કારણ છૅ મુક્તિધામમા કરાયેલી આધુનિક સુવિધાઓ. સામાન્ય રીતે મુક્તિધામ એટલે હિન્દુ ધર્મમાં મનુષ્યના મૃત્યુ પછી અંતિમક્રિયા કરવાનું સ્થળ, કે જ્યાં લોકો માત્ર કોઈ મૃત પામેલા વ્યક્તિની અંતિમક્રિયા માટે જ આવતા હોય. જો કે તે સિવાય મુક્તિધામ સૂમસામ ભાસતું હોય અને તેને જ કારણે સૂમસામ સમયે તો મુક્તિધામ તરફ જતા પણ કેટલાય લોકોના પગ પાછા પડે. પરંતુ ડીસાનું આ મુક્તિધામ લોકો માટે ભયમુક્ત મુક્તિધામ બની ગયું છે.
મુક્તિધામના સંચાલક પ્રકાશભાઈ ભરતીયા કહે છે કે, અમારા મુક્તિધામમાં અનેક આધુનિક સુવિધાઓ અપાઈ છૅ. સંચાલકો દ્વારા આ મુક્તિધામની એન્ટ્રીને જ કોઈ રિસૉર્ટ કે પાર્ટી પ્લોટની એન્ટ્રી હોય તેવી તૈયાર કરવામાં આવી છે. તો સાથે સાથે આ મુક્તિધામમાં અંતિમક્રિયા માટે આધુનિક ડિઝાઇનવાળો સિમેન્ટ ડુમ તૈયાર કરી અંતિમ સંસ્કાર ધામ તો તૈયાર કરાયો જ છે. પરંતુ સાથે સાથે મૃત બાળકોની દફનક્રિયા માટે અલગ જગ્યા ફાળવાઈ છે.
તો સાથે સાથે કોઇની અંતિમ યાત્રામાં આવતા લોકો પણ સ્મશાનમાં આવી શાંતિ અનુભવી વધુમાં વધુ સમય પોતાના મૃત સ્વજન માટે આ મુક્તિધામમાં રહીને જ ફાળવી શકે તે હેતુસર આ મુક્તિધામમાં પ્રાર્થના ખંડ, સિનિયર સિટીઝન માટે લાયબ્રેરી હોલ, વિશાળ બાગ બગીચો, સ્મૃતિ પરિસર, તો અંતિમક્રિયા માટે આવેલા લોકોને સ્નાન કરવા કે શૌચક્રિયા માટે કોઈ અગવડતા ન પડે તેને લઇ પુરુષ અને મહિલા માટે અત્યઆધુનિક સુવિધાઓથી સજ્જ સ્નાનગૃહ પણ તૈયાર કરાયા છે.
મુક્તિધામને બે ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં એક ભાગ માત્ર અંતિમક્રિયાઓ માટે છે, તો બીજો ભાગ કે જેમાં લોકો પિકનિક માટે આવી શકે હરવા ફરવા આવી શકે. તેને જ કારણે આ મુક્તિધામની સુંદરતાને જોઇ કેટલાક લોકો તો અહીં પ્રિવેડિંગ શૂટ માટે પણ આવી રહ્યાં છે.
મહત્ત્વની વાત છે કે 7 કરોડના ખર્ચે આકાર પામી રહેલા આ અનોખા મુક્તિધામમાં અત્યાર સુધી 5 કરોડના ખર્ચે માત્ર 80 ટકા જેટલું કામ જ પૂર્ણ થયું છે. આ 80 ટકા કામ પૂર્ણ થતાં જ આ મુક્તિધામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો સંપૂર્ણ રીતે આ મુક્તિધામ તૈયાર થઈ ગયા બાદ લોકો માટે હરવા ફરવાનું સ્થાન બની જશે.
આ વિશાળ જગ્યામાં વિશાળ ખર્ચે તૈયાર થયેલા મુક્તિધામને જોઈ તમને કદાચ આ મુક્તિધામ અંતિમ ક્રિયા માટે કે હરવા ફરવા માટે ખર્ચાળ હશે તેવું લાગ્યું હશે. પરંતુ આ મુક્તિધામની ખાસિયત એ છૅ કે મુક્તિધામ કરોડોના ખર્ચે અને વિશાળ જગ્યામા બન્યું હોવા છતાં આ મુક્તિધામમાં અંતિમક્રિયા માટે આવતા કોઇપણ વ્યક્તિ ગરીબ હોય કે અમીર તેમને કોઇ મોટો ખર્ચો કાસ્ટ કે અન્ય કોઈ વસ્તુનો ઉઠાવવો નથી પડતો. માત્ર રૂ.1 ના ટોકનમાં જ કોઇ પણ વ્યક્તિની અહીં અંતિમક્રિયા થઈ રહી છે.
સામાન્ય રીતે કોઈ વ્યક્તિની અંતિમ ક્રિયા માટે કાસ્ટનો ખર્ચ જ 3000-4000 થઇ જતો હોય છૅ. પરંતુ આ મુક્તિધામને એવા દાતા મળ્યા છે, જે 80 વર્ષ માટે કાસ્ટ નિશુલ્ક આપશે. ત્યારે ગરીબ વ્યક્તિ પણ પોતાના સ્વજનની આસાનીથી અંતિમ ક્રિયા કરાવી શકે છૅ. સંચાલકોની આ સેવા અને મુક્તિધામની આધુનિકતાને કારણે માત્ર ડીસા જ નહિ, પરંતુ સમગ્ર બનાસકાંઠાના લોકોમા આ મુક્તિધામ પ્રેરણારૂપ બન્યું છે.