ગુજરાતમાં મજબૂરીનું ભણતર : સરકારે શાળા તોડવાનો આદેશ આપ્યો, પણ નવી શાળા તો બનાવી જ નહિ
ભણશે ગુજરાત અને વધશે ગુજરાતના સૂત્ર સાથે રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ બાળકો ભણેએ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે વલસાડ જિલ્લાના આદિવસી વિસ્તારમાં આ સૂત્ર માત્ર કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના રાજપુરી જંગલના ગોમતીપાડા ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળા છેલ્લા 6 વર્ષથી જર્જરિત બની છે.
શાળા જર્જરિત બનતા બે વર્ષ પહેલાં બે ઓરડા તોડી પાડવામાં આવ્યા હતા, જે બાદ અન્ય બે ઓરડા પણ જર્જરિત હાલતમાં બનતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અને ગામના સરપંચ અને આગેવાનો દ્વારા જર્જરિત શાળામાં બાળકો ન બેસે અને કોઈ નુકસાન ન થાય તેને ધ્યાનમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી ફળિયાના ઘરો પાસે ઓટલા પર બેસાડીને ભણાવવામાં આવે છે. ધોરણ 1 થી 5 ના 50 જેટલા વિદ્યાર્થીઓ ગામના ઘરોના ઓટલા પર બેસી ભણે છે.
વલસાડ જિલ્લાના રાજપુરી જંગલના ગોમતીપાડા ખાતે આવેલી પ્રાથમિક શાળા જર્જરિત બનતા વિદ્યાર્થીઓ ગામના ઘરોના ઓટલા પર બેસી ભણવા મજબૂર બન્યા છે. 50 જેટલા વિદ્યાર્થીઓ ગામના બે જેટલા ઘરોના ઓરલા પર બેસી અભ્યાસ કરે છે. ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળા જર્જરિત બનતા તંત્ર દ્રારા શાળા તોડવાની મજૂરી આપવામાં આવી છે. પરંતુ શાળા બનાવવાની મજુરી ન મળતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. ગામના સરપંચ તથા આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી શાળા બનાવવાની મંજૂરી મળી નથી.
ધરમપુર તાલુકો એ આદિવાસી વિસ્તાર હોવાના કારણે અહીં રહેતા આદિવાસીઓ મજૂરી કામ અથવા ખેતી કરી પોતાનું જીવન ચલાવે છે. સાથે વધુ પૈસા ન હોવાના કારણે વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં ભણાવી શકતા નથી. એવામાં પ્રાથમિક શાળા જ જર્જરિત બનતા વિદ્યાર્થીઓને શિક્ષણ મળશે કે નહીં એવી ભીતિ વાલીઓને સતાવી રહી છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક શાળા જર્જરિત બની એવું નથી, તાલુકાના ઘણા એવા ગામો છે જ્યાં શાળા જર્જરિત બની છે અને શાળા જર્જરિત બનતા શાળા તોડવાની મજૂરી આપવામાં આવી છે. પરંતુ બનાવવાની મંજૂરી ન મળતા બાળકો ગામના ઓટલા અથવા દૂધ મંડળીમાં બેસી અભ્યાસ કરે છે. ત્યારે સરકાર દ્વારા વહેલી તકે ધ્યાન આપી તમામ જર્જરિત શાળા બનાવવામાં આવે એવું લોકો ઇચ્છી રહ્યાં છે.