સરકારી નોકરી મેળવવા સાબરમતીના તટે યુવાનોના ધામા, ભરતીમાં પાસ થવા પ્રેક્ટિસ શરૂ કરી

Sun, 17 Oct 2021-9:51 am,

PSI અને ASI ની અંદાજે 1400 જેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ છે ત્યારે યુવાનો ભરતી કસોટીમાં સફળ થવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ભરતીમાં ભાગ લેવા માંગતા ઈચ્છુક ઉમેદવારો માટે હજુ પણ ફોર્મ ભરવાની તક ઉપલબ્ધ છે. જુદા જુદા જિલ્લાઓથી પોલીસ વિભાગની ભરતીમાં સફળ થવા માટે યુવાનો ગાંધીનગરમાં આવી રહ્યા છે. જો કે યુવાનોમાં PSI અને ASI ની ભરતી પ્રક્રિયાના નિયમમાં પહેલીવાર કરાયેલા કેટલાક બદલાવને લઈને નારાજગી છે. પુરુષ અને મહિલા ઉમેદવાર માટે મહત્વપૂર્ણ એવી દોડ માટે ઉમેદવારો પરસેવો પાડી રહ્યા છે.  

25 મિનિટમાં 5 કિમિ. દોડ પૂર્ણ કરનાર પુરુષ ઉમેદવારો અને 9.30 મિનિટમાં 1600 મીટર દોડ પૂર્ણ કરનાર મહિલા ઉમેદવારોનું મેરીટ લિસ્ટ બનાવાશે. અગાઉ દોડમાં પાસ થનાર ઉમેદવારોનું મેરિટ લિસ્ટ નહોતું બનાવાતું. તેમનો સીધો સમાવેશ આગામી કસોટી માટે કરાતો હતો.  

ઝી 24 કલાક સાથે વાત કરતા ઉમેદવારોએ કહ્યું કે, કુલ ભરતીની જગ્યા સામે 15 ગણા ઉમેદવારોને જ શારીરિક કસોટી બાદ મેરીટમાં લેવાશે, આવું ના હોવું જોઈએ. શારીરિક કસોટીમાં જે સમય નિશ્ચિત કરાયો છે એ સમયમાં જે પણ પાસ થાય છે એમને લેખિત કસોટી માટે તક આપવી જોઈએ. માત્ર શારીરિક ક્ષમતાથી જ મેરીટ બનાવાશે તો નોલેજેબલ ઉમેદવારો મળવા મુશ્કેલ બનશે, નિશ્ચિત સમયમાં દોડ પૂર્ણ કરનાર તમામ ઉમેદવારો સક્ષમ જ હોય છે. અગાઉ દોડમાં જે નિશ્ચિત સમયમાં પાસ થતા હતા તે તમામનો આગામી કસોટીમાં સમાવેશ થતો હતો. પરંતુ હાલ જે પાસ થશે એમાં પણ મેરીટ બનાવાશે એવો બદલાવ કરાયો છે, જે યોગ્ય નથી. સરકારને વિનંતી છે કે એમાં વિચારણા કરી નિયમમાં બદલાવ કરે. 

ઉમેદવારોએ કહ્યું કે, કોરોનાને કારણે અમારી પ્રેક્ટિસમાં વિક્ષેપ પડ્યો. પરંતુ ફરી એકવાર અમે સવારે 4 વાગ્યાથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. આશા છે કે કોઈ સમસ્યા વગર ભરતી ઝડપથી પૂર્ણ થશે. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી દ્વારા 27 હજાર કરતા વધુ પદ પર ભરતી પોલીસ વિભાગમાં થશે એ જાહેરાતને યુવાનોએ આવકારતા કહ્યું કે, એ માટેની તમામ પ્રક્રિયાઓ પણ ઝડપથી પૂર્ણ થાય એવી અપેક્ષા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link