ગુજરાતના આ ગામને મળ્યો દેશના સૌથી સુંદર ગામનો એવોર્ડ, 700 ગામોને ટક્કર મારીને મેળવ્યું ટાઈટલ
રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દરિયાકિનારે આવેલો નાનકડો સુંદર પ્રદેશ છે. દમણ પર્યટન માટે દેશભરમાં જાણીતું છે. આથી ગુજરાત મહારાષ્ટ્ર ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પર્યટકો દમણમાં પરિવાર સાથે ખાવા પીવા ની મોજ માણવા આવે છે.
દમણ પર્યટન તરીકે દેશભરમાં જાણીતું છે. જોકે હવે દમણની આ પ્રસિદ્ધિમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. જેમાં કેન્દ્રના પર્યટન વિભાગ દ્વારા દેશના સૌથી સુંદર ગામોની જાહેર કરેલી યાદીમાં દમણના દરિયા કિનારે આવેલા દેવકા ગામને દેશના ત્રીજા નંબરના સૌથી સુંદર ગામ તરીકે સ્થાન મળ્યું છે.
દિલ્હીમાં યોજાયેલા એવોર્ડ સમારંભમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સાડા 700 થી વધુ ગામોએ ભાગ લીધો હતો. દેશના સૌથી સુંદર ગામ તરીકે એવોર્ડ આપવા માટે ત્રણ તબક્કામાં પસંદગી કરવામાં આવી હતી.
અંતમાં દેશના સૌથી સુંદર ગામોની યાદીમાં દેવકા ગામને ત્રીજા નંબરનું સ્થાન મળ્યું છે. આથી દમણના લોકોમાં ઉત્સાહનો માહોલ છે. વિશેષ કરીને દેવકા ના લોકો ઉત્સાહની સાથે ગર્વ પણ મહેસુસ કરી રહ્યા છે.
દેશના પર્યટન વિભાગ દ્વારા જાહેર થતાં આ એવોર્ડ અને યાદીમાં જાહેર થતાં દેશના સૌથી સુંદર ગામના એવોર્ડ માટે અનેક શરતો અને ક્રાઈટેરિયા રાખવામાં આવે છે. જેમાં ગામની સુંદરતા સાથે સાંસ્કૃતિક વારસો , વારસાને જાળવવા થઈ રહેલા પ્રયાસો, કુદરતી સૌંદર્ય , આરોગ્ય, શિક્ષણ અને પર્યટન માટેની સુવિધાઓ.
આ સહિત વિવિધ 17 જેટલી કેટેગરી ને ધ્યાનમાં લઇ અને આ એવોર્ડ આપવામાં આવે છે. આમ ત્રણ તબક્કામાં આ તમામ ક્રાઈટેરિયામાં દમણનું આ દેવકા ગામ દેશના સુંદર ગામોની યાદીમાં સ્થાન મળ્યું છે.
આથી દમણના પર્યટન વિભાગની સાથે હોટલ ઉદ્યોગ અને લોકો પણ તેનાથી ખુશ છે. અને દેવકા ગામને આ યાદીમાં સ્થાન મળતા હવે આગામી સમયમાં દેવકા સાથે પૂરા પ્રદેશ નો વધુ વિકાસ થશે અને વધુમાં વધુ લોકો દમણની મુલાકાત લેશે. આથી સ્થાનિક લોકોને રોજગારીની સાથે હોટલ ઉદ્યોગને પણ મોટો ફાયદો થશે તેવું મનાઈ રહ્યું છે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેવકા ગામના દરિયા કિનારે બનેલા આકર્ષક અને સુંદર નમો પથ અને સી ફેસ રોડનું લોકાર્પણ કરી તેની મુલાકાત પણ લીધી હતી. દમણને દેશના જાણીતા પર્યટન સ્થળ તરીકે સ્થાન અપાવવા દમણમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ સહિત પ્રદેશના લોકોના પ્રયાસ થી દમણમાં વિકાસે અત્યારે વેગ પકડ્યો છે. તેમાં પણ દમણના દરિયા કિનારે બનાવવામાં આવેલ નમો પથ લોકોનું મન મોહી રહ્યો છે.
આથી છેલ્લા કેટલાક સમય થી દમણની મુલાકાત લેનાર પર્યટકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અને દરિયા કિનારે દિવસભર પર્યટકોની ભીડ જામેલી દેખાય છે.
હવે દેશના પર્યટન વિભાગ દ્વારા પણ દમણના દેવકા ગામને દેશના સૌથી સુંદર પર્યટન વિલેજની યાદીમાં સ્થાન આપી એવોર્ડ આપતા વધુમાં વધુ લોકો દમણની મુલાકાત લેશે.
આથી દમણવાસીઓને રોજગારની સાથે હોટલ સહિત અન્ય પર્યટન ઉદ્યોગને પણ ફાયદો થશે તેવી અપેક્ષા રખાઈ રહી છે.