ગુજરાતના બે શહેરમાં ટપોટપ બીમાર પડી રહ્યા છે લોકો, એપ્રિલમાં હજી હાલત બગડશે
સુરત સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. ગરમીના કારણે વાયરલ સહિતના કેસોમાં વધારો નોંધાયો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આજે એક સાથે ઓપીડીની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ઓપીડીને પહોંચી વળવા વ્યવસ્થા ઉભી કરાશે. સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા લોકોને તડકામાં ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે.
સુરત સિવિલ હોસ્પિટલ માંથી મળતી માહિતી પ્રમાણે માર્ચ મહિનામાં 74,000 થી વધુ ઓપેડીના કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ મેડિસિન વિભાગના 15 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થવાના કારણે રોગચાળામાં વધારો નોંધાયો છે. જેમાં સૌથી વધુ લોકોને વાયરલ ફેવરની સાથે ગેસ્ટ્રોટાઈટીસ (પેટમાં દુખાવો, નાક ગળામાં દુખાવો અને ઉલટી થવી)ના કેસમાં વધારો થયો છે.
સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાનમાં વધારો થઈ શકે છે. બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ, વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, ખુલ્લા પગે ન ચાલવું જોઈએ જેવા રાખવાથી ગરમીની અસર ઓછી થાય છે.
અમદાવાદ શહેરમાં પણ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં માર્ચ માસમાં સેંકડો કેસ નોંધાયા છે. જેમાં ઝાડાઊલટી, ટાઇફોઇડ, કમળો અને કોલેરાના સેંકડો કેસ નોંધાયા છે. 31 માર્ચ સુધી ઝાડાઉલટીના 775, કમળાના 112, ટાઈફોઈડના 259 અને કોલેરાના 8 કેસ નોંધાયા છે. AMC ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું કે, અમદાવાદના ઈન્દ્રપુરી, લાંભા, રામોલ, નવા વાડજ અને અમરાઈવાડીમાં નોંધાયા કોલેરાના કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળા માટે દુષિત પાણી જવાબદાર છે. વિવિધ ઠેકાણે ભંગાણ અને પાણી-ડ્રેનેજ લાઈન મિક્સ થવાથી દુષિત પાણીની સમસ્યા છે, જેને કારણે બીમારીઓ વધી છે. તો બીજી તરફ મચ્છરજન્ય રોગચાળામાં નહિવત કેસ છે.
અમદાવાદમાં જાન્યુઆરીથી માર્ચ સુધી શહેરમાં 11039 પાણીના સેમ્પલ લેવાયા, જેમાંથી 196 સેમ્પલ અનફિટ આવ્યા છે. ગરમીને લઈને પણ amc દ્વારા તમામ તૈયારી કરાઈ છે. હિટ એક્શન પ્લાન અંતર્ગત તમામ uhc અને chc માં દર્દીઓ માટે પૂરતી તૈયારી કરી લેવાઈ છે. પાછલા સપ્તાહમાં amc ચોપડે સીઝનલ ફ્લૂના 60 કેસ નોંધાયા છે.
રાજ્યમાં ગરમીની સાથે સાથે રોગચાળાનું પણ ટોર્ચર વધ્યું છે. ઉનાળાની શરૂઆત થતાં ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યમાં ઝાડા-ઉલટીનો કેસ તો હતા જ પરંતુ આ રોગચાળા વચ્ચે સ્વાઈન ફ્લૂએ એન્ટ્રી કરતાં આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જીહા, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના કેસ વધતા હોવાનો સ્વીકાર ખુદ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ડ રાકેશ જોશીએ કર્યો છે.
રાજ્યની હોસ્પિટલો ઝાડા ઉલટી અને તાવના કારણે દર્દીઓથી ઉભરાઈ રહી છે. તેવામાં સ્વાઈન ફ્લૂના કેસ પણ વધી રહ્યા છે. આ બધાની વચ્ચે કોરોનાના પણ હજુ ગયો નથી, કેમ કે હજુપણ કોરોનાના 40 આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તો 3 દર્દીઓ ઓક્સિજન પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. હાલ ગરમી વધી રહી છે અને તેની સાથે સ્વાઈન ફ્લૂના પણ કેસ વધી રહ્યા છે. ત્યારે આવા સમયમાં સ્વાઈન ફ્લૂના લક્ષણ જણાતા તુરંત સાવચેતીના પગલાં લેવા જ હિતાવહ છે.