મા લક્ષ્મીની આવી પૂજા તમે ક્યારેય નહિ જોઈ હોય, મહાલક્ષ્મી મંદિરમાં કરાયો ચલણી નોટ-સિક્કાનો શણગાર
હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું અનેરુ મહત્વ રહેલુ છે. દિવાળીના દિવસે મહાલક્ષ્મીજીની પૂજા અર્ચના કરવાનું અનેરુ મહત્વ રહેલું છે, ત્યારે પોરબંદરના એકમાત્ર એમજી રોડ પર આવેલ 192 વર્ષ જુના મહાલક્ષ્મીજીના મંદિરે દિવાળીના પર્વે દર વર્ષની જેમ આ વખતે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતુ. દિવાળીના પાવન પર્વ પર મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી વિવિધ ભારતીય ચલણી નોટોના શોભા દર્શનનું આયોજન કરવામાં આવે છે.
મંદિર દ્વારા ચલણી નોટોના શોભા દર્શનમાં આ વર્ષે 31 લાખની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 1 રૂપિયાથી લઈને 2 હજાર સુધીની નોટો તેમજ ભારતીય ચલણમાં સમાવેશ કરાયો છે. શણગારમાં સિક્કાઓનો પણ ઉપયોગ કરાયો છે.
મહાલ્ક્ષમીજીના દર્શનાર્થ આવતી તમામ દર્શનાર્થી બહેનોને દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ પ્રસાદી રૂપે કમળ તેમજ કંકુ આપવામાં આવ્યું હતું. અંદાજે 11 મણ કંકુના પાઉચ સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જે દર્શનાર્થીઓને પ્રસાદરુપે આપવામાં આવી રહ્યા છે તેવું મહાલક્ષ્મી મંદિરના ટ્રસ્ટી દિનેશ ત્રિવેદીએ જણાવ્યું.
મહાલક્ષ્મીજીના મંદિરે દર દિવાળીના દિવસે ખારવા જ્ઞાતિના 51 દપંતિઓ સવારના ગણેશજી અને મહાલક્ષ્મીજીની પૂજા અર્ચના કરીને શહેરીજનોની સુખાકારી માટે પ્રાથના કરે છે. તો દર વર્ષે લાખો રુપિયાની ચલણી નોટોના શણગારથી સજ્જ મહાલક્ષ્મીજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરતા હોય છે.
અહીં દર્શનાર્થે આવતા ભાવિકો કહે છે કે, આટલા પૌરણિક આ મંદિરમાં દિવાળીના દિવસે દર્શન કરીને અમે ધન્ય થઈએ છીએ. અહીં જે રીતે ચલણી નોટોના અનેરા દર્શનનું આયોજન કરવામાં આવે છે તે પણ ખુબ જ સરસ આયોજન હોય છે. તેથી દર વર્ષે અમે ચોક્કસ માતાજીના દર્શન માટે અહીં આવીએ છીએ અને અહી માતાજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ થાય છે.
પોરબંદરના આ મહાલક્ષ્મી માતાજીના મંદિરે આજે મોડી રાત્રિ સુધી મોટી સંખ્યા ભાવિક ભક્તો ચલણી નોટોના શોભા દર્શનનો લ્હાવો લેશે. દિવાળીના તહેવારમાં પોરબંદરવાસીઓને મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે અનોખા ચલણી નોટોના અદભુત શોભા દર્શન કરાવવામાં આવી રહ્યા છે તે ભાવિકો પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા આ સુંદર આયોજન અને મહેનતને બિરદાવતા જોવા મળ્યા હતા