રસી સાથે સોનુ ફ્રી : ગુજરાતના આ શહેરમાં એક ઓફરથી વેક્સીન લેનારાઓની લાંબી લાઈન લાગી
રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા વધુમાં વધુ લોકોને વેક્સિન મૂકવા તંત્રને સૂચના આપવામાં આવી છે. જોકે રાજકોટમાં સમસ્ત સોની સમાજનો વેક્સીનેશન કેમ્પમાં સોની બજારમાં આવેલ કોઠારીયા નાકા પાસેની કિશોરસિંહજી પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો. જેમાં લોકો સ્વયંભૂ વેકસીન લેવા પહોંચ્યા હતા. તેની પાછળનું મુખ્ય કારણ હતું કોરોના રસી મુકાવનાર વ્યક્તિને અપાતી ગિફ્ટ.
કોરોનાની રસી મુકાવવા માટે સમસ્ત સોની સમાજની 700 મહિલાઓને સોનાની નાકની ચૂંક અને 631 પુરૂષોને હેન્ડ બ્લેન્ડર આપી પ્રોત્સાહિત કર્યા હતા. સોની કામ સાથે જોડાયેલા મોટી સંખ્યામાં લોકોએ વેક્સીનેશન કેમ્પનો લાભ લીધો હતો. વેક્સીન મૂકાવનારને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવતા લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે જ લોકો વધુમાં વધુ વેક્સીન મૂકાવીને સુરક્ષિત થાય તેવી લોકોને અપીલ કરવામાં આવી હતી.
રાજકોટ સોની સમાજના અગ્રણી અને ભાજપ સાથે જોડાયેલા અરવિંદભાઈ પાટડીયાએ રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી સોની સમાજના લોકો માટે વેક્સીનેશન કેમ્પ યોજ્યો હતો. જેમાં 700 મહિલાઓ અને 631 પુરૂષોએ વેક્સીન મુકાવી હતી. એક સોનાની ચૂક અંદાજિત 200 રૂપિયામાં તૈયાર થઈ હતી. જેનો ખર્ચ 1.40 લાખ આસપાસ થયો હતો. આ ખર્ચ સોની સમાજના અલગ અલગ દાતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.