એક વિવાહ ઐસા ભી...દિવ્યાંગ યુવક-યુવતીના વિવાહ માટે નિમિત્ત બન્યું રાંદેર પોલીસ, મામેરાનો ધર્મ નિભાવ્યો
પાલનપુર પાટિયા ખાતે રહેતી 19 વર્ષીય યુવતી સુમન વિસાવેદ અને પાંડેસરા ખાતે રહેતા 22 વર્ષીય ચિરાગ પટેલની પહેલી મુલાકાત મુકબધિર શાળામાં થઈ હતી. પહેલી મુલાકાત બાદ આ બન્ને પ્રેમી પંખીડાઓ એકમેકના પ્રેમમાં પડ્યા હતા અને આજીવન સાથે રહેવાનો કોલ કર્યો હતો.
જો કે, પરિવારજનોની મરજી સાથે લગ્નગ્રંથિથી જોડાવવા માટે તૈયાર આ બન્ને યુગલની આર્થિક સ્થિતિ ન હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી લગ્નના અરમાનો પુરા થઈ રહ્યા ન હતા. આ દરમ્યાન સુમન દ્વારા સમગ્ર પ્રકરણ અંગે પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં એક વિશેષ શાખા સી ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યાં યુવતી સુમન દ્વારા સમગ્ર હકીકત જણાવતાં મહિલા પોલીસ મમતાબેન દ્વારા રાંદેર પીઆઈ અતુલ સોનારાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
એક તરફ ચુંટણીની દોડાદોડી અને બીજી તરફ આ યુગલના અરમાનો પુરા કરવા માટે રાંદેર પોલીસ પણ કોઈ કચાસ બાકી રાખવા માંગતી ન હતી. અલબત્ત, ચુંટણી પુરી થતાં જ વાજતે - ગાજતે આ બન્ને યુગલને પ્રભુતામાં પગલાં પાડવા માટે રાંદેર પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.
જેના ભાગરૂપે આજે તાપી નદીના કાંઠે આવેલા ભવાનીશંકર મહાદેવ મંદિરમાં બન્ને પરિવારના 150 જેટલા મહેમાનોની હાજરીમાં ધામધૂમથી લગ્નવિધિ સમ્પન્ન કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરાવવામાં આવેલા આ વિવાહ પ્રસંગમાં હાજર તમામે તમામ મહેમાનો પણ આ દ્રશ્ય જોઈને ભાવવિભારો બન્યા હતા
મુકબધિર યુવક - યુવતીના લગ્નગ્રંથીથી જોડાવવાના સપનાને પુરા કરવા માટે પીઆઈ સોનારા દ્વારા હરસંભવ સહાયનો ભરોસો આપવામાં આવ્યો હતો. જો કે, આ દરમ્યાન જ ચુંટણીની દોડાદોડીને પગલે રાંદેર પીઆઈ અતુલ સોનારા દ્વારા લગ્ન પ્રસંગમાં કોઈ કચાસ ન રહે તે માટે ચુંટણી પત્યા બાદ લગ્ન સમારોહના આયોજનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આજરોજ આ અનોખા લગ્ન સમારોહમાં ડીસીપી ઝોન -5ના અધિકારી હર્ષદ મહેતા પણ સ્વયં ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપત્તિને આશીર્વાદ પાઠવ્યા હતા.