ગુજરાતની નંબર-1 યુનિવર્સિટીની ઘોર બેદરકારી, વાપર્યા વગર જ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બની ગયું કચરાપેટી
રાજ્યની સૌથી જૂની, સૌથી મોટી અને નંબર 1 કહેવાતી યુનિવર્સીટીની વાસ્તવિકતા વરવી છે. ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં કરોડોના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જંગલી વનસ્પતિઓ અને કચરો ફેંકવાનું સ્થાન બન્યું છે. કોરોના કાળ સમયે બનીને લગભગ તૈયાર થઈ ચૂકેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની હાલત ભૂતિયા કોમ્પ્લેક્ષ જેવી થઈ ગઈ છે. કરોડોના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાંથી ભ્રષ્ટાચારના પોપડા ઉખડવા લાગ્યા છે.
ગુજરાત યુનિવર્સીટીના અલગ અલગ ભવાનોમાં ચાલતા કામકાજમાં નીકળતો કચરો ફેંકવાની જગ્યા હવે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બની ગયું છે. થોડા સમય પહેલા બાળકો જ્યાં બાસ્કેટબોલ રમતા તેની આસપાસ જંગલી વનસ્પતિઓનો ઘેરો બન્યો છે. બાસ્કેટબોલ કોર્ટની પાસે ઊંચા ટાવર પર લાઈટ લગાવવા સહિત લાખોનો ખર્ચ વરસાદમાં ધોવાયો છે.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની અંદરની તરફ 7 આધુનિક ટેનિસ કોર્ટ બનીને તૈયાર છે, પરંતુ વિદ્યાર્થીઓ અથવા ખેલાડીઓ માટે કોઈ જ કામના નથી. મુખ્ય ટેનિસ કોર્ટમાં 2 હજાર જેટલી દર્શકોની બેઠક વ્યવસ્થા તેમજ ખેલાડીઓના રોકાણ સહિતની સુવિધા છે, પરંતુ સ્થિતિ શર્મનાક બની છે. મુખ્ય ટેનિસ કોર્ટમાં જ જંગલી વનસ્પતિઓ ઊગી નીકળી, તમામ ખુરશીઓ પર માત્ર ધૂળ અને પક્ષીઓની ચરક ઠેરઠેર જોવા મળી રહ્યાં છે.
ટેનિસ કોર્ટમાં પલાસ્ટર તૂટી ચુક્યા છે, યુવાનોને ટેનિસ કોર્ટનો લાભ મળ્યો નથી એ પહેલાં જ રીનોવેશન ખર્ચ દેખાઈ રહ્યો છે. આ મુખ્ય ટેનિસ કોર્ટની બહારની તરફ છ જેટલા પ્રેક્ટીસ કોર્ટ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં લાઈટના થાંભલા પણ નમી ચૂક્યા છે.
કોરોનાકાળ સમયે તૈયાર થઈ ચૂકેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના લાભથી ગુજરાત યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ સહિત ખેલાડીઓ વંચિત છે. ગુજરાત યુનિવર્સીટીની આ નિષ્ફળતા ખાનગી સંસ્થાઓને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આપવા માટે પ્રેરણા પુરી પાડે છે. ત્યારે આગામી સમયમાં ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં કરોડોના ખર્ચે બનેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સુવિધાઓ ખાનગી એજન્સીને સુપરત કરી દેવાય તો નવાઈ નહીં.