સોમનાથ બન્યું ધર્મભક્તિ અને દેશભક્તિનું સંગમ સ્થળ, હવે દરેક શ્રદ્ધાળુઓના કપાળે જોવા મળશે ત્રિરંગો

Sun, 14 Aug 2022-4:09 pm,

12 માર્ચ 2021 ના ​​રોજ જ્યારે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું અને આઝાદી ના અમૃત પર્વની ઉજવણી કરવાનું આહ્વાન કર્યું, ત્યારે સમગ્ર રાષ્ટ્ર તેમના પ્રેરણાત્મક માર્ગદર્શનથી દેશભક્તિની ભાવના સાથે આ અદ્ભુત અભિયાનનો ભાગ બન્યું. અને ખાસ કરીને હર ઘર તિરંગા ઝુંબેશ દ્વારા દરેક ભારતીય તિરંગા દ્વારા અભૂતપૂર્વ એકતાના તાંતણે જોડાયું છે. આઝાદીના આ મહાન પર્વ નિમિત્તે સોમનાથ યાત્રાધામ પણ ભક્તિ અને દેશભક્તિનું સંગમ સ્થળ બન્યું છે.  

સોમનાથ મંદિરનો ભારતની આઝાદી સાથે સૌથી નજીકનો સંબંધ રહ્યો છે. કારણ કે અખંડ ભારતના શિલ્પી સ્વર્ગસ્થ સરદાર વલ્લભભાઈ પટેલ જુનાગઢની આઝાદી પછી 13 નવેમ્બર, 1947ના રોજ પોતે સોમનાથ આવ્યા હતા અને અરબ સાગરના જળ ની અંજલિ લઈને વિધર્મીઓ દ્વારા ખંડિત કરાયેલ ભગ્ન અવસ્થામાં રહેલા સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો હતો.

સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની અસ્મિતા રૂપ વર્ણવ્યું હતું. આઝાદી પછી સરદારનુંઆ ભગીરથ કાર્ય હતું, જેમાં તેમણે લોકોને જોડીને સોમનાથના જીર્ણોદ્ધારની શરૂઆત કરી હતી. આજે પણ, ભારતની આઝાદી સાથે ગાઢ રીતે સંકળાયેલું સોમનાથ મંદિર, સ્વતંત્ર ભારતની રાષ્ટ્રીય ભાવનાનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે.

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સોમનાથમાં ધર્મભક્તિ અર્થે આવતા શ્રદ્ધાળુઓને દેશભક્તિનો અદ્દભુત અનુભવ કરાવવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા બહુસ્તરીય કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને 3d લાઇટિંગની મદદથી તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યું છે. સોમનાથના ધ્વજથી માંડીને મુખ્ય શિખર કેસરી રંગની, મધ્ય ભાગમાં સફેદ, અને પ્રવેશદ્વાર અને નીચેના ભાગને લીલા રંગની રોશનીથી પ્રકાશિત કરાયો છે, જેના કારણે મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને ધર્મની સાથે દેશભક્તિની અનુભૂતિ થાય છે. આ સાથે સોમનાથ ટ્રસ્ટની તમામ ઈમારતો અને ગેસ્ટ હાઉસ પર દેશનો તિરંગો ગર્વભેર લહેરાવવામાં આવ્યો છે. 

સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુવા પેઢીમાં રાષ્ટ્રીય ભાવનાને વધુ પ્રબળ બનાવવા સ્વતંત્રતા દિવસ અને હર ઘર તિરંગા અભિયાનને લગતા આકર્ષક સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. સોમનાથ સમુદ્ર દર્શન વોકવે પર વિશાળ ત્રિરંગા લગાવવામાં આવ્યા છે, જેમાં ત્રિરંગાઓની મધ્યમાં તિરંગા રંગે જય સોમનાથ લખવામાં આવ્યું છે. જેના કારણે આ સ્થળ પ્રવાસીઓમાં સૌથી પ્રખ્યાત સેલ્ફી પોઈન્ટ બન્યુ છે. 

સોમનાથ ટ્રસ્ટ તરફથી તમામ કર્મચારીઓને તિરંગા આપવામાં આવ્યા છે, જેને કર્મચારીઓ તેમના ઘરે લહેરાવી શકશે. તમામ કર્મચારીઓ ત્રિરંગો લહેરાવીને પોતાની સેલ્ફી લેશે અને ટ્રસ્ટને આપશે, જેમાંથી એક મોટો ફોટો કોલાજ બનાવીને પ્રદર્શન માટે મૂકવામાં આવશે. ટ્રસ્ટના આ કાર્યોને કારણે સોમનાથ તીર્થમાં દેશભક્તિ સાથે દેશભક્તિનો અદભૂત સમન્વય જોવા મળી રહ્યો છે.  

સોમનાથ ટ્રસ્ટે સ્થાનિક પંડિતોના સહયોગથી દર્શને આવતા યાત્રિકો માટે ભક્તિ સાથે દેશભક્તિનો અવિસ્મરણીય અનુભવ આપવા માટે દરેક કપાળ પર ત્રિરંગા સેવા શરૂ કરી છે. સોમનાથના દર્શન કરવા આવતા યાત્રિકોને કેસરી, સફેદ અને લીલા રંગનુ ત્રિપુંડ કરી આપવામાં આવે છે. તમામ ભક્તોને એવી ઈચ્છા હોય છે કે તેમના કપાળ પર મહાદેવનું પ્રિય ત્રિપુંડ હોય. 

પરંતુ જ્યારે આ ત્રિપુંડ ભારતના ત્રિરંગાના રંગોથી કરવામાં આવે છે ત્યારે ભક્તોને શિવભક્તિની સાથે દેશભક્તિનો અવિસ્મરણીય અનુભવ થાય છે. આ ત્રિપુંડ હંમેશા તેમને દેશભક્તિની ભાવના સાથે જોડે છે અને ભક્તો જય સોમનાથ, વંદે માતરમ, ભારત માતા કી જયના ​​નારા લગાવતા જોવા મળે છે. ટ્રસ્ટનું આ "હર ભાલ તિરંગા" અભિયાન દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને સોમનાથની રાષ્ટ્રીય ભાવનાનો અનુભવ કરાવે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link