કોરોનાકાળમાં રેસ્ટોરન્ટ સાવ ખાલી ખાલી...એવો ઉપાય અજમાવ્યો કે હવે ગ્રાહકોની લાગે છે લાંબી લાઈન
મળતી માહિતી મુજબ કોલકાતાના Wok’ies રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને ઝિપવાળું માસ્ક અપાય છે. આ માસ્કનો ફાયદો એ છે કે માસ્ક ઉતાર્યા વગર જ લોકો ઝિપ ખોલીને ભોજપ કે પાણી ગ્રહણ કરી શકે છે અને પછી આરામથી ઝિપ લગાવીને ચહેરો કવર કરી શકે છે.
રેસ્ટોરન્ટમાં ઝિપવાળું ફ્રી માસ્ક આપવાથી ગ્રાહકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ભોજન બાદ ગ્રાહકોને આ માસ્ક ગિફ્ટ તરીકે હંમેશા માટે આપી દેવાય છે. રેસ્ટોરન્ટની આ પહેલને લોકોએ વધાવી લીધી છે અને ત્યાં આવનારા ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે.
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે 50 ટકા ક્ષમતા સાથે તમામ રેસ્ટોરન્ટ્સને સપ્ટેમ્બર મહિનામાં જ શરૂ કરવાની મંજૂરી આપેલી છે પરંતુ કોરોનાના ડરથી લોકો હજુ પણ હોટલોમાં જતા ડરે છે. જેના કારણે દેશની મોટાભાગની હોટલો હજુ પણ ગ્રાહકો વગર સૂની જોવા મળી રહી છે.
Wok’ies રેસ્ટોરન્ટની માલિકણ સોમોશ્રી સેનગુપ્તા કહે છે કે તેઓ લોકોની સુરક્ષાની સાથે સાથે કોરોના પ્રત્યેનો તેમનો ડર પણ ઓછો કરવા માંગતા હતાં. આથી બંને જરૂરિયાતોને જોતા ઝિપવાળા માસ્કનો આઈડિયા તેમના મગજમાં આવ્યો. તેમણે કહ્યું કે લોકો પણ તેમની પહેલને સપોર્ટ કરી રહ્યા છે અને રેસ્ટોરન્ટમાં લોકોની ભીડ ઉમટી રહી છે.