ગાંધી જયંતી 150મું વર્ષઃ દેશમાં `સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત` અભિયાનનો પ્રારંભ કરાવતા પીએમ

Wed, 02 Oct 2019-10:28 pm,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. અહીં ભાજપ સંગઠન દ્વારા વડાપ્રધાન મોદીને એક સ્મૃતિચિન્હ અર્પણ કરાયું હતું. ત્યાર બાદ એરપોર્ટ પર તેમને આવકારવા આવેલી જનમેદનીને સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું કે, આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ગાંધીજીનાં સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી જયંતી નિમિત્તે સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની માળા પહેરાવીને તેમને શ્રદ્ધાંજલિ આર્પી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાષ્ટ્રપતિ અને મહાત્મા એવા ગાંધીજીને નમન કર્યું હતું. 

મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા પછી વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં તેમણે જુદા-જુદા ખંડોની મુલાકાત લીધી હતી. 

મહાત્મા ગાંધીએ સુતર કાંતવાના ચરખાઓ દ્વારા સમાજના લોકોને સ્વાવલંબી બનાવવાની પહેલ કરી હતી. આ ચરખાઓમાં સમયાંતરે પરિવર્તન આવ્યું હતું અને નવા-નવા બનેલા ચરખાઓને ગાંધી આશ્રમમાં પ્રદર્શનમાં મુકવામાં આવેલા છે. વડાપ્રધાન મોદીએ આ વિવિધ ચરખાઓ અંગેની માહિતી મેળવી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધા પછી બહાર મુકવામાં આવેલી ડાયરીમાં વિશેષ નોંધ લખી હતી. તેમણે લખ્યું કે, "સાબરમતી આશ્રમ સંકલ્પથી સિદ્ધિ તરફનું તીર્થ છે. પૂજ્ય બાપુએ અહીં સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી દેશ આઝાદ નહીં થાય ત્યાં સુધી તેઓ આશ્રમમાં પાછા ફરશે નહીં. આશ્રમે આ સંકલ્પને સિદ્ધ થતાં જોયો છે. આજે મને આ વાતનો સંતોષ છે કે, ગાંધીજીની 150મી જન્મ જયંતીના પ્રસંગે, તેઓનાં સ્વપ્નો પૈકીના એક સ્વચ્છ ભારતની સિદ્ધિનો સાક્ષી પણ આ આશ્રમ બની રહ્યો છે. હું મારી જાતને સૌભાગ્યશાળી સમજુ છું કે, ખુલ્લામાં શૌચમુક્ત ભારતનો સંકલ્પ પરિપૂર્ણ થવાના પ્રસંગે હું અહી મોજુદ છું. "

વડાપ્રધાન મોદીએ બાપુના ચીંધેલા માર્ગે ચાલવાની ફરજ અંગે ડાયરીમાં લખ્યું કે, "સ્વતંત્રતા આંદોલનમાં બાપુની પાછળ ચાલવાનો અવસર ભલે ના મળ્યો હોય, પરંતુ તેઓએ ચીંધેલા માર્ગે ચાલવું એ આપણું કર્તવ્ય છે. તેઓએ દેશને જનભાગીદારીનો જે મંત્ર આપેલ હતો તે દેશના ખૂણે ખૂણે પહોંચી ગયેલ છે. જનભાગીદારીની આ શક્તિએ આપણને ઝડપથી અસાધ્ય લક્ષ્યો પામવા માટેના અચૂક ઉપાયો આપેલા છે. આપણું પ્રત્યેક ડગલું બાપુના રસ્તે ચાલે, આપણે તેઓનાં જોયેલાં સ્વપ્નોને જીવી શકીએ, એને પૂરા કરી શકીએ, આપણી નાની-નાની શક્તિઓ દેશના મહાન સંકલ્પોનું સામર્થ્ય બને, આપણાં વિચારોમાં દેશહિત હોય અને એ જ આપણને અનંતકાળ સુધી દિશાનિર્દેશ કરે, એ જ આત્મા અને વિશ્વાસ સાથે."  .... નરેન્દ્ર મોદી (2-10-2019)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમની મુલાકાત પછી સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધીજીના જીવન પર બનેલા એક વિશેષ પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. રિવર ફ્રન્ટ પર રેત શિલ્પ કલાકાર સુદર્શન દ્વારા એક વિશેષ રેતશિલ્પ તૈયાર કરાયું હતું જ્યાં વડાપ્રધાન મોદીએ ફુલો અર્પણ કરીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સરપંચોના સંમેલનને સંબોધન કર્યું હતું. આ અગાઉ તેમણે સ્વચ્છ ભારત એવોર્ડના વિજેતાઓનું વિવિધ એવોર્ડથી સન્માન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્વચ્છતાને જીવનનો મંત્ર બનાવવા માટે આહવાન કર્યું હતું. આ સાથે દેશવાસીઓને 'સિંગલ યુઝ પ્લાસ્ટિક' મુક્ત અભિયાનમાં પણ જોડાવા અપીલ કરી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરપંચોના સંમેલનને સંબોધન કર્યા પછી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં પહોંચ્યા હતા. અહીં તેમણે નવરાત્રિ મહોત્સવ નિમિત્તે માતાજીની આરતી ઉતારી હતી. ત્યાર પછી થોડા સમય સુધી ગરબા નિહાળીને તેઓ દિલ્હી જવા રવાના થયા હતા. (તમામ ફોટો સાભારઃ ANI)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link