ફરી એકવાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, જાન્યુઆરી મહિનામાં છે અંબાલાલની ઘાતક આગાહી!
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પાંચમહલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 8 ડીગ્રી જેટલું રહેશે. વલસાડ અને જામનગરના ભાગોમાં ઠંડી પડવાની શકયતા રહેશે. કચ્છ, નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘણું ઘટી શકવાની સંભાવના રહેશે. ઉત્તરાયણના દિવસે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ કચ્છ, પંચમહાલના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે. બીજી તરફ ઉત્તરના પર્વતીય પ્રદેશો પરથી એક પછી એક પશ્ચિમી વિક્ષોપ પસાર થઈ રહ્યા છે. જેના પરિણામે રાજસ્થાનના ઉત્તર-મધ્ય ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે.
આ સર્ક્યુલેશનને બંગાળની ખાડી તરફથી પુરતો ભેજ મળતા તે મજબૂત બન્યું છે. જેથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ હતી. 28 ડિસેમ્બર સુધીમાં ગુજરાત માવઠારૂપી મુસિબતમાંથી મુક્ત થઈ જશે. જેના બીજા દિવસ એટલે કે 29 ડિસેમ્બરથી રાબેતા મુજબ ઠંડીનું જોર વધવાથી શિયાળો જામશે.
દેશનું હવામાન ફરી એકવાર બદલાવા જઈ રહ્યું છે. જે જાન્યુઆરીમાં લોકોની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે 4 જાન્યુઆરીથી ઉત્તર ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જે હિમાલયના પ્રદેશો અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદનું કારણ બની શકે છે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં પણ વધારો જોવા મળી શકે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 2-3 દિવસ સુધી ગાઢ થી અત્યંત ગાઢ ધુમ્મસ અને "ઠંડા દિવસની સ્થિતિ" યથાવત રહેવાની શક્યતા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ એક હવામાનશાસ્ત્રીય ઘટના છે જે ભૂમધ્ય સમુદ્રમાંથી આવતા ભેજ-સમૃદ્ધ પવનોને કારણે થાય છે. તે ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં શિયાળા દરમિયાન હિમવર્ષા અને વરસાદનું કારણ બને છે. 1 થી 3 જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષા અને હળવો વરસાદ થઈ શકે છે. 4 અને 5 જાન્યુઆરીએ વ્યાપક વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લઘુત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
IMD એ આગાહી કરી છે કે આગામી બે-ત્રણ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં દિવસ દરમિયાન ઠંડી અને ગાઢ ધુમ્મસની સંભાવના છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં હજુ પણ કોલ્ડવેવની સ્થિતિ યથાવત છે. હવામાનશાસ્ત્રીઓના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મુખ્યત્વે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં જોવા મળશે.
આ સાથે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. આઈએમડીના વૈજ્ઞાનિક સોમા સેન રોયે કહ્યું કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે જેના કારણે ઠંડીની તીવ્રતા ઘટી શકે છે. જોકે, ગુજરાત પર તેની શું અસર થશે તે હજી જાણવા મળ્યું નથી.
જાન્યુઆરીની શરૂઆત તોફાની બની રહેવાની છે. કારણ કે, એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આવી રહ્યું છે. આવામાં ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર તોફાની બનવા જઈ રહ્યું છે. પરંતું તમને સવાલ થશે કે શિયાળામાં કેમ વરસાદ આવે છે, તો તેનું કારણ જાણી લઈએ.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે નલિયામાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય કરતા 2.3 ડિગ્રીના તાપમાન વધુ નોંધાયું છે. અમદાવાદ 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં 15.8 , રાજકોટમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું. તો સુરતમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું.
રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં 10.2 ડિગ્રી અને ડીસામાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું કે, આગામી 5 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. આગામી સમયમાં અમદાવાદમાં લઘુતમ 15 ડિગ્રી રહેશે. ઉત્તર પૂર્વ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે.