ગુજરાતની આજની સ્થિતિ મહાભયંકર! ટંકારામાં 14 ઈંચ, નડિયાદમાં 13 ઈંચ, તો આણંદમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં ૧૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
રાજ્યના ચરોતર વિસ્તાર એટલે કે, સમગ્ર આણંદ જિલ્લામાં પણ ગત ૨૪ કલાકમાં રાજ્યનો સૌથી વધુ ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ પંચમહાલ જિલ્લામાં ૯ ઈંચથી વધુ, જ્યારે, ખેડા અને મોરબી જિલ્લામાં ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીમાં રાજકોટના લોધિકા અને રાજકોટ તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચ વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં આણંદના બોરસદ, ખંભાત, તારાપુર અને આણંદ તાલુકામાં, વડોદરાના પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં ૧૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે જ આણંદના સોજીત્રા અને પેટલાદ, કચ્છના માંડવી અને નખત્રાણા, ખેડાના વાસો, મહીસાગરના બાલાસિનોર તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકા ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકામાં ૯ ઈંચથી વધુ વરસાદ થયો છે.
વધુમાં, ખેડાના ગળતેશ્વર, મહુધા અને મહેમદાવાદ તાલુકા સહિત જામનગરના કાલાવડ, પંચમહાલના શહેરા, મહીસાગરના સંતરામપુર, અરવલ્લીના મેઘરજ તેમજ અમદાવાદના ધોળકા તાલુકામાં ૮ ઇંચ વરસાદ સાથે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે.
આ ઉપરાંત રાજ્યના ૧૧ તાલુકામાં ૭ ઈંચથી વધુ, અન્ય ૧૧ તાલુકામાં ૬ ઈંચથી વધુ, ૧૬ તાલુકામાં ૫ ઈંચથી વધુ, ૨૫ તાલુકામાં ૪ ઈંચથી વધુ, ૪૦ તાલુકામાં ૩ ઈંચથી વધુ, ૩૭ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ૩૫ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ ૪૮ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાજ્યના કુલ ૨૫૧ તાલુકામાં સરેરાશ ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૨૭મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૯.૬૬ ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૧૬ ટકાથી વધુ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ૧૦૮ ટકાથી વધુ તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૦૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૯૮ ટકાથી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં ૮૦ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.