ગુજરાતમાં હીટવેવની ખતરનાક અસર : અસહ્ય તાપમાં ઢળી પડી રહ્યાં છે લોકો, આ શહેરવાળા ખાસ સાચવજો

Mon, 20 May 2024-12:53 pm,

ગુજરાતનાં 9 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ગરમી તેનું રૌદ્ર રૂપ બતાવી રહી છે. રવિવારે ગુજરાતના 10 શહેરોમાં પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. આગામી પાંચ દિવસ ગુજરાતના મોટાભાગના શહેરોમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન રહેશે તેવી આગાહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાકમાં યલો અલર્ટ છે. આવામા હવે રાજ્યમાં હીટવેવની ખતરનાક અસર દેખાઈ રહી છે. અસહ્ય ગરમીના કારણે હીટ સ્ટ્રોકના કિસ્સા વધ્યા છે. જેમાં 17 મે રોજ 85 કેસ નોઁધાયા છે. તો 18 મેના 97 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં ઈમરજન્સી સેવા 108 ને કોલમાં વધારો થયો છે. 17 એપ્રિલથી 18 મે સુધીમાં હીટવેવના 108 એમ્બ્યુલન્સે 2255 કેસના કોલ મળ્યાં છે. આ કારણે આકરી ગરમીમાં બહાર ન નીકળવા નિષ્ણાતો સલાહ આપી રહ્યાં છે. ( Image : IMD Ahmedbad) 

રાજ્યમાં આભમાંથી વરસતી અગનજ્વાળા લોકો માટે અસહ્ય બની છે. ગુજરાતના 11 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. સુરેન્દ્રનગર 45.5 ડિગ્રીમાં શેકાઈ રહ્યું છે. તો અન્ય શહેરોની હાલત પણ ખરાબ છે. આવામાં ગુજરાતમાં ગરમીનો પારો વધવાની સાથે ગરમીને લગતા રોગના કેસમાં વધારો થયો છે. (Image : @GujHFWDept) 

વડોદરામાં હીટવેવના કારણે બે દિવસમાં હાર્ટ એટેકના કારણે 9 લોકોના મોત થયા છે. ગરમીના કારણે ઝાડા ઊલટી થતાં બે દર્દીઓ સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 9 લોકોના મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે. વડોદરા શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ચેપી રોગના દવાખાનાના RMO ડો.પ્રિતેશ શાહે જણાવ્યું કે, અસહ્ય ગરમીના કારણે હિટ સ્ટ્રોકના દર્દીઓમાં વધારો થયો છે. હોસ્પિટલોમાં દાખલ 400થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બની રહ્યા છે. કારેલીબાગ ચેપી રોગનું દવાખાનું દર્દીઓની ઉભરાયું છે. હોસ્પિટલમાં 50 બેડની કેપેસીટિ સામે 48 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ( Image : Health & Family Welfare Department) 

ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે વધતીબીમારીના સાત દિવસમાં 529 ઈમરજન્સી કોલ આવ્યા છે. ગરમીના કારણે ભારે તાવ આવવાની સમસ્યા સૌથી વધારે થઈ છે. પેટમાં દુઃખાવો અને ઝાડા-ઉલટીની લોકો ફરિયાદ કરે છે. અનેક દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. હીટ સ્ટ્રોક અને બેહોશ થઈ જવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો માથાનો દુઃખાવો અને ચક્કર આવવાની ફરિયાદ કરી રહ્યા છે.

ગરમીના કારણે 108 ઇમરજન્સી કોલમાં ધરખમ વધારો થયો છે. લૂ લાગવી, માથું દુખવું, ઉલટી થવાના ઈમરજન્સી કેસમાં વધારો થયો છે. 108 મેડિકલ કેરના હેડ ડો.હાર્દિક શાહે માહિતી આપતા જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં ઇમરજન્સી કોલમાં 100 ટકાનો વધારો થયો છે. 17 તારીખે અમદાવાદમાં ગરમીને લાગતા 11 કોલ નોંધાયા છે. 18 તારીખે 22 કોલ અને 19 તારીખે 32 ઇમરજન્સી કોલ નોંધાયા છે. સમગ્ર ગુજરાતમાં મે મહિનામાં કુલ 1431 કોલ નોંધાયા છે. સમગ્ર ગુજરાતમાં ગરમીને લાગતા કેસોમાં 31 ટકાનો વધારો થયો છે. 

સુરતમાં રવિવારે ચાર લોકોના અચાનક બેભાન થયા બાદ મોત થયા હતા. જેમાં કાપોદ્રાના રત્નકલાકાર ના 19 વર્ષીય પુત્રનું અચાનક બેભાન થઈ જતા મોત નિપજ્યું હતું. વરિયાવમાં રહેતા 46 વર્ષીય મનીષ ધોરીનું બેભાન થતા મોત નિપજ્યુ છે. તો લિંબાયત રહેતા 48 વર્ષીય સંતોષ બેભાન થઈ જતા મોતને ભેટ્યા હતા. આ ઉપરાંત ડીંડોલી વિસ્તારમાં રહેતો સોનુ દાસ જમીને સુઈ ગયા બાદ સવારે ઉઠ્યો જ ન હતો. આમ, 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ ચારના મોતથી લોકોમાં ડર ભરાઈ ગયો છે. 

ભારે ગરમીને કારણે ગુજરાતમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે. લોકોને ગરમીને કારણે તાવ આવવાની ફરિયાદો વધી છે. તો સાથે જ પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યાં છે. લોકોને ગરમીની અસર થવાથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના કોલ પણ વધી ગયા છે. ગુજરાતમાં 12 મેથી 18 મે સુધીમાં એટલે કે સાત દિવસમાં એમ્બ્યુલન્સ સર્વિસને ગરમીને લગતી વિવિધ બીમારીના ૫૨૯ ઈમરજન્સી કોલ્સ આવ્યા છે, જેમાં જે તે દર્દીને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવા પડયા હતા.

હવામાન વિભાગના આંકડા અનુસાર, આજે સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતનો સૌથી ગરમ જિલ્લો બન્યો છે. સુરેન્દ્રનગરનું તાપમાન 44.7 ડિગ્રીએ પહોંચ્યું છે. જે કારણે લોકોને ઘર બજાર ન નીકળવા અપીલ કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બાળકો અને વૃધ્ધો હીટસ્ટ્રોકથી બચે તે અંગે પણ અપીલ કરાઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા લોકોને બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. (Weather Department)

શહેરમાં ગરમીનો પારો વધતા વડોદરા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીથી બચવા નાગરિકો હાલ ઠંડક અપાવે તેવી વસ્તુઓનો સહારો લઈ રહ્યાં છે. ગરમીમાં લૂ ના લાગે તે માટે ડુંગળી લસણનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો બપોરના સમયે બહાર જવાનું ટાળી રહ્યાં છે. 

મે મહિનામાં ગુજરાત અગનભઠ્ઠી બની ગયું છે. રવિવારે ગુજરાતના 10 શહેરોમાં પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેમાં હિંમતનગરમાં રવિવારે 46.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં રવિવાર 45 ડિગ્રી સાથે સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. આગામી પાંચ દિવસ મોટ ભાગના શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું. આમ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાકમાં યલો અલર્ટ છે. એટલું જ નહીં, દેશમાં પણ ગરમી હાહાકાર મચાવી રહી છે. દિલ્લીના નજફગઢમાં તાપમાનનો પારો 48 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનું અલર્ટ જાહેર કરાયું છે. દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાન માટે રેડ વોર્નિંગ જાહેર કરાઈ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાત માટે ઓરેન્જ અલર્ટ છે. આ સીઝનમાં ન માત્ર દિવસે પરંતુ રાત્રે પણ ગરમી પવનો ફુંકાતા વધુ અકળામણનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે પણ 33 થી 36 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું છે. (Image : IMD Ahmedbad) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link