ગુજરાતના એકમાત્ર એવા ડોક્ટર જેણે મળ્યો બેસ્ટ રિસર્ચર 2023નો એવોર્ડ
તાજેતરમાં તમિલનાડુના કોઇમ્બતુરમાં ઇન્ડિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલ એન્ડ એન્ડોસર્જનની નેશનલ કોંફરન્સ યોજાઈ હતી. આ કોંફરન્સમાં ડો વિપુલ યાજ્ઞિકને વર્ષ 2022-23 માટે બેસ્ટ રિસર્ચર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં દેશભરમાંથી માત્ર 5 ડોક્ટરોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર ડોક્ટર વિપુલ યાજ્ઞિકની પસંદગી થવા પામી છે. તેમને પ્રમાણપત્ર અને રૂ. 1 લાખ રોકડ પુરસ્કાર મળ્યો છે.
એસોસિએશન સાથે અંદાજે 10,000 જેટલા ડોક્ટર જોડાયેલા છે. ડો વિપુલ યાજ્ઞિકે વર્ષ 2022-23માં 24 જેટલા પેપર પ્રકાશિત કર્યા છે. જેમાં આંતરરાષ્ટ્રીય જનરલ 18, રાષ્ટ્રીય જનરલમાં 4 અને આંતરરાષ્ટ્રીય પુસ્તકોમાં બે ચેપ્ટર લખ્યા છે.
તેમની અત્યાર સુધીની કારકિર્દીમાં 175 થી વધુ આર્ટીકલ લખ્યા છે. જેમાં મુખ્ય સંશોધનમાં આંતરડાનો ટી.બી, બે કાણા એપેન્ડિક્સનું ઓપરેશન તથા ભગંદરના રોગો સામેલ છે. ડો યાજ્ઞિક દ્વારા અમુક કેસો જે ભારત અને દુનિયામાં ભાગ્યે જોવા મળતા હોય તેવા કેસો આ રિસર્ચમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ડો વિપુલ યાજ્ઞિક ત્રણ આંતરરાષ્ટ્રીય જર્નલમાં એડિટર તરીકે સેવા આપે છે અને તેઓ પોતે વર્લ્ડ એસોસિએશન ફોર મેડિકલ એડિટરના સભ્ય પણ છે. સાથે સાથે તાજેતરમાં અમેરિકન કોલેજ ઓફ સર્જનનું સભ્યપદ પણ મળેલું છે. આમ પાટણના ડો વિપુલ યાજ્ઞિકે પાટણની સાથે સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.