દક્ષિણ ગુજરાતનું ચમત્કારિક ગણપતિ મંદિર, જ્યાં બાદશાહ ઔરંગઝેબે પણ ઘૂંટણિયે પડીને માફી માંગી હતી

Sat, 07 Sep 2024-1:16 pm,

પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણપતિના અનેક ચમત્કાર પુરાણોમાં લખ્યા છે. ઘણી જગ્યાએ વિઘ્નહર્તા સ્વયંભૂ બિરાજમાન થયા છે. ત્યારે ઇતિહાસમાં પણ એકદંતના અનેક ચમત્કારોના પુરાવાઓ આજે પણ જોવા મળે છે. નવસારીના સુપા પરગણામાં આવતા સિસોદ્રા ગામે ભગવાન શ્રી ગણેશનું નાનુ પૌરાણિક મંદિર હતુ. હજારો લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી હતી. 

1662 પૂર્વે મોગલ શાસનકાળમાં ક્રૂર સમ્રાટ ઔરંગઝેબ જ્યારે હિન્દુ મંદિરોને તોડી રહ્યો હતો. ત્યારે ઔરંગઝેબની સેના સુરતથી નવસારીના આ ગણેશ મંદિરને તોડવા પહોંચી હતી. પરંતુ સાક્ષાત વિઘ્નહર્તા જ બિરાજમાન હોય તો કોઈ શું કરી શકે. મંદિર નજીકમાં આવેલા વડમાંથી ઝુંડમાં નીકળેલા ભમરાઓ ઔરંગઝેબના સૈન્ય ઉપર તૂટી પડ્યા હતા. જેથી સેનાએ પરત ફરવું પડ્યું હતુ. 

બાદશાહ ઔરંગઝેબે જ્યારે મંદિરના ચમત્કારની વાત જાણી, તો પોતે ભગવાનના દર્શન કરવા પહોંચ્યો હતો અને અહીં માથું ઝુકાવી ભગવાન પાસે ક્ષમા માંગી હતી. સાથે જ બાદશાહે મંદિરના પૂજારીને 20 વીઘા જમીન દાન કરી હતી. જેના દસ્તાવેજ આજે પણ ગોસ્વામી પરિવાર પાસે છે. 

ગણેશ પુરાણમાં પણ ભગવાન શ્રી ગણેશના દર્શન કર્યા વિના એક ભક્ત ભોજન લેતો ન હતો. જ્યારે સંઘ નવસારીના સિસોદ્રા પાસે પહોંચ્યો, ત્યારે મોડી રાત થઈ હતી અને આસપાસ ગણપતિનું કોઈ મંદિર ન હતુ. કહેવાય છે કે ભક્તે ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન સ્વયંભૂ વડમાં પ્રગટ થયા અને પોતાના ભક્તને દર્શન આપ્યા હતા. વડમાં સ્વયંભૂ ગણેશજીની આકૃતિને કારણે આ ગામ ગણેશવડ સિસોદ્રા તરીકે પ્રસિદ્ધ થયુ. આજે પણ મંગળવાર, સંકટ ચોથ અને ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ભગવાન શ્રી વિઘ્નહર્તાના દર્શન કરવા ઉમટી પડે છે

નવસારીમાં ગણેશવડના ભગવાન શ્રી ગણેશજીના ચમત્કારને કારણે આ મંદિર દક્ષિણ ગુજરાત સહિત ભારતમાં પણ પ્રસિદ્ધ છે. અહીં દૂર દૂરથી લોકો મનોકામના લઈને આવે છે અને બાપ્પા તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. પુત્ર પ્રાપ્તિ, લગ્ન ન થવા, નોકરી, ઘરમાં શાંતિ જેવી અનેક માનતા લોકો બાપ્પા પાસે માની જાય છે અને એ પૂર્ણ થતા ભગવાન શ્રી વિઘ્નહર્તાના ચરણોમાં શિશ ઝુકાવી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ચૂકેલું આ ગણેશવડ મંદિર પૌરાણિક કાળથી અને ચમત્કાર બતાવી ચૂક્યું છે. હાલમાં જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ આ મંદિર નજીકથી પસાર થવાની સંભાવના હતી, પરંતુ વિઘ્નહર્તાના આશીર્વાદથી આ પ્રોજેક્ટ મંદિરથી થોડી દૂર સાકાર થયો છે. ત્યારે ગણેશ ઉત્સવમાં આ અલૌકિક અને ચમત્કારિક ભગવાન શ્રી ગણપતિજીના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link