ગ્લોબલ વોર્મિંગઃ વિશ્વના બીજા ગ્લેશિયરનું નિધન, સ્વિટ્ઝરલેન્ડના લોકોએ યોજી અંતિમયાત્રા
ગ્લેશિયરના નિષ્ણાત મેથિયસ હ્યુસે જણાવ્યું કે, અહીં અત્યંત ઝડપથી ગ્લેશિયર ઓગળી રહ્યો છે. આ કારણે અમે પિઝોલ ગ્લેશિયરને અંતિમ વિદાય આપવા આવ્યા છીએ. અમારી સાથે લગભગ 250 લોકો છે, જે ગ્લેશિયરના અંતિમ સંસ્કાર અને અંતિમ વિધિમાં સામેલ થયા છે.
સ્વિટ્ઝરલેન્ડના ગ્લારૂસ આલ્પ્સના પિઝોલ ગ્લેશિયરનો 80 ટકા બરફ 2006માં જ ઓગળી ગયો હતો. 1987માં તેનું ક્ષેત્રફળ 3.20 લાખ ચોરસ કિમી હતું, જે હવે માત્ર 26 હજાર ચોરસ કિમી જ બચ્યું છે.
ગ્લેશિયરના વૈજ્ઞાનિક એલેસેન્ડ્રા ડેગિઆકોમી અનુસાર વૈજ્ઞાનિકોના દૃષ્ટિકોણથી હવે પિઝોલમાં ગ્લેશિયર જેવું કશું બચ્યું નથી. તેની અંતિમ વિધિ કર્યા પછી આ ગ્લેશિયરને મૃત જાહેર કરી દેવાયો છે. વૈજ્ઞાનિકો 1983થી આ ગ્લેશિયર પર નજર રાખી રહ્યા હતા.
મેથિયસે જણાવ્યું કે, તેઓ પિઝોલ શિખર પર અનેક વખત પર્વતારોણ માટે આવી ગયા છે. આ એક સારા મિત્રના મૃત્યુ જેવું છે. હવે અમે તો તેને બચાવી શકીએ એમ નથી, પરંતુ એ તમામ બાબતો કરી શકીએ છીએ, જે કરવી જોઈએ. ભવિષ્યમાં આપણે પોતાનાં બાળકોને એવું જણાવી શકીશું કે, 100 વર્ષ પહેલા અહીં ગ્લેશિયર હતો.
વિશ્વમાં હિમાલય પછી આલ્પ્સની પર્વતમાળા સૌથી લાંબી અને વિશાળ છે. એક અભ્યાસ અનુસાર વર્ષ 2050 સુધીમાં આલ્પ્સ પર્વતમાળાના 4000 ગ્લેશિયરનો અડધો બરફ ઓગળી જશે. આગામી સદી સુધી આ પર્વતમાળાનો બે-તૃતિયાંશ ભાગ નાશ પામી શકે છે.
એક અભ્યાસ મુજબ આલ્પ્સની પર્વતમાળામાં આવેલા ગ્લેશિયરના ઘણા બધા ફાયદા છે. તે સીધા જીવસૃષ્ટિ અને અર્થતંત્ર સાથે સંકળાયેલા છે. અભ્યાસ જણાવે છે કે, ગ્લેશિયર પાણીનાં મુખ્ય સ્રોત છે, ખાસ કરીને ગરમ અને સુકા દિવસોમાં.
23 ઓગસ્ટ, 2019 સોમવારના રોજ સંયુક્ત રાષ્ટ્રો દ્વારા જળવાયુ પરિવર્તન સમિટનું ન્યૂયોર્ક ખાતે આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર વિશ્વના દેશોનાં વડાઓએ હાજરી આપી હતી અને જળવાયુ સંરક્ષણ પ્રત્યે પોત-પોતાની રીતે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સંમેલનમાં વિશ્વની સૌથી નાની 16 વર્ષની પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટાએ પણ ભાષણ આપ્યું હતું. તેણે વિશ્વના નેતાઓને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે, તમે લોકોએ અમારા બાળકોનું ભવિષ્ય નષ્ટ કરી નાખ્યું છે. અમે બાળકો તમને કદી માફ નહીં કરીએ.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં આઈસલેન્ડમાં 'ઓજોકુલ ગ્લેશિયર'ની પ્રતિકાત્મક અંતિમવિધિ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં આઈસલેન્ડના વડાપ્રધાન કેટરીન જકોબસ્ડોટિર, સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકારના કમિશનર મેરિ રોબિનસન, સંશોધકો, વિદ્યાર્થીઓ અને દેશના નાગરિકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન કેટરીને જણાવ્યું કે, "તેમને આશા છે કે, આ અંતિમવિધિ માત્ર આઈસલેન્ડના લોકો જ નહીં, પરંતુ સમગ્ર દુનિયા માટે પ્રેરક હશે, કેમ કે આપણે અહીં જે જોઈ રહ્યા છીએ તે જળવાયુ પરિવર્તનનો માત્ર એક ચહેરો છે." ઓજોકુલ ગ્લેશિયરના ગાયબ થઈ જવાની યાદમાં એક પથ્થર પર જે તક્તી લગાવી હતી તેના પર લખ્યું હતું "ભવિષ્યને પત્ર- A letter to the Future". તક્તી પર વધુમાં લખ્યું છે કે, "આગામી 200 વર્ષમાં અમારા તમામ ગ્લેશિયર ઓજોકુલના માર્ગે જ જવાના છે. આ તક્તી સાથે અમે સ્વીકારીએ છીએ કે શું થઈ રહ્યું છે અને હવે અમારે શું કરવાની જરૂર છે."