Pic : વડોદરાના કલાકારે બનાવેલી સોના-હીરા જડિત ગીતાની કિંમત છે અધધધ
સંસ્કારીનગરી અને કલાનગરી તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત વડોદરા એ કલાકારોની નગરી પણ કહેવાય છે. શહેરના પૃષ્ટિમાર્ગીય ઇન્ટિરિયર ડિઝાઇનરે દેશનું સૌપ્રથમ હીરા જડિત અને 24 કેરેટ સોનાથી કિંમતી કહેવાય એવો ધાર્મિક ગ્રંથ બનાવ્યો છે. જી હાં, વડોદરાના ઇન્ટિરિયર ડિઝાઇનર વ્રજેશ શાહે કિંમતી તથા અનોખી શ્રીમદ્ ભગવદ્ ગીતા બનાવી છે. આ ગીતાના ગ્રંથને બનાવવા માટે તેઓએ તેમના અન્ય સાથીદારોની મદદ પણ લીધી છે. વ્રજેશ શાહ દ્વારા બનાવવામાં આવેલ આ ગીતા બહુ કિંમતી છે. તેમણે આવી 1000 નંગ ભગવત ગીતા બનાવી છે. આ સમગ્રે પ્રોજેક્ટ માટે 22 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. વ્રજેશ શાહ દ્વારા બનાવવા આવેલ ગીતા ગ્રંથમાં ઓસ્ટ્રેલિયાથી ખાસ મંગાવેલ 50 નંગ અતિકિંમતી હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રંથ માટેનું બુક માર્કર 24 કેરેટ સોનામાંથી બનાવવામાં આવ્યું છે. ગ્રંથના તમામ પાંનાઓને સોનાની વરખ પણ ચઢાવવામાં આવી છે. આ ગીતા ગ્રંથને વર્ષો સુધી કોઈ પણ પ્રકારની ઉધઇ ન લાગે, ગ્રંથના પાનાં પીળા ન પડે કે, ન તો તેને ભેજ લાગે તે માટે ખાસ પેપર જર્મનીથી મંગાવવામાં આવ્યું હતું. ગ્રંથને બનાવવામાં જે ઇન્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે જાપાનથી મંગાવવામાં આવી હતી. આ ગ્રંથ પવિત્ર હોવાને કારણે તેનું બાઇન્ડિંગ પણ વેજિટેબલ ગ્લુની મદદથી કરવામાં આવ્યું છે. એક ભગવદ્ ગીતાની કિંમત 38000 આંકવામાં આવી છે.
સોના હીરા જડિત ગ્રંથમાં 150 જેટલા કૃષ્ણ અને ગીતાની આધ્યાત્મિક વાતોનું વર્ણન કરતા ચિત્રો બનાવવામાં આવ્યા છે. સમગ્ર ગ્રંથને કુલ 450 જેટલા પાનાંમાં બનાવવામાં આવ્યો છે, તો વળી આ ગ્રંથને હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત એમ ત્રણ ભાષામાં અનુવાદિત કરવામાં આવ્યો છે. ગ્રંથનું કુલ વજન 16 કિલો જેટલું હોવાથી તેનું અધ્યયન કરનાર ભાવિક સરળતાથી ગ્રંથને વાંચી શકે તે માટે મેલામાઇનનું રિવોલવિંગ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યું છે.
વર્ષ 2013માં આ પ્રોજેકટ શરૂ કરાયો હતો, જેના બાદ પ્રથમમ કોપી વર્ષ 2018માં બેંગ્લોર ખાતે ભાજપા પાર્ટીના એક અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ગીતા ગ્રંથની ભેટ આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટને તૈયાર કરવામાં વ્રજેશ શાહ અને તેમના સાથીદારોને સાત વર્ષ જેટલો સમય લાગ્યો હતો. મહત્વનું છે કે, ભારતમાં આ ગ્રંથ ખરીદનારને ગ્રંથ 38 હજારમાં મળી શકશે. 38 હજારમાં જે ગીતા મળશે તે આ ગ્રંથની સેકન્ડ કોપી હશે. મતલબ તેનું વજન એટલું જ હશે, તેમાં પણ હીરા કે ગોલ્ડથી બનાવેલ બુક માર્કર નહિ હોય. ઉલ્લેખનીય છે કે, વ્રજેશ શાહની કલાના કદરદાનોમાં દેશના મોટા ઉદ્યોગપતિ અંબાણી પરિવારનું નામ પણ સામેલ છે. અંબાણી હાઉસમાં વ્રજેશ શાહે બનાવેલ પૃષ્ટિમાર્ગીય ઘણા ચિત્રો છે.