Dilip Kumar નું નિધનઃ દિલીપ કુમારે આ રીતે જણાવી હતી દિલની વાત, જાણો તેમના જીવનની અજાણી વાતો
દેવિકા રાનીએ યુસૂફ ખાનને સૂચન કર્યું તે જો તે પોતાનું ફિલ્મી નામ બદલે તો તે પોતાની નવી ફિલ્મ જ્વાર-ભાટામાં અભિનેતા તરીકે કામ આપી શકે છે. દેવિકા રાનીએ યુસૂફ ખાનને વાસુદેવ, જહાંગીર અને દિલીપ કુમારમાંથી એક નામ પસંદ કરવા કહ્યુ. વર્ષ 1944માં જ્વાર-ભાટાથી અભિનેતા તરીકે દિલીપ કુમારે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. ફિલ્મ જ્વાર-ભાટાની નિષ્ફળતા પછી દિલીપ કુમારે પ્રતિમા જુગનુ, અનોખા પ્યાર, નૌકા ડૂબી જેવી કેટલીક બી ગ્રેડ અને સી ગ્રેડની ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું. પરંતુ આ ફિલ્મોથી તેમને કંઈ ખાસ ફાયદો થયો નહીં. ચાર વર્ષ સુધી માયાનગરી મુંબઈમાં સંઘર્ષ કર્યા પછી 1948માં ફિલ્મ મેલાની સફળતા પછી દિલીપ કુમાર અભિનેતા તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ થયા.
દિલીપ કુમારે વિવિધતાપૂર્ણ અભિનય કરીને અનેક પાત્રોને જીવંત કર્યા છે. આ જ કારણ છે કે આદમી ફિલ્માં દિલીપ કુમારના અભિનયને જોઈને હાસ્ય કલાકાર ઓમ પ્રકાશે કહ્યું હતું કે વિશ્વાસ નથી થતો કે ફન આટલી બુલંદીઓ સુધી લઈ જઈ શકે છે. વિદેશી દર્શક તેમના અભિનયને જોઈને કહેતા કે હિંદુસ્તાનમાં બે વસ્તુ જોવાલાયક છે- એક તાજમહલ અને બીજા દિલીપકુમાર.
દિલીપ કુમારની ફિલ્મી કારકિર્દીમાં તેમની જોડી અભિનેત્રી મધુબાલાની સાથે ઘણી પસંદ કરવામાં આવી. ફિલ્મ તરાનાના નિર્માણ દરમિયાન મધુબાલા દિલીપ કુમારને પ્રેમ કરવા લાગી. તેમણે પોતાના ડ્રેસ ડિઝાઈનરને ગુલાબનું ફૂલ અને એક પત્ર આપીને દિલીપ કુમારની પાસે આ સંદેશની સાથે મોકલ્યો કે જો તે તેમને પ્રેમ કરે છે તો તેને પોતાની પાસે રાખી લે અને દિલીપ કુમારે ફૂલ અને પત્રનો સહર્ષ સ્વીકાર કરી લીધો.
વર્ષ 1957માં બી.આર.ચોપરાની ફિલ્મ નયા દૌરમાં પહેલા દિલીપ કુમારની સાથે અભિનેત્રીની ભૂમિકા માટે મધુબાલાની પસંદગી કરવામાં આવી અને મુંબઈમાં જ આ ફિલ્મનું શૂટિંગ કરવાનું હતું. પરંતુ પછીથી ફિલ્મના નિર્માતાને લાગ્યું કે તેનું શૂટિંગ ભોપાલમાં કરવું જરૂરી છે. મધુબાલાના પિતા અતાઉલ્લાહ ખાનને પુત્રીને મુંબઈની બહાર જવાની પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો. તેમને લાગ્યું કે મુંબઈની બહાર જવાથી મધુબાલા અને દિલીપ કુમારની વચ્ચે પ્રેમ વધશે અને તે તેના માટે રાજી ન હતા. જેના કારણે બી.આર.ચોપરાને મધુબાલાની જગ્યાએ વૈજયંતી માલાને લેવી પડી. અતાઉલ્લાહ ખાન આ મામલાને કોર્ટમાં લઈ ગયા અને તેના પછી તેમણે મધુબાલાને દિલીપ કુમારની સાથે કામ કરવાનો ઈનકાર કરી દીધો અને ત્યાંથી દિલીપ કુમાર મધુબાલાની જોડી અલગ થઈ ગઈ.
વર્ષ 1960માં દિલીપ કુમારની ફિલ્મી કારકિર્દીમાં વધુ એક મહત્વની ફિલ્મ મુગલે આઝમ રિલીઝ થઈ. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર કે.આસિફના નિર્દેશનમાં સલીમ-અનારકલીની પ્રેમકથા પર બનેલી આ ફિલ્મમાં દિલીપ કુમારે શાહજાદા સલીમની ભૂમિકાને રૂપેરી પરદા પર જીવંત કરી દીધી. વર્ષ 1961માં ગંગા જમુના દ્વારા દિલીપ કુમારે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. ફિલ્મની સફળતા પછી દિલીપ કુમારે તેના પછી ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો પરંતુ ઈન્કમટેક્સવાળાના ખરાબ વર્તનના કારણે તેમણે ફરી ક્યારેય ફિલ્મનું નિર્માણ કર્યું નહીં. ફિલ્મ ગંગા જમુનામાં દિલીપ કુમારે હિંદી અને ભોજપુરીનું મિશ્રણ કર્યું અને તેમનો આ પ્રયોગ ઘણો સફળ રહ્યો. આ ફિલ્મમાં દિલીપ કુમારની સાથે તેમના ભાઈ નાસિર ખાને પણ અભિનય કર્યો હતો.
વર્ષ 1966માં દિલીપ કુમારે ફિલ્મ અભિનેત્રી સાયરા બાનોની સાથે નિકાહ કર્યા. વર્ષ 1967માં આવેલી ફિલ્મ રામ અને શ્યામ દિલીપ કુમારની ફિલ્મ કારકિર્દીની વધુ એક સુપરહિટ ફિલ્મ સબિત થઈ. બે જોડિયા ભાઈઓની કહાની પર આધારિત આ ફિલ્મમાં ડબ્બુ અને નિડરના રૂપમાં બેવડી ભૂમિકા દિલીપકુમારે એ અંદાજમાં ભજવી કે દર્શકોએ તેમના અભિનયના વખાણ કર્યા. તેના પછી ફિલ્મકારોએ અનેક ડબલ રોલવાળી ફિલ્મોનું નિર્માણ કર્યું.
સાયરા બાનો માત્ર 12 વર્ષના હતા ત્યારે તે દિલીપ કુમારને પોતાનું દિલ દઈ બેઠા હતા. તેમણે દિલીપ કુમારને ઈમ્પ્રેસ કરવા માટે ઉર્દૂ અને પર્શિયન ભાષા પણ શીખી હતી. લાંબા સમય પછી બંનેએ 1966માં એકબીજા સાથે લગ્ન કરી લીધા. તે સમયે સાયરા માત્ર 22 વર્ષના હતા. જ્યારે દિલીપ કુમારની ઉંમર 44 વર્ષ હતી. આજે પણ આ જોડી સદાબહાર લાગે છે.
વર્ષ 1976માં આવેલી ફિલ્મ બૈરાગની નિષ્ફળતા પછી દિલીપ કુમારે લગભગ પાંચ વર્ષ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી અંતર કરી લીધું. જોકે 1980માં ફિલ્મ નિર્માતા અને ડાયરેક્ટર મનોજ કુમારના કહેવા પર દિલીપ કુમારે ફિલ્મ ક્રાંતિમાં ચરિત્ર અભિનેતા તરીકે ફિલ્મી કારકિર્દીની બીજી ઈનિંગ્સ શરૂ કરી. ફિલ્મમાં દમદાર અભિનયથી દિલીપ કુમારે ફરી એકવાર દર્શકોનું મન મોહી લીધું અને ફિલ્મને સુપરહિટ બનાવી દીધી.
વર્ષ 1982માં આવેલી ફિલ્મ શક્તિને હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ક્લાસિક ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્મમાં દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચને પહેલી વાર એકસાથે કામ કરીને દર્શકોને રોમાંચિત કરી દીધા. અમિતાભ બચ્ચનની સામે કોઈપણ કલાકારને સહજતાથી કામ કરવામાં મુશ્કેલી થઈ શકે તેમ હતી. પરંતુ ફિલ્મ શક્તિમાં દિલીપ કુમારની સાથે કામ કરવામાં અમિતાભ બચ્ચનને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ ફિલ્મના એક દ્રશ્યને યાદ કરતાં અમિતાભ બચ્ચન જણાવે છે કે ફિલ્મના ક્લાઈમેક્સમાં જ્યારે દિલીપ કુમાર તેમનો પીછો કરે છે. ત્યારે તેમણે પાછળ વળીને જોવાનુ હોય છે. જ્યારે તે આવું કરે છે ત્યારે તે દિલીપ કુમારની આંખોમાં જોઈ શકતા નથી અને આ સીનના અનેક રિટેક થાય છે.
હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે સૌથી વધારે ફિલ્મ ફેર એવોર્ડ મેળવવાનો રેકોર્ડ દિલીપ કુમારના નામે છે. દિલીપ કુમારને પોતાની ફિલ્મી કારકિર્દીમાં આઠ વખત ફિલ્મ ફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા. ફિલ્મ જગતમાં દિલીપ કુમારના મહત્વપૂર્ણ યોગદાનને જોતાં વર્ષ 1994માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સર્વોચ્ય સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા. તો પાકિસ્તાન સરકારે તેમને પોતાના સર્વોચ્ય સન્માન નિશાન-એ-ઈમ્તિયાઝથી સન્માનિત કર્યા.
વર્ષ 1980માં દિલીપ કુમારને મુંબઈમાં શેરિફના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દિલીપ કુમાર તે ગણ્યા ગાંઠ્યા અભિનેતાઓમાંથી એક છે જે ફિલ્મોની સંખ્યાથી વધારે તેમની ગુણવત્તામાં વિશ્વાસ રાખે છે. આથી તેમણે પોતાની 6 દાયકાની લાંબી કારકિર્દીમાં લગભગ 60 ફિલ્મોમાં અભિનય કર્યો. દિલીપ કુમાર હાલ બોલિવુડમાં સક્રિય નથી. પરંતુ તે પોતાની કામ થકી હજુ પણ પોતાની હાજરીનો અહેસાસ કરાવી રહ્યા છે.