ગુજરાત સરકાર આપી રહી છે 5000 રૂપિયા, આ ચાર જિલ્લાઓને મળશે આ સહાયનો પહેલા લાભ

Mon, 09 Sep 2024-3:24 pm,

આ અંગે વિસ્તૃત માહિતી આપતા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પશુ સંવર્ધન થકી દૂધ ઉત્પાદનમાં ટકાઉ રીતે વધારો મેળવવા માટે ગુજરાત સરકાર અદ્યતન ટેકનોલોજીને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે. સેક્સડ સીમન ડોઝની જેમ જ ગુજરાત સરકાર દ્વારા હવે IVF કરાવતા પશુ માટે પણ રૂ. ૫,૦૦૦ સહાય આપવામાં આવશે. પશુપાલકો બહોળા પ્રમાણમાં IVF તકનીકનો ઉપયોગ કરી શકે તે માટે પ્રાયોગિક તબક્કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહાય આપવામાં આવશે. આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં પણ માંગને અને જરૂરિયાત પ્રમાણે યોજનાનું વિસ્તરણ કરવામાં આવશે.

પશુપાલન મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા “રાષ્ટ્રીય ગોકુલ મિશન” અંતર્ગત IVF ટેકનોલોજીના ઉપયોગ થકી પશુઓમાં સફળ ગર્ભધારણ થયું હોય તેવા પશુપાલકોને IVF માટે થતાં રૂ. ૨૪,૭૮૦ ખર્ચ સામે ભારત સરકાર દ્વારા રૂ. ૫૦૦૦ સહાય આપવામાં આવે છે. ભારત સરકારની યોજના હેઠળ લાભ મેળવી રહેલા આવા સભાસદ પશુપાલકોને રાજ્યના જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા રૂ. ૪,૮૯૦ તેમજ GCMMF દ્વારા રૂ. ૪,૮૯૦ સહાય આપવામાં આવે છે. 

રાજ્ય સરકારના સહાય આપવાના આ મહત્વપૂર્ણ નિર્ણયથી IVફ ટેકનોલોજીની મદદથી સફળ ગર્ભધારણ કરતા પશુ માટે પશુપાલકને થતા રૂ. ૨૪,૭૮૦ ખર્ચ સામે ભારત સરકાર, ગુજરાત સરકાર, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તેમજ GCMMF તરફથી કુલ રૂ. ૧૯,૭૮૦ સહાય મળશે. પરિણામે પશુપાલકને IVF ટેકનોલોજીના ઉપયોગ માટે પશુ દીઠ માત્ર રૂ. ૫,૦૦૦નો જ ખર્ચ થશે. સાથે જ, ઓછી આનુવંશિકતા અને ઓછુ દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા પશુઓ વધુ કાર્યક્ષમ થશે. 

પશુપાલન મંત્રીએ IVF ટેકનોલોજીના લાભ અંગે વાત કરતા કહ્યું હતું કે, સામાન્ય રીતે માદા પશુ પુખ્ત ઉંમર બાદ દર વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે. પરંતુ ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન અને એમ્બ્રીઓ ટ્રાન્સફર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા અને વધુ દૂધ ઉત્પાદન ધરાવતા માદા પશુમાંથી અંદાજે ૧૨ થી ૨૦ જેટલા બચ્ચાઓ પ્રતિ વર્ષ મેળવી શકાય છે.   

IVF ટેકનોલોજીમાં ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતી ડોનર માદા પશુઓમાંથી વધુ સંખ્યામાં અંડકોષ મેળવી, પ્રયોગ શાળામાં તેનું ફલીનીકરણ કરવામાં આવે છે તેમજ તેમાંથી મળેલા ભ્રુણને સામાન્ય રીસીપીયન્ટ માદા પશુમાં પ્રત્યારોપીત કરવામાં આવે છે. આ પદ્ધતિમાં જો ફલીનીકરણ માટે સેક્સડ સીમેનનો ઉપયોગ કરવામાં આવે તો વધુ સંખ્યામાં માદા બચ્ચાંનો જન્મ થાય છે. વધુ દૂધ ઉત્પાદન અને સારી આનુવંશિક ગુણવત્તા ધરાવતા બચ્ચાઓનો જન્મ થતા પશુપાલકોની આવકમાં પણ વધારો થશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link