રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં ઘીની નદીઓ વહી, જાણો રસ્તા પર વહેતા ઘી નું પછી શું થાય છે

Tue, 24 Oct 2023-9:32 am,

ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આજની નહીં પરંતુ સદીઓથી ઘીની નદીઓ વહે છે. નવરાત્રિમાં જેટલા ગુજરાતના ગરબા વખાણાય છે, તેટલી જ રૂપાલની પલ્લી પણ પ્રખ્યાત છે. માતાની પલ્લી પર લાખો લિટર ઘી ચઢાવાતું હોય, અને તેની નદીઓ ગામની ગલીઓમાં વહેતી હોય... તેવા દ્રશ્યો રૂપાલમાં જ જોવા મળે છે. રૂપાલની પલ્લીને જોવા માટે દેશવિદેશમાંથી લોકો આવે છે. આસો સુદ નોમના રાત્રે આ પલ્લી નીકળે છે.

ગાંધીનગરમાં રૂપાલ ગામે આસો સુદ વદના રાત્રે માતાની પલ્લીનો પ્રારંભ થાય છે. આ મહોત્સવ વિશ્વભરમાં વિખ્યાત છે. જ્યાં આસ્થાના દર્શન થાય છે. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થાય છે. આ દરેક ચોકમાં પલ્લી પર ઘી રેડાતું રહે છે. આ માટે ગામમાં આવેલ માતાના સ્થાનકને રોશનીથી સજાવાય છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપનાની સાથે માતાના જવેરા વાવવામાં આવે છે.

જેના બાદ નોમના દિવસે રાત્રે પલ્લી નીકળે છે. ઉનાવાના ઠાકોર સમાજના લોકો જ આ પલ્લીને પ્રસ્થાન કરાવે છે. ગામના દરેક ચોકમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટે છે કે, જોઈને ઘડીક બીક લાગે. પરંતુ આજ દિન સુધી પલ્લીમાં કોઈ અનિચ્છીનીય બનાવ બન્યો નથી.   

પલ્લી શું છે, એવો સવાલ બધાને થાય છે. પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યાર બાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી, તેવો ઉલ્લેખ છે. હાલ રૂપાલની પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર કોમ સાથે મળીને બનાવે છે. એમ કહો કે, આ પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતિક છે.  

પલ્લી બનાવવા માટે ગામના વાલ્મીકી ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે. તેમાંથી ગામના ભાઈઓ માનો પલ્લીરથ ઘડીને તૈયાર કરે છે. બાદમાં વાળંદભાઈઓ વરખડાના સોટા લાવી રથને ચારેબાજુ બાંધીને કલાત્મક રીતે શણગારે છે. પછી પલ્લીરથને પલ્લીવાળા વાસમાં માનો ગોખ તથા માની છબી ત્યાં લઈ જઈ મૂકવામાં આવે છે. તે જગ્યાને અબોટ કરી ગંગાજળ તથા ગાયના છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મૂકવામાં આવે છે.

ત્યારબાદ કુંભાર પ્રજાપતિ ભાઈઓ પાંચ માટીના કૂંડા પલ્લી ઉપર છાંદી જાય છે. પછી પિંજારો કપાસ પૂરે છે. પંચાલ ભાઈઓ લાકડાના ખીલા આપે છે. માળી ભાઈઓ માતાજીને ફૂલહારથી શણગારે છે, અને આમ માનો સુંદર પલ્લીરથ તૈયાર થાય છે. માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ રાંધે છે તથા ખીચડો નૈવેધ ધરાવવાની છાબ વાલ્મિકી સમાજના ભાઈઓ તૈયાર કરી ચાવડાને ત્યાં આપી આવે છે. આમ ગામમાં વસતા અઢારે આલમના લોકો માની શકિત મુજબ સેવા કરે છે.

પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયની માતાની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે માતાની પલ્લી ભરાય છે. વરદાયીની માતાની પલ્લી સાથે ત્રણ જેટલી દંતકથાઓ જોડાયેલી છે. વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાના કહેવા પ્રમાણે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્ર, પિતાની આજ્ઞા પાળવા વનમાં ગયા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શ્રૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતામાતા સહિત શ્રી વરદાયીની માતાજીના દર્શન કરી પુજા અર્ચના કરી પ્રાર્થના કરતાં શ્રી વરદાયીની માતાજીયે પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામચંદ્રને આશીર્વાદ આપી શક્તિ નામનુ એક અમોધ દિવ્ય અસ્ત્ર આપ્યુ. લંકાના યુદ્ધમાં ભગવાન શ્રી રામચંદ્ર આજ બાણથી અજેય રાવણનો વધ કર્યો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link