ઘી ખાનારા ગુજરાતીઓ સંભાળીને ખાજો, આરોપીએ પોલીસ સામે આપ્યો નકલી ઘી બનાવવાનો ડેમો
સુરતના રાંદેર સ્થિત ઉગત કેનાલ રોડ પર આવેલી સોસાયટીના એક મકાનમાં ભેળસેળ યુક્ત ઘી બનાવતા શખ્સને રાંદેર પોલીસે ઝડપી પાડી કુલ 225 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીની પૂછપરછ માં છેલ્લા છ માસથી ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવતું હતું. જે ઘીનો જથ્થો શહેરની અલગ અલગ વિસ્તારમાં આવેલી ડેરીઓમાં સપ્લાય કરવામાં આવતો હતો.
ભેળસેળ યુક્ત ઘી બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા. રાદેર પોલીસે નકલી ઘી સહિત ડાલડા ઘી ઉપરાંત સોયાબીનનો જથ્થો અને કેમિકલ જપ્ત કરી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
હાલ જ સુરતના ઉધના વિસ્તારમાંથી શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતો. જે ઘટનાને હજી વધુ સમય થયો નથી, ત્યાં સુરતના રાંદેર વિસ્તારમાંથી ભેળસેળ યુક્ત નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. રાંદેર પોલીસના જણાવ્યા અનુસાર, ઉગત કેનાલ રોડ ઉપર ગોગા સર્કલ આવેલું છે. અહીં આવેલ સાઈનાથ સોસાયટીમાં ભાડાના એક મકાનમાં ભેળસેળ યુક્ત ઘી બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોવાની માહિતી રાંદેર પોલીસને મળી હતી.
મળતી માહિતીના આધારે અહીં છાપો મારતા રાજુ હરગોવનભાઈ પટેલ નામના શખ્સને ભેળસે યુક્ત નકલી ઘી બનાવતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. જે આરોપી પાસેથી નકલી ઘી બનાવવા માટેનું કેમિકલ,ડાલડા ઘી અને સોયાબિનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ ઉપરથી રાંદેર પોલીસે 225 કિલો જેટલું ભેળસેળ યુક્ત નકલી ઘી સહિત 69 હજારથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી રાજુ હરગોવનભાઈ પટેલની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી હતી
ભેળસેળ યુક્ત નકલી ઘી બનાવતા આરોપી રાજુ હરગોવન પટેલની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા છ મહિનાથી આરોપી આ નકલી ઘી બનાવે છે. જે ઘીનો જથ્થો શહેરની અલગ અલગ ડેરીઓમાં સપ્લાય કરતો હતો. જોકે ડેરી માલિકો દ્વારા પણ ભેળસેળ યુક્ત ઘી હોવા છતાં વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હતા. જે ડેરી માલિકો સામે પણ કાર્યવાહી થવી જરૂરી છે. હાલ તો રાંદેર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે પરંતુ સવાલ અહીં એક એ પણ થાય છે કે સુરત મહાનગરપાલિકા નું આરોગ્ય અને ફૂડ વિભાગ હોવા છતાં શહેરમાં ભેળસેળયુક્ત નકલી ઘી નું વેચાણ થઈ રહ્યું છે. જે ખૂબ જ ગંભીર બાબત બનીને સામે આવી છે.જ્યાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.