સૌરાષ્ટ્રના શેર ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટ જગતમાં પૂરા કર્યા 10 વર્ષ, પિતાની આંગળી પકડી શીખ્યા હતા ક્રિકેટ
25 જાન્યુઆરી 1988ના રોજ ચેતેશ્વર પૂજારાનો જન્મ રાજકોટમાં થયો હતો. રાજકોટમાં જન્મેલા ચેતેશ્વર પૂજારાના માતાનું નાની ઉંમરે અવસાન થયું હતું અને ત્યાર બાદ તેમની દરેક સંભાળ તેમના પિતા અરવિંદભાઇ પૂજારાએ કરી હતી. તેમના પિતા અરવિંદભાઈ પુજારા પણ પોતે સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના ખેલાડી હતા અને તેઓને પણ ક્રિકેટ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. ચેતેશ્વર પૂજારાનું હુલામણું નામ છે ચીંટુ અને ચીંટુને નાનપણથી ક્રિકેટ પ્રત્યે લગાવ હતો અને તે માટે તેમના પિતાએ તેમને પૂરતો સાથ અને સહયોગ આપ્યો હતો. વર્ષ 2005 માં ચેતેશ્વર પૂજારા ડોમેસ્ટિક ક્રિકેટ એટલે રણજી ટીમમાં સૌરાષ્ટ્ર ટીમમાં પસંદગી પામ્યા હતા અને તેમાં સારા પરફોર્મન્સના કારણે 5 વર્ષની મહેનત બાદ વર્ષ 2010 માં તેઓનું ભારતીય ઇન્ટરનેશનલ ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
9 ઓક્ટોબર 2010 ના રોજ તેઓ ભારતીય ટીમમાં પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમ્યા હતા અને ત્યારથી પોતાની ભારતીય ટીમ સાથે નવા કરિયરની શરૂઆત કરી હતી. આજે ભારતીય ટીમ સાથે 10 વર્ષ પૂર્ણ થતા. તેમણે આ મેમરી પોતાના ફેન્સ સાથે શેર કરી હતી અને બધાનો આભાર માન્યો હતો. આ યાદ કરીને તેઓએ જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટર તરીકે 10 વર્ષ પૂરા કર્યા તે ખરેખર આશીર્વાદ સમાન છે. મારા પિતાની નજર હેઠળ મહેનત કરી એમના આશીર્વાદથી આજે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મેં કદી વિચાર્યું પણ ન હતું કે હું આ પ્લેટફોર્મ સુધી પહોંચી પરિવારનું શહેરનું અને દેશનું નામ રોશન કરીશ.
ચેતેશ્વર પૂજારા અત્યાર સુધી કુલ 77 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. જેમની અંદર તેઓએ 48.66 ના રનરેટ થી કુલ 5840 રન બનાવ્યા છે. પૂજારાએ પોતાના ટેસ્ટ કરિયર દરમિયાન વર્ષ 2012માં ઇંગ્લેન્ડ સામે હાઈએસ્ટ અણનમ રહી 206 રન બનાવ્યા છે. આ સાથે અત્યાર સુધી કુલ તેઓ 18 સેન્ચ્યુરી અને 25 હાફ સેન્ચુરી લગાવી ચૂક્યા છે.
ખાસ વાત તો એ પણ છે કે, આજે ભારતીય ટીમ સાથે 10 વર્ષ પૂર્ણ કર્યા અને આજે જ તેમના જીવનસાથી પત્ની પૂજાનો જન્મદિવસ પણ છે. એટલા માટે આજનો આ દિવસ પૂજારા પરિવાર માટે ખૂબ જ યાદગાર દિવસ છે.