Pics : ગુજરાતની આ નવરાત્રિ વિશે પણ જાણવા જેવું છે, જ્યાં મહિલાઓને રમવા પર છે પ્રતિબંધ, પુરુષો જ કરે છે ગરબા
પાટણના સરસ્વતી તાલુકાના ધનાસરા ગામે પ્રાચીન ગરબાની પરંપરા આજે પણ યથાવત છે. ગ્રામજનોએ પ્રાચીન એવા ઓટી ગરબાની પરંપરા યથાવત રાખી છે. આજે પણ ગામઠી વેશ ભૂષામાં માતાજીના ગરબે ઘૂમે છે. આ ગરબામાં ન કોઈ મ્યુઝિક સિસ્ટમ કે ન તો કોઈ લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય છે. ભક્તિમય માહોલમાં દેશી પદ્ધતિથી માતાજીની આરાધના થાય છે. આજના આધુનિક યુગમાં પ્રાચીન ગરબાનું મૂલ્ય ગ્રામ્ય વિસ્તારોમાં જળવાઈ રહ્યું છે તે આ ગરબા સૂચવે છે.
બનાસકાંઠાના સરહદી ગામડાઓમાં થતી નવરાત્રિ કંઈક ખાસ હોય છે. અહી વસતા લોકો મોઢે માતાજીના ગરબા ગાય છે અને એ શબ્દોને ખેલૈયાઓ દોહરાવવામાં આવે છે. કોઈ પણ પ્રકારના આધુનિક ઉપકરણોના સંગીત વિના ફક્ત માઈક ઉપર ગાઈને રમતાં આ ગરબાની રોનક જોવા જેવી હોય છે. અહીના લોકો માત્ર મોઢેથી ઊંચા અવાજે માતાજીની ભક્તિના સ્વરૂપે ગરબા ગાતા હોય છે. ગામના એક અથવા બે મોભી કોઈ પણ સંગીત વગર મોઢેથી ગરબા ગાય છે અને તેમાં ભળે છે ખેલૈયાઓની તાળીઓનો નાદ. આમ, વાતાવરણમાં અનોખો જોશ પેદા થાય છે. બનાસકાંઠાના અનેક ગામોમાં યોજાતા આ ગરબામાં મહિલાઓને ગરબા રમવા પર પ્રતિબંધ છે. આજે પણ આ વિસ્તારના પુરુષ ખૈલયાઓ આપણા ભૂલતા જતા દેશી પ્રાચીન ગરબાને જાળવી રાખીને બેઠા છે.
દેવભૂમિ દ્વારકામાં 1874ના વર્ષથી શહેરના મુખ્ય એવા હોળી ચોકમાં દ્વારકાધીશ મંદિરના પૂજારીનો પહેરવેશ પહેરી માત્ર પુરુષો દ્વારા ગરબી રમવામાં આવે છે. માત્ર ઢોલ-નગારાના તાલે અને તે પણ માતાજીના દોહા-છંદ ગાઈને પારંપરિક ગરબી રમાડવામાં આવે છે. હોળી ચોકમાં ગુગલી બ્રાહ્મણો દ્વારા માત્ર ધોતી અને બંડી પહેરીને ગરબી રમાડવામાં આવે છે. આ ગરબીમાં બ્રાહ્મણો દ્વારા લાકડાની બનાવટની માંડવીમાં માતાજીના નવ સ્વરૂપોની આરતી ઉતારવામાં આવે છે. આજના સમયમાં પ્રાચીન માંડવીનું સ્થાન માતાજીના ફોટાએ લીધું છે, ત્યારે અહી જીવની જેમ સાચવેલી લાકડાની માંડવીમાં માતાજીના નવ સ્વરૂપોને બેસાડી તેમના વાહનો અને આયુધો સાથેની મૂર્તિઓ સ્વરૂપો માતાજીના ગુણગાન ગઈ આરતી ઉતારવામાં આવે છે. માત્ર હાથતાળી અને ઢોલનગારાના સાથે દ્વારકાધીશના સેવકો ગરબે રમે છે.
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલા કાલુપુરની રાજા મહેતાની પોળમાં અનોખી રીતે નવરાત્રિનું પર્વ મનાવવામાં આવે છે. શહેરનો સોંથી ગીચ વિસ્તાર એટલ કે કાલુપુર. કાલુપુરમાં આવેલી રાજા મેહતાની પોળમાં વર્ષોથી તોતડા માતાજીની પલ્લી નીકળવાના આવે છે. અહીં સ્થાનિક લોકોની માન્યતા છે કે તોતડા માતાની પલ્લી અને મંદિરમાં આજના દિવસે પૂજા આરાચના કરવાથી જે લોકો બોલી નથી શકતા કે તોતડા બોલે છે. તે અહીંયા આવી બાધા રાખે તો તેની બાધા પુરી થઈ જાય છે.