રાજ્યમાં ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાની ઉત્સાહપૂર્વક ઉજવણી, ગુરુ વંદનાથી ગુજરાત ધન્ય
મોરારી બાપુએ જણાવ્યું કે ગુરુપૂર્ણિમાના દિવસો પર તલગાજરડા આવશો નહીં કારણ કે વર્ષોથી અહીં કોઈ ઉત્સવ નથી.આપ જ્યાં પણ હો આપના ગુરુને સ્મૃતિમાં રાખજો.દરેક ગુરુપૂર્ણિમાની પહેલા હું આ કહેતો આવ્યો છું. પોતપોતાના ઘરમાં રહી ગુરુની સ્મૃતિમાં રહેજો.તલગાજરડામાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઘણા વર્ષોથી બંધ છે. બાપુએ કથાને વિરામ આપતા પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી અને જણાવ્યું કે હું કોશિશ કરીશ કે એક વર્ષ પછી ફરી અમેરિકા આવી શકું.આ કથાનું જે કંઈ ફળ છે એ ભૂતકાળના,વર્તમાનનાં અને ભવિષ્યના આચાર્યોને સમર્પિત કરીને કથાને વિરામ આપ્યો.
સુરેન્દ્રનગર ખાતે ભવ્ય ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વિશ્વ સુપ્રસિદ્ધ સુરેન્દ્રનગરના દૂધરેજ વડવાળા દેવના સાનિધ્યમાં ભક્તોની ભીડ જામી. સંતવાણી આશિષ વચન મહાપ્રશાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વભરમાંથી સમસ્ત રબારી અને માલધારી સમાજ દૂધરેજ મંદિરે ગુરુપૂર્ણિમાની ઉજવણી અને આશીર્વાદ માટે પહોંચ્યા. સમગ્ર ગુજરાતમાંથી રાજકીય અગ્રણીઓ પણ ગુરુપૂર્ણિમાના દિવસે દૂધરેજધામ પહોંચી આશીર્વાદ મેળવ્યા.
પોરબંદરના સાન્દીપની વિદ્યાનિકેતન ખાતે રાષ્ટ્રીય સંત અને ભાગવતાચાર્ય એવા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણીમાની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી...સાન્દીપનીના ઓડીટોરીયમ હોલ ખાતે આયોજીત ગુરુપૂર્ણિમાં મહોત્સવ કાર્યક્રમમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભાવીકો હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરુઆતમાં ભાગવદ ગીતાના પાઠનુ ગાન કર્યા બાદ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના ચરણોનુ તેમજ પાદુકાનુ શિષ્યો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતું..ત્યારબાદ ભાઈશ્રી દ્વારા ગુરુમહીમાં આધારીત પ્રવચન યોજાયુ હતુ.
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે નારાયણધામ તાજપુરા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટયું. પૂજ્ય નારાયણ બાપુના પાદુકા દર્શન કરી આશીર્વાદ મેળવવાની છે પરંપરા છે. તાજપુરામાં અંદાજીત 1 લાખ કરતા વધુ ભક્તોનું ઘોડાપુર. દર વર્ષે ગુરુપૂર્ણિમાના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો નારાયણધામના દર્શન કરે છે. હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પણ પૂજ્ય નારાયણ બાપુની પાદુકા અને મૂર્તિના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. આ પ્રસંગે નારાયણધામ અને આઈ હોસ્પિટલ દ્વારા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારનું કરાયું સન્નમાન. કોરોના કાળમાં ઑક્સિજન પ્લાન્ટ સહિતની આઈ હોસ્પિટલની નિયમિત સેવાઓમાં ધારાસભ્ય ધ્વારા અપાયેલ સહકારને લઈ કરાયું સન્નમાન.
અષાઢ સુદ પૂર્ણિમા ને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. ખેડા જિલ્લા માં આજના દિવસે વિશ્વ્ ના સુપ્રસિદ્ધ નડીઆદના સંતરામ મંદિર માં સમગ્ર ગુજરાત ઉપરાંત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચી ગયા હતા. સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પણ ભક્તો સંતરામ મહારાજના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે સંતરામ મહારાજની સમાધિ સ્થાને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે તો બીજી તરફ ગત વર્ષે પહેરેલી કંઠી અહીં આગળ તુલસી કેરા પર ઉતારી નવી કંઠી ધારણ કરતા હોય છે.આજના દિવસે પોતાના પૂજ્ય દેવ ના આશીર્વાદ મેળવી ભક્તો ધન્ય બન્યા હતા. હિન્દૂ સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમા નું ખાસ મહત્વ છે. આજના દિવસે પોતાના ગુરુ શ્રી ના આશીર્વાદ મેળવવા માટે નડિયાદમાં ભક્તો ની ભીડ જામી હતી. હૈયે હૈયું દબાય તેટલી ભીડ જામી હતી. વહેલી સવારથી જ નડિયાદ ના માર્ગો પર ભક્તો ઉમટી પડ્યા હતા. કેટલાય કિલોમીટર સુધી આ પર્વ ને અનુલક્ષી ને રોડ પર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા.
જુનાગઢ ઉપલા દાતાર અને ગીરનાર તીર્થ ક્ષેત્રમા આજે ગુરુ પુર્ણિમાના પવિત્ર દિવસે ગુરુ પુજન તેમજ ગુરુ સમાધી સ્થળે પૂજન અર્ચન સાથે ગુરુ પુર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી. જેમા ઉપલા દાતાર ખાતે ઢોલ નગારા સાથે બ્રહ્મલીન મહંત પટેલ બાપુ અને વિઠ્ઠલબાપૂ ની સમાધી સ્થળે પુજન અર્ચન કરવામાં આવ્યુ હતુ. ત્યારે ઉપલા દાતાર ખાતે બહોળી સંખ્યામાં દાતાર ભક્તો ઉપસ્થિત રહી જગ્યાંના મહંત ભીમબાપૂને ફૂલહાર પહેરાવીને ગુરુ પુજન કરવામાં આવ્યું હતું. અને મહા પ્રસાદનું આયોજન કરાયું હતું. એ જ રીતે ગીરનાર અંબાજી મંદીરના મહંત તનસુખ ગીરીબાપુની ભીડ ભંજન જગ્યાં ખાતે ગુરુ પુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભાજપના મેયર તેમજ શહેર પ્રમુખ સહીત આગેવાનો ઉપસ્થિત રહીને બાપૂને ફૂલહાર કરી ગુરુ પુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
ગુરુપૂર્ણિમાનું એક અનોખું મહત્વ રહેલું છે અને આખા વર્ષ દરમિયાન ગુરુનું ઋણ ચૂકવવાનો એક અવસર એટલે કે ગુરુપૂર્ણિમા અને આજે જ્યારે ગુરુપૂર્ણિમા હોય ત્યારે જામનગરમાં ગુરુપૂર્ણિમાની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં લીમડાલાઈનમાં આવેલ આણદાબાવા આશ્રમ ખાતે પૂજ્ય દેવપ્રસાદ મહારાજને ગુરૂ વંદન અને પૂજન કરવા માટે મોટી સંખ્યામાં શિષ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. જ્યારે પ્રખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે પ્રેમભિક્ષુજી મહારાજ અને કબીર આશ્રમ તેમજ મોટી હવેલી ખાતે પણ શિષ્યો મોટી સંખ્યામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવા માટે ઉમટી પડ્યા હતા.
જય ગુરુદેવના ગગનભેદી નારા સાથે બગદાણા ધામે ભાવિકોનું ઘોડાપુર ઉમટયુ. જિલ્લાના પ્રસિદ્ધ ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે. બાપા સીતારામના નામથી જગપ્રસિદ્ધ બનેલા બજરંગદાસ બાપાના બગદાણા ધામે ભકતજનોની ભારે ભીડ જોવા મળી હતી. દેશ વિદેશથી લાખો ભક્તો ગુરુપૂર્ણિમાના દિવસે ગુરૂહરિ બજરંગદાસ બાપાના દર્શને આવતા હોય છે. મંદિરમાં પૂજન, આરતી સહિતની ધાર્મિક વિધિ સાથે ભક્તોએ ભાવવિભોર બની ગુરુ દર્શનનો લ્હાવો લીધો.