ગુજરાતના આ ખેડૂતની ઓર્ગેનિક ખેતીની મહેનત સફળ થઈ, હવે બારેમાસ લાખોની કમાણી કરશે
સરગવો એક શાકભાજી છે, જે બારેમાસ ખવાય છે અને સગરવાના પાકમાં બારેમાસ ઉત્પાદન આવતું હોય છે. ખેડૂતોને ગુજરાતમાં સરગવાના 50 થી 100 રૂપિયા કિલોના ભાવ મળી રહે છે. જ્યારે ગુજરાત બહાર 150 થી 180 રૂપિયાનો ભાવ મળે છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પડવદર ગામના ભુપતભાઈ ડાભી ખેડૂત છે અને તેમની પાસે 50 વીઘા જમીન છે. તેઓ વર્ષોથી રાસાયણિક ખેતી કરી રહ્યા છે. જેમાં કપાસ સહિત અન્ય પાકોનું વાવેતર કરતા હતા. ત્યારે તેઓને કંઈક અલગ કરવાની ઈચ્છા થઈ. જેથી તેમણે ગુજરાત તેમજ અન્ય રાજ્યમાં જઈને ખેતીમાં સંશોધન કર્યું. બીજા ખેડૂતો પાસે જઈને માહિતી મેળવી.
ત્યારબાદ આ વર્ષે તેઓએ ઓર્ગેનિક ખેતી કરવાનું વિચાર્યું અને પોતાના ખેતરમાં બારમાસી સરગવાની ખેતી શરૂ કરી. જેમાં પોતાના 7 વીઘા ખેતરમાં સરગવાનું વાવેતર કર્યું છે. આ સરગવાનું સંપૂર્ણ ઓર્ગેનિક થકી વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં દવા તેમજ ખાતરની ઓછી જરૂર પડે છે અને ઓછી મહેનતે વધુ નફો મળે છે.
હાલ તેઓ સરગવાની ખેતી કરી આગામી દિવસોમાં સારી એવી કમાણી કરશે. ભુપતભાઈ જણાવે છે કે, ગુજરાતમાં સરગવાના કિલો દીઠ ભાવ 50-100 રૂપિયા મળી રહ્યા છે અને આજ સરગવાને તેઓ ગુજરાતમાંથી અન્ય રાજ્યો એટલે કે બેંગ્લોર, છત્તીસગઢ મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં એક્સપોર્ટ કરે તો ત્યાં તેમને 150 રૂપિયાથી વધુ ભાવ મળી શકે તેમ છે.
બોટાદ જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે અને વધુ પ્રમાણમાં ખેડૂતો કપાસ, મગફળી,જુવાર,બાજરી જેવા પાકોનું વાવેતર કરી રહ્યાં છે. જેમાં બિયારણ, ખાતર, દવાનું વધુ પ્રમાણમાં ખર્ચ થતો હોય છે અને સાથે ઉપજ ઓછી આવતી હોય છે. ત્યારે જિલ્લાના ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે અને અન્ય ખેતી તરફ વળ્યા છે. ખેડૂતો રક્ત ચંદન, કેસર, સીતાફળ જેવા અન્ય પાકોની ખેતી તરફ વળ્યાં છે.
હાલ ગઢડા તાલુકાના પડવદર ગામના ખેડૂતે ઓર્ગેનિક બારમાસી સરગવાની ખેતી કરીને નવો ચીલો ચાતર્યો છે. તેને જોવા અન્ય ખેડૂતો પણ ભુપતભાઈની વાડીએ આવી રહ્યાં છે. ભુપતભાઇ પાસેથી પ્રેરણા લઈને ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે.