દાદાનો વધુ એક સાદગીભર્યો અંદાજ : કામદારોને ભોજન પીરસ્યું, સાથે બેસીને જમ્યા પણ

Fri, 10 Nov 2023-1:23 pm,

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ નજીકના કડિયાનાકા પર નવા શ્રમિક ભોજન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શુભારંભ પ્રસંગે તેમની સાથે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત તેમજ શ્રમ અને રોજગાર અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શ્રમિકોને ભાવથી ભોજન પીરસવામાં આવ્યું હતું. તેમની સાથે મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ડૉ. અંજુ શર્માએ પણ શ્રમિકોને ભોજન પીરસ્યું હતું.  

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ડો. અંજુ શર્માએ શ્રમિકો સાથે બેસીને ભોજન લીધું હતું અને તેમની સાથે મુલાકાત કરી વાર્તાલાપ કર્યો હતો. મુખ્યમંત્રીએ ધનવંતરિ રથ તેમજ તેના અધિકારીશ્રીઓ સાથે મુલાકાત કરીને માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીશ્રીઓ પોલીસ કર્મીઓ તેમજ ૧૯૦થી વધુ શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની 'શ્રમિક અન્નપૂર્ણા યોજના'  હેઠળ અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, ખેડા, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, વડોદરા અને વલસાડ એમ કુલ-૧૭ જિલ્લાઓ ખાતે આવેલા કુલ ૧૫૫ કડિયાનાકા ઉપર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.   

આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર ૫૦થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને ડોર સ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

ગુજરાત રાજ્યના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર બાંધકામ શ્રમિક ભાઈ-બહેનોને ખૂબ જ ઓછા દરે પૌષ્ટિક આહાર મળી રહે તે માટે ગુજરાત મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના કાર્યરત છે. બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને પ્રતિ વ્યક્તિ ફક્ત રૂ. ૫/-માં ભોજન પૂરું પાડવાની શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારીને રાજ્ય સરકારે શ્રમિકોના હિતની ખાતરી પૂરી પાડી છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link