Scrappage Policy ની જાહેરાત, કોને થશે ફાયદો, કયારથી લાગુ થશે? તમામ વિગતો ખાસ જાણો
Scrappage Policy હેઠળ 15 વર્ષથી વધુની સરકારી અને ખાનગી ગાડીઓને સ્ક્રેપ કરવાની યોજના છે. 20 વર્ષથી જૂની પ્રાઈવેટ ગાડીઓ પણ સ્ક્રેપ કરાશે. જૂની ગાડીઓના Re-Registration પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે અને Automated Fitness Centre પર જૂની ગાડીઓની તપાસ થશે. આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ ગાડીઓની ફિટનેસ તપાસ કરાશે. Emission Test, બ્રેકિંગ સિસ્ટમ, સેફ્ટી કોમ્પોનન્ટ્સની તપાસ કરાશે અને ફિટનેસ ટેસ્ટમાં ફેલ થનારી ગાડીઓને સ્ક્રેપ કરવામાં આવશે.
Scrappage Policy થી વાહન માલિકોને ફાયદો પણ થશે. નીતિન ગડકરીએ બુધવારે લોકસભામાં જણાવ્યું કે Scrappage Policy હેઠળ નવી ગાડી ખરીદવા પર કુલ કિંમતમાં 4થી 6 ટકા છૂટ મળશે. આ ઉપરાંત નવા ખાનગી વાહનની ખરીદ પર રોડ ટેક્સમાં 25 ટકા સુધી અને નવા કમર્શિયલ વાહનની ખીદી પર 15 ટકા સુધીની છૂટ મળશે. Scrapping Certificate આપવા પર વાહન નિર્માતા પણ 5ટકા છૂટ આપશે અને નવા વાહનની ખરીદી પર રજિસ્ટ્રેશન ફી પણ આપવી પડશે નહીં.
ભારતમાં 51 લાખ હળવા મોટર વાહન છે જે 20 વર્ષથી વધુ જૂના છે અને 34 લાખ એવા છે જે 15 વર્ષથી વધુ જૂના છે. લગભગ 17 લાખ મીડિયમ અને હેવી કમર્શિયલ વ્હીકલ છે જે 15 વર્ષથી વધુ જૂના છે અને જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ વગર ચાલી રહ્યા છે. Scrap Policy એટલા માટે પણ જરૂરી છે કારણ કે જૂના વાહન ફિટ વાહનોની સરખામણીમાં 10થી 12 ગણા વધુ પ્રદૂષણ ફેલાવે છે અને રોડ સુરક્ષા માટે મોટું જોખમ છે.
Scrap Policy નો એક ફાયદો એ પણ છે કે સ્ક્રેપ મટિરિયલથી ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને સસ્તો કાચો માલ મળશે અને સસ્તા કાચા માલની મદદથી વાહન નિર્માતાઓનો ઉત્પાદન ખર્ચ ઓછો આવશે. સ્ક્રેપ પોલીસીથી ઓટોમોબાઈલ સેક્ટરમાં લગભગ 3 કરોડ 70 લાખ લોકોને રોજગારી મળશે. નવા ફિટનેસ સેન્ટર્સમાં 35 હજાર લોકોને રોજગારી મળશે અને 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ વધશે. સ્ક્રેપ પોલીસીથી સરકારી ખજાનાને GST દ્વારા લગભગ 30થી 40 હજાર કરોડ રૂપિયાની ધનરાશિ મળવાનો અંદાજ છે.
ફિટનેસ ટેસ્ટ અને સ્ક્રેપિંગ સેન્ટર બનાવવા માટેના નિયમ 1 ઓક્ટોબર 2021થી લાગુ થઈ જશે. 1 એપ્રિલ 2022થી 15 વર્ષથી વધુ જૂની સરકારી અને સાર્વજનિક ઉપક્રમોના વાહનોનું સ્ક્રેપિંગ શરૂ થશે. 1 એપ્રિલ 2023થી ભારે કમર્શિયલ વાહનો માટે ફિટનેસ ટેસ્ટ જરૂરી કરી દેવાશે અને 1 જૂન 2024થી અન્ય તમામ શ્રેણીઓના વાહનો માટે તબક્કાવાર રીતે ફિટનેસ ટેસ્ટને જરૂરી કરી દેવામાં આવશે.