શક્તિશાળી દાના વાવાઝોડું ત્રાટક્યું : અંબાલાલ પટેલે ગુજરાત માટે આપી આ ચેતવણી
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પર નજર કરીએ તો, 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના તટે દાના વાવાઝોડું ત્રાટક્યું છે. હાલ ઓડિશાથી લઈને બંગાળ સુધી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. બંને રાજ્યમાં NDRFની ટીમ તૈનાત છે. ઓરિસ્સાના દરિયા કાંઠે 120ની ઝડપે દાના વાવાઝોડું ટકરાયું છે. સાવચેતીના ભાગરૂપે જગન્નાથ મંદિર અને કોર્ણાક મંદિર બંધ કરાયા છે. હાલ દાના વાવાઝોડાની અસરને પગલે 3 રાજ્યોના દરિયા કાંઠાના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે.
દાવાના વાવાઝોડાએ ઓરિસ્સામાં તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. ભદ્રક જિલ્લામાં હાલ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. તો બાંસડા વિસ્તારમાં વરસાદ છે. શુક્રવારે સવારથી જ તેજ પવનની અસરથી અનેક વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડ્યા છે. જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. ભારતીય હવામાન વિભાગના (IMD) ના અનુસાર, ઓરિસ્સામાં હાલ 100-110 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 120 કિમી પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાઈ રહ્યો છે. દાના વાવાઝોડાની અસરને પગલે એરપોર્ટ પર તમામ ફ્લાઈટ રદ કરાઈ છે.
હાલ રાહતના સમાચાર એ છે કે, ગુજરાતમાં આ વાવાઝોડાની અત્યાર સુધી કોઈ અસર જોવા મળી નથી. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે પણ અપડેટ આપતા જણાવ્યું કે, આગામી સાત દિવસ ગુજરાતમાં વાતવરણ સુકું રહેશે. દિવાળી નજીક છતાં ઠંડીની શરૂઆત ધીમી થઈ છે. અમદાવાદનું તાપમાન 36.4 ડિગ્રી રહ્યું છે. જે સામાન્ય તાપમાન કરતાં 1.4 ડિગ્રી વધુ નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું છે. હાલ ઉત્તર- પૂર્વના દિશા તરફ થી પવન ફુંકાઈ રહ્યા છે. બાંગાળની ખાડીમાં આવેલા સાયકલોનની અસર ગુજરાતમાં નહિવત છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળ ઉપસાગરમાં દાના વાવાઝોડું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. બંગાળ ઉપસાગરમાં આજે દાના વાવાઝોડું ટકરાશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ થઈ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી તેની અસર જોવા મળશે. વાવાઝોડાને લઈને 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. આહવા, વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના ભાગોમાં દાના વાવાઝોડાની અસર જોવા મળશે. તો સાથે જ ગુજરાતના સરહદી ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે.
ગુજરાત પર વધુ એક સંકટની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હાલ ગુજરાતમાં ગરમી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, સાંજ સવારે રાજ્યમાં ઠંડીની અસર રહેશે. પરંતું કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી 38 ડિગ્રી ગરમી પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં 35 થી 36 ડિગ્રી સુધી ગરમીનો તપમાન રહેવાની શક્યતાઓ છે. દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે. અંબાલાલે અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે, એક પછી એક બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે. હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતાઓ છે. છેલ્લા વાવાઝોડાની ગંભીર અસર દેખાવાના કારણે અનેક રાજ્યો સહિત ગુજરાતમાં તેની અસર રહેશે.