Pics : ડાંગનો ફેમસ ગીરાધોધ જીવંત થતા જ તંત્ર દોડતુ થયું, પ્રવાસીઓની કરી એક વિનંતી
કુદરતી સૌદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં વરસાદથી શરૂઆત થતા જ ગુજરાતભરમાંથી પ્રવાસીઓ ડાંગ જિલ્લામાં હરવા ફરવા માટે આવતા હોય છે. ત્યારે ડાંગ જિલ્લામાં સતત બે દિવસ સતત વરસેલા વરસાદથી ડાંગ જિલ્લાના સૌદર્યમાં વધારો થયો છે. અને ડાંગ જિલ્લો લીલોછમ બન્યો છે.
ડાંગમાં વરસાદ શરૂ થતાની સાથે જ અનેક નાનામાટો ધોધ તેમજ ઝરણા સક્રિય થતા હોય છે. જેનાથી પ્રવાસીઓને અહીયા ફરવાની મજા આવતી હોય છે.
ડાંગના પ્રવેશદ્વાર કહેવાતા વઘઈ ખાતે પ્રખ્યાત ગીરા ધોધ આવેલો છે. જે આકરા તાપને કારણે ગરમીની સીઝનમાં બંધ થઈ ગયો હતો. જે ગીરાધોધ બે દિવસમાં વરસેલા વરસાદથી જીવંત થતા પ્રવાસીઓ તેને નિહાળવા ઉમટી રહ્યા છે.
ભરૂચના પ્રવાસી સચીન જોશી અને વાંસદાના પ્રવાસી દિવ્યેશ પટેલે જણાવ્યું કે, અમે આ ધોધ જીવંત થાય એટલે સૌથી પહેલા તેને જોવા પહોંચી જઈએ છીએ.
ડાંગ જિલ્લામાં આવેલ સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરીમથક છે. ત્યારે ચોમાસાની સીઝનમાં અહીયા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. જે પ્રવાસીઓ ગીરાધોધની અચૂક મુલાકાત લેતા હોય છે. ગીરાધોધ સક્રિય થતાની સાથે જ તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યુ છે. ગીરાધોધની નજીક કોઈપણ પ્રવાસી ન જાય તે માટે દોરડા બાંધી દેવામાં આવ્યા છે.
આજકાલ સેલ્ફી લેવાના ચક્કરમાં લોકોનો જીવ જતો હોય છે, તેથી ગીરા ધોદ પાસે એક સાઈન બોર્ડ મૂકી લોકોને સેલ્ફી ન લેવા તેમજ ધોધની નજીક ન જવા માટે પણ માહિતગાર કરવામાં આવ્યા છે.
ગીરાધોધનું આહલાદક દ્રશ્ય આંખે વળગે તેવુ છે. હાલ ધોધમાર વરસાદ બાદ ધોધમાંથી ધોધમાર પાણી વહી રહ્યું છે, જે જોતા આંખોનો ટાઢક વળે તેવો નજારો દેખાય છે.
ડાંગ ગુજરાતનું પ્રખ્યાત પ્રવાસન સ્થળ હોવાથી અહીં બારેમાસ પ્રવાસીઓ આવતા રહે છે. પણ આ હિલ સ્ટેશનની સુંદરતા ચોમાસામાં કંઈક અલગ જ ભાસે છે. જેનો નજારો માણવા માટે અહીં સૌથી વધુ ધસારો ચોમાસાની સીઝનમાં જોવા મળતો હોય છે.