વધી રહ્યો છે Black Fungus નો પ્રકોપ, જીવલેણ બીમારીથી બચવા માટે કારગર નીવડી શકે છે આ સરળ ઉપાયો
બ્લેક ફંગસનો ભોગ બનનારાઓમાં એવા લોકો વદુ છે જેમને કોવિડ-19ની સારવાર દરમિયાન લાંબા સમય સુધી સ્ટેરોઈડ આપવામાં આવ્યું છે. આ સાથે જ જે લોકો લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા અને ઓક્સિજન સપોર્ટ કે વેન્ટિલેટર પર રહ્યા. આવામાં હોસ્પિટલમાં યોગ્ય રીતે હાઈજીન મેન્ટેઈન ન થવાના કારણે અનેક દર્દીઓને બ્લેક ફંગસ થયું છે. આ સાથે જ ડાયાબિટિસના રોગીઓને પણ તેનાથી જોખમ છે કારણ કે સ્ટોરોઈડ લેવાના કારણે તેમનું શુગર લેવલ વધી જાય છે.
એવા લોકો કે જેમની ઈમ્યુનિટી નબળી છે અને તે લોકોની કોવિડ-19ની સારવાર દરમિયાન સ્ટેરોઈડનો ઉપયોગ વધુ કરાયો છે તો તેમનામાં પણ ફંગલ ઈન્ફેક્શન થવાનું જોખમ વધુ રહે છે.
આ બીમારીના આંખ સુધી પહોંચવાના શરૂઆતી લક્ષણ આંખ લાલ થવી, આંખોમાંથી પાણી નીકળવું, અને કન્જેક્ટિવાઈટિસ જેવા લક્ષણ હોય છે. બાદમાં આંખોમાં દુખાવો થાય છે અને રોશની જતી રહે છે. આમ તો ફંગસથી ઈન્ફેક્શન થવાની શરૂઆત નાકથી થાય છે. જેના કારણે નાકથી બ્રાઉન કે રેડ કલરનું મ્યુકસ બહાર આવે છે. ત્યારબાદ તે આંખોમાં પહોંચે છે અને પછી તે બ્રેઈન, નર્વસ સિસ્ટમ સુધી પહોંચે એટલે દર્દી મોતના મોઢામાં ધકેલાય છે.
બ્લેક ફંગસથી અનેક લોકો પોતાની આંખો ગુમાવી ચૂક્યા છે. ત્યારે વિશેષજ્ઞોનું કહેવું છે કે બ્લેક ફંગસના કેસમાં થઈ રહેલા વધારા પાછળ મોટું કારણ માસ્કમાં રહેલી ભીનાશ પણ જવાબદાર છે. આ અંગેનો એક રિપોર્ટ હિન્દુસ્તાનમાં પ્રકાશિત થયો છે. જે મુજબ નેત્રરોગ વિશેષજ્ઞ ડો.એસએસ લાલે કહ્યું કે મ્યુકોરમાઈકોસિસ થવા પાછળ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાયેલો માસ્ક પણ હોઈ શકે છે. માસ્ક પર જમા થયેલી ગંદકીના કણોથી આંખમાં ફંગસ ઈન્ફેક્શન થવાની શક્યતા રહે છે. આ સાથે જ માસ્કમાં ભીનાશ હોવાના કારણે પણ આ પ્રકારે ઈન્ફેક્શન થઈ શકે છે.
બ્લેક ફંગસથી બચવા માટે તમારે તમારા મોઢાને સાફ કરવું ખુબ જરૂરી છે. આવામાં કોવિડથી સાજા થયા બાદ અને ત્યારબાદ પણ દિવસમાં 2-3 વાર બ્રશ કરીને મોઢાની સફાઈ કરશો તો આ ઈન્ફેક્શનથી બચવામાં મદદ મળશે.
કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તમારું ટૂથબ્રશ બદલી નાખો. જેથી કરીને જૂના બ્રશ દ્વારા ફરીથી ઈન્ફેક્શન ન થાય. આ સાથે જ નિયમિત પણે તમારું મોઢું ધોતા રહો.
આ ફંગસ વાતાવરણમાં મળી આવે છે, જેથી કરીને વરસાદી ઋતુમાં બ્લેક ફંગસ ફેલાવવાની શક્યતા વધુ છે. આથી જરૂરી છે કે કોવિડ-19થી સાજા થયેલા લોકો માસ્કને ડેટોલમાં ધોઈને સૂકાવીને કે પછી પ્રેસ કરીને જ પહેરે. આ ઉપરાંત માસ્કને અન્ય કપડા સાથે ન ધુઓ
કોવિડ-19થી સાજા થયેલા દર્દી માટે જરૂરી છે કે તે પોતાનું ટૂથબ્રશ અને ટંગ ક્લિનર પણ સાફ કરતા રહે. આ સાથે જ તેમણે પોતાના બ્રશ અને ટંગ ક્લિનર બીજાના બ્રશ કરતા અલગ રાખવા જોઈએ.