ચાર ચોપડી ભણેલી ખેડૂત મહિલાએ એવા ગણપતિ બનાવ્યા, જે વિસર્જન બાદ ખાતર બની જાય છે

Sat, 04 Sep 2021-3:19 pm,

ભાવનાબેન ત્રાંબડીયા નામના પ્રગતિશીલ મહિલા ખેડૂતની કોયલી ગામે ગૌશાળા આવેલી છે. તેમની પાસે 40 જેટલી ગીર ગાયો છે. ગૌશાળામાંથી નીકળતાં છાણ અને ગૌમુત્રનો પણ તેઓ પૂરેપુરો ઉપયોગ કરે છે. પોતાના ખેતરમાં જ તેઓ જીવામૃત અને ઘન જીવામૃત બનાવે છે. પોતાના ખેતરમાં તો તેનો ઉપયોગ કરે જ છે, સાથે જે ખાતર વધે છે તેનું વેચાણ પણ કરે છે. આ જ ગોબરના ઉપયોગથી હવે તેઓ ગણપતિની મૂર્તિઓ પણ બનાવી રહ્યા છે. 

ગાયનું જે ગોબર નીકળે છે તેને સૌ પ્રથમ સુકવીને તેને ચાળીને તેનો પાવડર બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને લોટની જેમ બાંધીને ગણપતિની ડિઝાઈનના મોલ્ડમાં નાખવામાં આવે છે. બાદમાં તેને સૂકવવામાં આવે છે અને સુકાઈ ગયા બાદ એક સુંદર મજાની ગણપતિની મૂર્તિ તૈયાર થાય છે. આ ગણપતિ સંપૂર્ણપણે ઈકોફ્રેન્ડલી છે. ગણેશોત્સવ દરમિયાન લોકો પોતાના ઘરમાં કે ઓફીસમાં ગણપતિની સ્થાપના કરતાં હોય છે અને અંતિમ દિવસે તેનું વિસર્જન કરતાં હોય છે. આ ગણપતિની મૂર્તિની ખાસિયત એ છે કે તેની સાઈઝ એક ફુટની છે, વજન હળવું છે અને તેનું ઘરમાં જ વિસર્જન કરી શકાય છે. ઘરમાં કોઈ પાણીના પાત્રમાં તેનું વિધિવત વિસર્જન કર્યા બાદ તેને ફુલ છોડના ક્યારામાં અથવા તો તુલસી ક્યારે પધરાવી દેવામાં આવે તો કોઈ નુકશાન થતું નથી. કારણ કે તે ગાયના ગોબરમાંથી બનાવેલા હોવાથી વિસર્જન બાદ ખાતર તરીકેનું કામ આપે છે અને ફુલ છોડ કે પર્યાવરણને કોઈ નુકશાન થતું નથી.

ભાવનાબેન બપોરના સમયે પોતાના ખેતર અને ઘરકામ પતાવીને ગોબરના ગણપતિ બનાવે છે. જો કે આ તેમનો પ્રથમ પ્રયાસ હોઈ તેમણે 100 ગણપતિ જ બનાવ્યા છે અને તે ટપોટપ વેચાઈ પણ ગયા છે. નાની મોટી સાઈઝના ગોબરના ગણપતિ 300 થી 500 રૂપિયા પ્રતિ મૂર્તિના ભાવે વેચે છે અને જૂનાગઢના બજારમાં પણ ગોબર ગણપતિની માંગ વધી છે. ભાવનાબેન ત્રાંબડીયા પશુપાલન અને ઓર્ગેનિક ખેતીથી લાખો રૂપીયાની કમાણી તો કરી લે છે અને હવે પોતાના પ્રથમ પ્રયત્નથી ગોબર ગણપતિ બનાવે છે, અગાઉ તેમણે રક્ષાબંધનના પર્વ પર ગોબરની રાખડીઓ બનાવી હતી અને તેમાં પણ તેમને સફળતા મળી હતી અને હવે તેમને ગોબરના ગણપતિમાં પણ સફળતા મળી છે. એક પ્રગતિશીલ મહિલા ખેડૂત તરીકે તેમનો આ પ્રયાસ ગાય આધારિત ઓર્ગેનિક ખેતી તરફ વળવા લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link