મહીસાગર નદીને 350 મીટર લાંબી ચુંદડી ચઢાવાઈ, નાવડીઓથી ચુંદડીને સામા કાંઠે લઈ જતા અદભૂત દ્રશ્ય જોવા મળ્યું
આણંદના વ્હેરાખાડી ગામ પાસે આવેલા હનુમાનકુંજ પરમાર્થ આશ્રમ આવેલું છે. આ આશ્રમના પુજય મહામંડલેશ્વર ગંગેશ્વરાનંદજી મહારાજનાં સાંનિધ્યમાં પરંપરા અનુસાર મહિસાગર માતાજીનાં 28માં ચુંદડી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે 350 મીટર લાંબી ચુંદડીની શોભાયાત્રા ગામમાં ફરી વાજતે ગાજતે મહિસાગર નદીનાં કિનારે લાવવામાં આવી હતી. નદી કાંઠે મહીસાગર માતાની પુજા અર્ચના કર્યા બાદ નદીને 350 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી.
જુદી જુદી નાવડીઓની મદદથી ચુંદડીને મહીસાગર નદીમાં ચઢાવતા સમયનું આ દ્રશ્ય અદભૂત બની રહ્યુ હતું. ચુંદડી વિવિધ નાવડીઓથી એક કિનારેથી સામા કિનારે લઈ જવામાં આવી હતી ત્યારે દિવ્ય દ્રષ્ય સર્જાયું હતું.