દહેગામ દુર્ઘટનામાં ચૌહાણ પરિવારે બે વ્હાલસોયા દીકરા ગુમાવ્યા, પિતા પર આભ તૂટી પડ્યું

Sat, 14 Sep 2024-10:10 am,

ગાંધીનગરના દહેગામમાં ગણેશ વિસર્જન સમયે 8 યુવાનોના ડૂબવાથી મોત નિપજ્યા. મેશ્વો નદીમાં ડૂબેલા 8 લોકોની આજે અંતિમયાત્રા નીકળશે. ત્યારે આખા સોગઠી ગામમાં ગમગીની છવાઈ છે. મૃતકો તમામ 30 વર્ષની નીચેના યુવાનો છે. ત્યારે વ્હાલસોયા દીકરાઓના મોતથી પરિવારોમાં હચમચાદી દે તેવું હૈયાફાટ રુદન જોવા મળ્યુ. 

દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં ગણેશવિસર્જન સમયે ડૂબી જવાથી 8 લોકોનાં મોત નીપજ્યા છે. 8 વ્યક્તિનાં મોત થયા હોવાની કરૂણાંતિકા સર્જાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની જાણ થતાં મૃતક યુવાનોના પરિવારોમાં આક્રંદ છવાઇ ગયો છે. વાસણા સોગઠી ગામ નજીક મેશ્વો નદીમાં ગણેશવિસર્જન વખતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. ત્યારે નદીમાં ઉતરેલા 9 વ્યક્તિઓ ઉંડા પાણીમાં ડૂબવા લાગતા કિનારે ઉભેલા લોકોએ ભારે બુમરાણ મચાવી મુકી હતી. બનાવની જાણ થતાં દહેગામ ફાયરબ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આઠ વ્યક્તિની લાશ બહાર કાઢવામાં આવી હતી. જ્યારે 1 ડૂબતા યુવાનને બચાવી લેવાયો હતો. પાંચ મૃતદેહને દહેગામના સરકારી દવાખાના ખાતે અને ત્રણ મૃતદેહને રખિયાલ ખાતેના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાયા હતા.   

સોગઠી ગામે ડૂબી જવાથી બે સગા ભાઈઓના કરુણ મોત નિપજ્યા છે. જેને કારણે પિતા દલપતસિંહ ચૌહાણના પરિવાર પર આ ફાટ્યું છે. તેમને આ દુર્ઘટનામાં તેમના બંને પુત્રો ગુમાવ્યા છે. ધર્મેન્દ્રસિંહ અને પૃથ્વીસિંહ બંને સગા ભાઈઓ ગઈકાલે ‘નદીએ જઈને આવું છું...’ કહીને નીકળ્યા હતા, પરંતું હવે ક્યારેય પાછા નહીં આવે. હાલ તેમના ઘર પાસે બંનેના મૃતદેહ અને નનામી તૈયાર કરવામાં આવી રહી છે. અંતિમ સંસ્કારની તૈયારીઓ થઈ રહી છે અને પિતા દલપતસિંહનું હૈયાફાટ રુદન કોઈપણ કાઠા હૃદયના વ્યક્તિને હચમચાવી નાંખે તેવું છે. તેમણે પૃથ્વી અને ધર્મેન્દ્રસિંહ બંને દીકરાઓને એકસાથે ગુમાવ્યા. 

ગણેશ વિસર્જન વખતે નદીમાં યુવાનો ડૂબી ગયા હોવાની વાત ફેલાતાની સાથે ગ્રામજનોના ટોળા નદી કિનારે ઉમટી પડ્યા હતાં. બનાવની જાણ થતા કલેક્ટર પણ દહેગામ સરકારી દવાખાને પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર ગણપતિ વિસર્જન કરવા ગામના કેટલાક યુવાનો નદી પર ગયા હતા. જેમાં એક છોકરો ડૂબતાં એક પછી એક સાત લોકો એને બચાવવા પડ્યા હતા. પરંતુ ડૂબી રહેલા છોકરાને બચાવી શક્યા ન હતાં અને આઠેયના મોત થયા હોવાની ઘટના બનતા ગામમાં શોક વ્યાપી ગયો છે અને અનેક પરિવારોમાં આક્રંદ છવાઇ ગયો છે.

દહેગામના વાસણા સોગઠી ગામે એકસાથે 8 યુવકોના મોત નિપજતા સમગ્ર ગામમાં આજે સવારથી ગમગીનીનો માહોલ છવાયો છે. ગામમાં મૃત્યુ પામનારમાં કાકા અને ભત્રીજાના ડૂબી જતા એક સાથે મૃત્યુ થયા છે. આ ઘરની સ્થિતિ જોઈ હૃદય કંપાવી નાખે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મૃતક રાજકુમાર ચૌહાણ કાકા છે, જ્યારે ચિરાગ તેમનો ભત્રીજો છે. બંનેના ગઈકાલની ઘટનામાં મૃત્યુ થયા છે. ચિરાગને માત્ર છ મહિનાની એક બાળકી અને પાંચ વર્ષનો છોકરો છે. આ ઘટનાથી ઘર નહીં પણ સમગ્ર ફળિયું હૈયાફાટ રૂદન કરી રહ્યું છે.   

આ દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતી ટ્વિટ કરી કે, ગુજરાતના દહેગામ તાલુકામાં ડૂબી જવાની ઘટનામાં થયેલ જાનહાનિના સમાચારથી અત્યંત દુઃખ થયું. આ દુર્ઘટનામાં જેમણે પોતાનાં સ્વજનોને ગુમાવ્યા છે એ સૌ પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અર્પણ કરે એ જ પ્રાર્થના….ૐ શાંતિ….॥  

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરતા લખ્યુ કે, દહેગામ તાલુકામાં વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં આઠ યુવકોના ડૂબી જવાથી થયેલ મૃત્યુની દુર્ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. પાટણમાં પણ ગણેશ વિસર્જન દરમિયાન આવી જ અન્ય એક દુઃખદ દુર્ઘટનામાં ચાર લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. આકસ્મિક મૃત્યુની આવી દુર્ઘટનાઓ પરિવાર માટે તો અત્યંત દુઃખદ બની રહેતી હોય છે. પીડાની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના પરિજનોની સાથે છે. ઈશ્વર મૃતકોના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. 

વિજયજી હાલુસિંહ સોલંકી (30 વર્ષ), ચિરાગ પ્રકાશસિંહ ચૌહાણ (19 વર્ષ), ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ ચૌહાણ (18 વર્ષ), પૃથ્વી દલપતસિંહ ચૌહાણ (20 વર્ષ), મુન્નાભાઈ દિલિપસિંહ ચૌહાણ (23 વર્ષ), રાજકુમાર બચુસિંહ ચૌહાણ (28 વર્ષ), યુવરાજસિંહ પ્રવીણસિંહ ચૌહાણ (17 વર્ષ), સિદ્ધરાજ ભલસિંહ ચૌહાણ (17 વર્ષ)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link