ગુજરાતમાં અહીં પનોતી ઉતારવા લોકો ચંપલ મૂકીને જાય છે, દર્શન કરવાથી ક્યારેય નથી નડતી શનિની પનોતી

Thu, 06 Jun 2024-12:00 pm,

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નજીકનું હાથલા ગામને શનિદેવનું પ્રાગટય સ્થળ માનવામાં આવે છે. જે રીતે શનિદેવનું જન્મસ્થાન શિંગણાપુર માનવામાં આવે છે. તે જ રીતે ગુજરાતના આ ગામમાં શનિદેવ પ્રગટ્યા હતા. 

આજે શનિ જયંતી હોય આ ઐતિહાસિક સ્થળે વહેલી સવારથી જ શનિભક્તો ઉમટી પડ્યા છે. શનિદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી છે.

મંદિરના પૂજારી ચિરાગપુરી બાપુએ જણાવ્યું કે, અહીં શનિદેવની સાથો સાથ નવ ગ્રહ તેમજ પનોતી દેવીની પણ પ્રતિમા આવેલી છે. એક માન્યતા મુજબ લોકો પોતાની પનોતી ઉતારવા અહીં પોતાના પહેરેલા ચંપલ મૂકી જતા હોય છે. પનોતી ઉતારવાના ચંપલ મૂકવા માટે અહી ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. 

અહીં આવેલ પવિત્ર કુંડના પાણીથી સ્નાન કરી શ્રદ્ધાળુ ઓ શની દેવની કૃપા પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે.   

હાથલાના શનિદેવ મંદિર 1500 વર્ષથી પણ જુનુ હોવાનુ કહેવાય છે. અહીં આવેલા ભક્તો શનિદેવતાની કૃપા પ્રાપ્ત કરવા શનિદેવને તેલ, અડદ, કાળું કપડું, લોખંડ ધરી પૂજા અર્ચના કરતા હોય છે. 

આજે શનિ જયંતી હોય અંદાજે 1 લાખ થી વધુ ભક્તો અહીં દિવસભર દર્શન કરવા આવી પહોંચશે. વહેલી સવારે ત્રણ વાગ્યાથી જ લાંબી કતારો લાગી હતી. ભક્તો માટે અહીં પ્રસાદ રૂપી ભોજનની પણ વ્યવસ્થા કરવામા આવે છે.  

મોટા મોટા પ્રધાનોથી લઈને સામાન્ય માણસનો સાગર સમાન પ્રવાહ શનિ જયંતીના દિવસે આ ગામે પહોંચે છે. અહીંયા ભગવાન શનિદેવના મંદિર પટાંગણમાં જ શનિકુંડ આવેલો છે. 

ફક્ત ગુજરાતના જ નહીં, પરંતુ ભારતભરમાંથી આવેલા દર્શનાર્થીઓ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા પધારતા હોય છે. ત્યારે દૂર-દૂરથી આવતા ભક્તો અહીં આવીને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરી રહ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link