Photos: અનંત, આકાશ, ઈશા વિશે તો ખબર હશે, અમદાવાદમાં રહેતા ગૌતમ અદાણીના પુત્રો વિશે પણ ખાસ જાણો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હાલમાં જ જામનગર ખાતે પ્રી વેડિંગ સેલિબ્રેશન યોજાઈ ગયું જેમાં દેશ વિદેશની હસ્તીઓ સામેલ થયા હતા. મુકેશ અંબાણી અને નીતા અંબાણીને બે પુત્ર અને એક પુત્રી છે. તેમના ત્રણેય બાળકો આકાશ, ઈશા અને અનંત વિશે સોશિયલ મીડિયામાં ચર્ચા થતી રહે છે. પરંતુ શું તમને ગૌતમ અદાણીના બાળકો વિશે ખબર છે ખરા?
જો તમને તેમના વિશે ખબર ન હોય તો એ તમારી ભૂલ નથી કારણ કે ગૌતમ અદાણી અને તેમનો પરિવાર લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે જો કે લોકોને તેમની લાઈફસ્ટાઈલ અને તેના વિશે જાણવામાં ખુબ રસ હોય છે. લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરતા લોકો વિશે માહિતી ભેગી કરવી થોડી મુશ્કેલ બને છે પરંતુ આમ છતાં સોશિયલ મીડિયામાં જે પણ જાણકારી ઉપલબ્ધ છે તેના દ્વારા અમે તે રજૂ કરવાની કોશિશ કરી છે.
પ્રીતિ અદાણી હાલ અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન છે. તેઓ એક બિઝનેસવુમન હોવાની સાથે સાથે સોશિયલ વર્ક પણ કરે છે. આ ઉપરાંત તેઓ એક ડોક્ટર (ડેન્ટીસ્ટ) છે. તેમનો જન્મ 1965માં મુંબઈમાં થયો હતો. ત્યારબાદ પરિવાર અમદાવાદ શિફ્ટ થયો. ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણીના લગ્ન 1 મે 1986ના રોજ થયા હતા. બંનેના અરેન્જ મેરેજ હતા. ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણીના બે પુત્ર છે. કરણ અદાણી અને જીત અદાણી. પતિને સાથ આપવા માટે તેમણે ડેન્ટિસ્ટની કરિયર છોડી હતી. અનેક અવસરે ગૌતમ અદાણીએ પ્રીતિ અદાણીના સમર્થન અને સાથની પ્રશંસા પણ કરી છે.
ગૌતમ અદાણીના મોટા પુત્રનું નામ કરણ અદાણી છે. જેમનો જન્મ 7 એપ્રિલ 1987ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે પડ્યૂ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. અમેરિકાથી ઈકોનોમિક્સની ડિગ્રી લીધી છે. કરણ અદાણી અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડ લિમિટેડ (APSEZ) ના મેનેજિંગ ડાઈરેક્ટર પદે છે.
2009માં મુદ્રા પોર્ટથી કરણ અદાણીએ અદાણી સમૂહમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2016માં તેઓ સીઈઓ બન્યા ત્યારબાદ અદાણી પોર્ટ્સના પોર્ટફોલિયોમાં જબરદસ્ત વિસ્તાર થયો. અદાણી પોર્ટ ઉપરાંત કરણ અંબુજા સીમેન્ટ્સ માટે એક બિનકાર્યકારી નિદેશક તરીકે પણ કામ કરે છે. તેમણે અદાણી ગ્રુપના એરપોર્ટ પ્રોજેક્ટમાં પણ કામ કર્યું છે. ફાઈનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ મુજબ કરણ અદાણીની કુલ સંપત્તિ લગભગ 1.2 બિલિયન ડોલર આંકવામાં આવી છે.
કરણ અદાણીના પત્નીનું નામ પરિધિ અદાણી છે. પરિધિ એક વકીલ છે. કરણ અદાણી અને પરિધિ શ્રોફના લગ્ન વર્ષ 2013માં થયા હતા. 2016માં એક પુત્રીનો જન્મ થયો જેનું નામ અનુરાધા છે. આ કપલ પરિવાર સાથે અમદાવાદમાં રહે છે. કરણ અદાણી હાલમાં ગૌતમ અદાણીનો મોટાબાગનો બિઝનેસ સંભાળી રહ્યો છે.
ગૌતમ અદાણીના નાના પુત્રનું નામ જીત અદાણી છે. મોટા ભાઈ કરણ અદાણીની જેમ જ અદાણી સમૂહમાં મોટી જવાબદારી નિભાવે છે. જીત કરણથી 10 વર્ષ નાનો છે. જીતનો જન્મ 7 નવેમ્બર 1997ના રોજ ગુજરાતમાં થયો હતો. જીતે યુનિવર્સિટી ઓફ પેનસિલવેનિયા સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઈડ સાયન્સિસથી સ્નાતક કર્યુ છે. ત્યારબાદ તેઓ 2019માં અદાણી ગ્રુપમાં જોડાઈ ગયા. તેમણે કેપિટલ માર્કેટ્સ, રિસ્ક એન્ડ ગવર્નન્સ પોલીસી અને સ્ટ્રેટેજિક ફાઈનાન્સનો અભ્યાસ કરતા ગ્રુપ સીએફઓના કાર્યાલયમાં પોતાની કરિયર શરૂ કરી હતી.
હાલ જીત અદાણી ડિજિટલ લેબ્સના ડાઈરેક્ટર ગ્રુપ ફાઈનાન્સના વાઈસ પ્રેસિડેન્ટ બંને રીતે કાર્યરત છે. 26 એપ્રિલ 2022ના રોજ તેમણે ટ્વિટર પર એક તસવીર પણ શેર કરી હતી. જેમાં તેઓ વિમાન ઉડાવતા જોઈ શકાય છે. કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ તેમને ગિટાર વગાડવાનો અને સુપરકારોનો પણ શોખ છે.
12 માર્ચ 2023ના રોજ જીતે અમદાવાદના હીરા વેપારી જૈમિન શાહના પુત્રી દીવા શાહ સાથે સગાઈ કરી. એવું માનવામાં આવે છે કે તેઓ આ વર્ષે જ લગ્નના બંધનમાં બંધાશે. જીત અનેક રક્તદાન કાર્યક્રમો સાથે પણ જોડાયેલા રહે છે. અબજો ડોલરનો કારોબાર ચલાવવા ઉપરાંત જીતને ગિટાર વગાડવાનો અને સ્પોર્ટી વ્હીકલ્સનો પણ શોખ છે. વિમાન ઉડાવવાનો પણ શોખ છે.