PICS: રાજકારણમાં ડંકો વગાડતી આ 11 ગ્લેમરસ મહિલા રાજનેતાઓ વિશે ખાસ જાણો
નુસરત જહા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ છે. નુસરત જહાં બંગાળી ફિલ્મોના જાણીતા અભિનેત્રીમાં ગણાય છે. તેમણે 2011માં રાજ ચક્રવર્તીની ફિલ્મ શોટ્ટુથી ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેમણે અનેક સુપરહિટ ફિલ્મો કરી. વર્ષ 2019માં રાજકારણમાં ડગ માંડ્યા અને મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીની ટિકિટથી બશીરહાટથી ચૂંટણી લડી. જેમાં તેમને જીત પણ મળી. ચૂંટણી જીત્યા બાદ તેમણે બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કરી લીધા.
ટીએમસી નેતા મિમી ચક્રવર્તી પણ રાજકારણમાં આવતા પહેલા ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા હતા. મુખ્યત્વે બંગાળી ફિલ્મોમાં કામ કરે છે. તેમણે 2019માં ટીએમસીના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઝંપ લવ્યું અને જાદવપુર બેઠકથી ચૂંટણી જીતીને સાંસદ બન્યા.
સાયોની ઘોષે ફેબ્રુઆરી 2021માં ટીએમસી જોઈન કરી છે. પાર્ટીએ તેમને આસનસોલથી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. સાયોની ઘોષ બંગાળી ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય માટે જાણીતા છે. તેમણે ક્યારેય વિચાર્યું પણ નહતું કે તેઓ અભિનેત્રી બનશે. જો કે તેમને ફિલ્મોમાં કામ કરવું તો બાળપણથી જ પસંદ હતું. તેઓ સ્પોર્ટ્સમાં ખુબ સારા હતાં તેઓ ઈન્ટર લેવલ સુધી ટેબલ ટેનિસ રમ્યા અને ચેમ્પિયન પણ રહી ચૂક્યા છે.
લવલી મોઈત્રાએ હાલમાં જ ટીએમસી જોઈન કરી છે. પાર્ટીએ તેમને વિધાનસભા ચૂંટણી માટે દક્ષિણ 24 પરગણાના સોનારપુર દક્ષિણથી ઉમેદવાર બનાવ્યા છે. લવલી મોઈત્રાના પતિ સૌમ્ય રોય IPS છે. લવલી મોઈત્રા તામિલ અને તેલુગુ ફિલ્મો તથા સિરિયલ્સમાં કામ કરી ચૂક્યા છે. ત્યારબાદ તેઓ બંગાળી સિનેમામાં આવ્યા. જોલનુપુર, અને મોહોરમાં દમદાર અભિનયથી ખાસ ઓળખ બનાવી.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021માં જ TMC એ અભિનેત્રી કૌશાની મુખર્જીને પણ ટિકિટ આપી છે. કૌશાની મુખર્જીને પાર્ટીએ કૃષ્ણાનગરથી ઉમેદવાર બનાવ્યા છે. મળતી માહિતી મુજબ કૌશાનીના બોયફ્રેન્ડ બોની ભાજપના સભ્ય છે. કૌશાની મુખર્જી અનેક સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યા છે. પોતાના અભિનયના કારણે તેમને અનેક એવોર્ડ પણ મળ્યા છે. ફિલ્મી દુનિયામાં આવતા પહેલા કૌશાની એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા હતા.
બંગાળી ફિલ્મોમાં કામ કરતી સાયંતિકા બેનર્જીએ પણ હાલમાં જ ટીએમસી જોઈન કરી હતી. કોલકાતામાં રહેતી સાયંતિકા કોમર્સમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર્સની ડિગ્રી મેળવી ચૂકી છે. તેણે પોતાની 11 વર્ષની ફિલ્મી કરિયરમાં 18 ફિલ્મોમાં કામ કર્યું છે. હાલ ટીએમસીએ તેને બાંકુરા વિધાનસભા બેઠકથી ઉમેદવાર બનાવી છે.
ફિલ્મી દુનિયામાં રામ્યાના નામથી ઓળખાતા સાઉથ ઈન્ડિયન અભિનેત્રીનું અસલ નામ દિવ્યા સ્પંદના છે. દિવ્યા સ્પંદના કન્નડ, તામિલ, તેલુગુ ફિલ્મોમાં પોતાના ઉત્કૃષ્ટ અભિનય માટે જાણીતા છે. તેમની પહેલી ફિલ્મ કન્નડ ફિલ્મ મુસન્જઈમાતુ હતી જે 2008માં રિલીઝ થઈ હતી. રાજકીય કારકિર્દીની વાત કરીએ તો રામ્યાએ વર્ષ 2013માં કોંગ્રેસ જોઈન કરી હતી અને કર્ણાટકમાં માંડ્યા પેટાચૂંટણી જીતી હતી. જો કે 2014માં થયેલી લોકસભા ચૂંટણીમાં તેમણે ખુબ જ ઓછા મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. 2017માં તેમણે કોંગ્રેસ સોશિયલ મીડિયા વિંગ અને ડિજિટલ ટીમની જવાબદારી સંભાળી હતી.
વર્ષ 2003માં ફિલ્મ ધૂપથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર પૂર્વ બ્યુટી ક્વિન ગુલ પનાગ પણ ઉત્તમ અભિનેત્રી સાથે સાથે રાજનેતા પણ છે. તેમણએ 2014માં લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટિકિટથી ચંડીગઢથી ચૂંટણી લડી હતી. આ અગાઉ તેમણે 1999માં મિસ ઈન્ડિયા, અને મિસ બ્યુટીફૂલનો ખિતાબ પણ મેળવ્યો હતો. ત્યારબાદ મિસ યુનિવર્સમાં ભાગ લીધો હતો. જો કે તેઓ આ સ્પર્ધામાં બહુ આગળ વધી શક્યા નહતા.
મુંબઈમાં જન્મેલા નવનીત કૌરે 12મા ધોરણ બાદ અભ્યાસ છોડીને મોડેલિંગ શરૂ કરી દીધુ હતું. તેઓ તેલુગુ ફિલ્મો ઉપરાંત કન્નડ, મલ્યાલમ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. નવનીત કૌર મરાઠી, પંજાબી, તેલુગુ, હિન્દુ અને અંગ્રેજી બોલી શકે છે. 2011માં તેમણે અમરાવતીના બડનેરા વિધાનસભા ક્ષેત્રથી અપક્ષ ઉમેદવાર એમએલએ રવિ રાણા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેઓ પણ રાજકારણમાં કૂદી પડ્યા. 2014માં તેમણે એનસીપીની ટિકિટ પર ચૂંટણી લડી પરંતુ હારી ગયા. ચૂંટણીમાં હાર્યા છતાં હિંમત ન હાર્યા અને વર્ષ 2019માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને જીત્યા. નવનીતે શિવસેનાના દિગ્ગજ નેતા આનંદરાવ અડસૂલને હરાવ્યા હતાં.
ભાજપના નેતા અંગુર લતા ડેક મોડલ અને અભિનેત્રી પણ છે. તેમણે બંગાળી અને આસામની ફિલ્મોમાં પોતાની છાપ છોડી છે. 2016માં થયેલી આસામ ચૂંટણીમાં તેઓ બતદ્રોબથી મેદાનમાં ઉતર્યા હતા અને જીત્યા પણ હતા. અંગુરલતા ડેકાએ અસમીયા ફિલ્મ અભિનેતા અને થિયેટર આર્ટિસ્ટ આકાશદીપ સાથે લગ્ન કર્યા છે. બંનેએ અનેક ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે. અંગુરલતા આ વર્ષે લગ્નના બંધનમાં બંધાયા હતા.
વર્ષ 2009થી સતત જીત મેળવી રહેલા ટીએમસી નેતા શતાબ્દી રોય પણ રાજકારણમાં આવતા પહેલા ફિલ્મી દુનિયામાં હતા. એક અહેવાલ મુજબ તેમણે 1986માં ફિલ્મી કરિયર શરૂ કરી હતી. તેમણે હિન્દી અને ઓડિયા ફિલ્મોમાં પણ કામ કર્યું છે.