સરકારી યોજના બની સંજીવની : બચી ગયું બૂટપોલિશ કરનારા વાલજીભાઈનું જીવન

Wed, 12 Apr 2023-9:56 am,

રાજકોટના જ્યુબિલી વિસ્તારમાં રસ્તાના કિનારે બેસીને બુટપોલિશ તથા બૂટ-ચપ્પલ રીપેરીંગનું કામ કરતા વાલજીભાઈ દેવશીભાઈ થારૂને ૫૭ વર્ષે હાર્ટએટેક આવ્યો. તાત્કાલિક બાયપાસ સર્જરી કરવી પડશે, તેવું નિદાન થયું. ઘરની સ્થિતિ સામાન્ય એટલે બાયપાસ સર્જરી માટે લાખો રૂપિયા ક્યાંથી કાઢવા? તે પ્રશ્ન ઊભો હતો. પણ આ પરિવાર પાસે આયુષ્માન કાર્ડ હતું. એટલે પરિવારના સભ્યોએ ખર્ચની કોઈ જ ચિંતા વિના વાલજીભાઈને તાત્કાલિક રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. જ્યાં તેમની બાયપાસ સર્જરી સફળતાપૂર્વક થઈ. પાંચ દિવસ તેઓ આઈ.સી.યુ.માં રહ્યા. હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ લેતી વખતે ઘરે જવા માટે તેમને ભાડાના રૂપિયા ૩૦૦ પણ આયુષ્માન કાર્ડ મારફતે મળ્યા. હાલ વાલજીભાઈ સ્વસ્થ છે. રોજ સવારે પોતાના સરસામાન સાથે કામે જવા નીકળે છે અને આખો દિવસ સ્ફૂર્તિ સાથે કામ કરે છે. 

“સાથ, સહકાર અને સેવા”ની ભાવના સાથે કામ કરતી ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હાલમાં સુશાસનના ૧૦૦ દિવસ પૂર્ણ કર્યા છે. આ દરમિયાન આરોગ્યક્ષેત્રે ગુજરાતમાં લોકોને કેટલી ત્વરિત અને અસરકારક આરોગ્ય સેવાઓ-સારવાર મળી રહી છે, તેનું ઉદાહરણ રાજકોટના વાલજીભાઈ થારૂ છે.

વાલજીભાઈ થારૂ રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહે છે. તેઓ બૂટપોલિશ, બુટ-ચપ્પલ રીપેરીંગ તથા અન્ય નાના-મોટા સમારકામ કરીને કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની છે, એક દીકરો છૂટક મજૂરી કરી છે જ્યારે બીજો દીકરો ખાનગી નોકરી કરે છે. બંને દીકરા પરીણિત છે.   

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે આયુષ્માન ભારત યોજના લોન્ચ કરી, ત્યારે વાલજીભાઈએ પણ આયુષ્માન કાર્ડ કઢાવેલું. જો કે તેમને સપનેય ખ્યાલ ન હતો કે, આ કાર્ડ ઈમરજન્સીમાં તેમની સર્જરી માટે મોટો સહારો બનશે. વાલજીભાઈને ડીસેમ્બર-૨૦૨૨માં હાર્ટએટેક આવ્યો હતો અને તેમને તત્કાલ બાયપાસ સર્જરી કરાવવાની જરૂર પડી હતી. ૩૦મી ડિસેમ્બરે તેમને રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ૩૧મી ડિસેમ્બરે તેમના પર કાર્ડિયો થોરાસિસ વાસ્ક્યુલર સર્જરી (બાયપાસ સર્જરી) પણ થઈ ગઈ! આ સર્જરીના રૂપિયા ૧,૧૮,૦૦૦ આયુષ્માન કાર્ડમાંથી ચુકવાયા હતા.  

પિતાની સર્જરીના અનુભવ અંગે પુત્ર પ્રેમ થારુ કહે છે કે, “જો અમારી પાસે આયુષ્માન કાર્ડ ના હોત તો અમે આટલી જલ્દી, આટલી સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં મારા પપ્પાના હૃદયની બાયપાસ સર્જરી ના કરાવી શક્યા હોત. સરકારની આ યોજના ગરીબ અને મધ્યમવર્ગ માટે ખૂબ જ ફાયદાકારક છે અને અમારી અપીલ છે કે વધુમાં વધુ લોકો આનો લાભ લે.”  

વાલજીભાઈનાં પત્ની ભાનુબહેન કહે છે કે, “એ થોડા સમયથી બીમાર રહેતા હતા. હૃદયની તકલીફ હતી. હાર્ટએટેક આવ્યા પછી તાત્કાલિક બાયપાસ ઓપરેશન કરવું પડે તેમ હતું. પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશન કરાવી શકીએ એટલા રૂપિયા તો ઘરમાં ક્યાંથી હોય?. પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર, કે તેમણે લાગુ કરેલી આયુષ્માન યોજનાનો લાભ અમને મળ્યો અને અમે એમનું(પતિ)નું તાત્કાલિક ઓપરેશન કરાવી શક્યા. આ યોજના ખૂબ જ સારી છે અને ગરીબો માટે તો આશીર્વાદરૂપ છે. અમે ગુજરાત સરકારનો અને વડાપ્રધાન મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કે તેઓ ગરીબોના કલ્યાણ માટે આવી સરસ યોજનાઓ લાવ્યા છે.”

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link